ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/(કવિ) ભવાનીશંકર નરસિંહરામ
સ્વ. કવિ ભવાનીશંકર નરસિંહરામ ત્રિવેદીનો જન્મ તા.૬-૬-૧૮૪૮ને રોજ તેમના વતન લીંબડીમાં થયો હતો. તેમના પિતાનું નામ નરસિંહરામ મીઠારામ ત્રિવેદી અને માતાનું નામ દેવકુંવર હતું. તે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ હતા. લીંબડીમાં તેમણે કશુ ભટની ગામઠી નિશાળમાં ગુજરાતી અભ્યાસ કરેલો અને બ્રિટિશ અમલ સ્થાયી થયા પછી અંગ્રેજી બે ધેારણ સુધી અભ્યાસ કરેલો. સાહિત્યોપાસના અને કાવ્યો તથા નાટકનવલકથાનું આદિનું લેખન એ જ તેમના વ્યવસાયો હતા. તેમના જીવન ઉપર પ્રબળ અસર જાણીતા સંસારસુધારક સ્વ. કરસનદાસ મૂળજીની થઈ હતી. સ્વ. કરસનદાસ લીંબડીના એડમિનિસ્ટ્રેટર તરીકે સને ૧૮૬૭ની સાલમાં ગએલા અને ૧૮૭૧ની સાલમાં અવસાન પામ્યા ત્યારસુધી કવિનો એમની સાથે ગાઢ સંપર્ક રહેલો. એમના સંપર્કને પરિણામે કવિએ સંસારસુધારાના વિષય પર કલમ ચલાવવા માંડેલી. તેમની કવિતા દલપતશૈલીની હતી. સને ૧૮૮૨માં કવિએ “ગુજરાત માસિક પત્ર', ૧૮૮૩માં “ત્રિમાસિક ટીકાકાર”, ૧૮૮૮માં “કાઠિયાવાડી” સાપ્તાહિક અને ૧૯૦૦માં “વિદ્યાવિનોદ” માસિક શરુ કરીને ચલાવેલાં. “કાઠિયાવાડી” સાપ્તાહિકમાં જાણીતા પારસી કવિ દાદીબા એદલજી તારાપોર કવિના સાથી હતા. આ ઉપરાંત વર્ષો સુધી ‘સાંજ વર્તમાન', ‘રાસ્તગોફતર’, ‘અખબારે સોદાગર', 'સમશેર બહાદુર' વગેરે પત્રોમાં તે લેખો લખતા. સને ૧૯૧૩માં સર ચીનુભાઈ માધવલાલના પ્રમુખપદે કવિના સત્કારનો સમારંભ અમદાવાદમાં થયો હતો, અને ગુ. વ. સોસાયટીએ કવિને કેટલાક ગ્રંથો ભેટ આપ્યા હતા. સ્વ. મહીપતરામ નીલકંઠ, રા. બા. ભોળાનાથ સારાભાઈ, રા. બા. લાલશંકર, દી. બા. અંબાલાલ, સ્વ. હરગોવિંદદાસ કાંટાવાળા, સ્વ. કેખુશરો કાબરાજી, સ્વ. જહાંગીર મરઝબાન, સ્વ. બેરામજી મલબારી, સ્વ. શાપુરજી બંગાલી એ બધા કવિના પ્રશંસકો અને ઉત્તેજકો હતા. કવિનું અવસાન તા.૩-૫-૧૯૨૧માં લીંબડીમાં થયું હતું. તેમણે લખેલાં કાવ્ય, નાટક, નિબંધ, કથા ઇત્યાદિ ગ્રંથોની નામાવલિ નીચે પ્રમાણે છે: (૧) કૃષ્ણવિરહ (કરસનદાસ મૂળજીના સ્વર્ગવાસ નિમિત્તે લખેલાં કાવ્ય), (૨) વિધવાવિલાપ, (૩) કાવ્યરંગ, (૪) સ્ત્રીબોધ, (૫) દેશી કારીગરીને ઉત્તેજન ભાગ ૧-૨, (૬) ભવાનીકાવ્યસુધા ભાગ ૧-૨, (૭) સંપવિજય, (૮) હિંદુસ્તાનના વાજબી હક્ક, (૯) ગૌરીશંકર ઓઝાનું ચરિત્ર, (૧૦) અનંતજી અમરચંદનું જીવનચરિત્ર, (૧૧) આશકરણ સ્વામીનું જીવનચરિત્ર, (૧૨) હેમચંદ્ર સૂરિનો મુકર્દમો (કવિતા), (૧૩) સૌરાષ્ટ્રપ્રકાશ, (૧૪) બાવદીન વિજય, (૧૫) ગુજરાતી જૂનાં ગીતો, (૧૬) ગુજરાતી ગીતાવલિ, (૧૭) કમલાકુમારી, (૧૮) કુંવારી કન્યા, (૧૯) સોરઠી સોમનાથ, (૨૦) મીઠા જળની માછલી કે ધીરજનુ ફળ ધન, (૨૧) સરદારગઢનો સરદાર, (૨૨) મણીપુરનો મહારાજા, (૨૩) દ્વન્દ્વ યુદ્ધ, (૨૪) સુદામા ચરિત્ર-પંચાંકી નાટક, (૨૫) જશવંતવિયોગ, (૨૬) કરકસર અને ઉદારતા. કવિ ભવાનીશંકરનું લગ્ન તેમની એકત્રીશ વર્ષની વયે સાયલામાં અચરતગૌરી સાથે થએલું. તેમને બે પુત્રીઓ અને ત્રણ પુત્રો હતા જેમાંનાં નાનાં પુત્રી સવિતાગારી, મોટા પુત્ર શ્રી. પ્રાણલાલ અને નાના પુત્ર શ્રી. દયાશંકર વિદ્યમાન છે. શ્રી. દયાશકર પત્રકારનો તથા ગ્રંથકારનો વ્યવસાય કરે છે. કેટલીક બંગાળી નવલકથાઓના અનુવાદો તેમણે કરેલા છે, ‘મુંબઈ સમાચાર' સાપ્તાહિકના તે સહતંત્રી છે.
***