ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/અનંતપ્રસાદ ત્રીકમલાવ વૈષ્ણવ

અનંતપ્રસાદ ત્રીકમલાલ વૈષ્ણવ

સુપ્રસિદ્ધ ભક્ત નરસિંહ મહેતાના કાકા પરવતદાસથી અગીઆરમી પેઢીએ કહાનજી નામના વૈષ્ણવ થયા. તે રાધનપુરનાં રાણીસાહેબના કારભારી થએલા, અને તે કહાનજી બક્ષીને નામે ઓળખાતા. તેમના પુત્ર ત્રીકમલાલ તે શ્રી. અનંતપ્રસાદ વૈષ્ણવના પિતા. તે પણ રાધનપુરમાં જુદા જુદા અધિકારો ભોગવીને દિવાનની પદવીએ પહોંચેલા. તેઓ ન્યાતે વડનગરા નાગર હતા. શ્રી. અનંતપ્રસાદનો જન્મ સંવત ૧૯૧૭માં જેઠ વદ ૧૧ ને દિવસે થયો હતો. તેમનાં માતૃશ્રીનું નામ ઋક્મિણી હતું. ઘેર તથા પ્રાથમિક શાળામાં ગુજરાતી ૬ ધોરણ પૂરાં કરીને તેમણે ઘર આગળ ખાનગી રીતે અંગ્રેજી ત્રણેક ધોરણનો અભ્યાસ કરેલો. તે ગુજરાતી છઠ્ઠા ધોરણમાં પિંગળ શીખ્યા ત્યારથી તેમને દોહરા, ચોપાઈ અને જૂના ભક્ત કવિઓનાં પદોનું અનુકરણ કરીને નવાં પદો લખવાનો રસ લાગ્યો હતો. હિંડોળાના સમયમાં રોજ નવું નવુ હિંડોળાનું પદ બનાવીને તે ગાતા અને તેથી વૈષ્ણવસમાજ પ્રસન્ન થતો વધુ અંગ્રેજી ભણવા માટે તે વડોદરા ગયા. પણ ત્યાં તબિયત સારી નહિ રહેવાથી અમદાવાદ જઈને લગભગ મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. તે અરસામાં તેમનું લગ્ન થયું. સં.૧૯૩૫માં તેમણે “હિંમતવિજય” નામનુ નાટક રચી પ્રસિદ્ધ કર્યું. તે સમયે તેમની વય ૧૭ વર્ષની હતી. આ નાટક જૂનાં વાચ્ય નાટકોમાં પ્રથમ પંક્તિમાં આવે તેવું અને સાત અંકોમાં લખાયેલું છે. સંવત૧૯૪૧માં અને સંવત૧૯૪૫માં એમ બે વાર તેમણે ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતના તીર્થસ્થાનોની યાત્રા કરી હતી. સં.૧૯૪૪માં તેમને રાધનપુરનું દિવાનપદ આપવામાં આવ્યું હતું. સં.૧૯૪૬માં તેમને રાવસાહેબનો ખીતાબ મળ્યો હતો. આ બધા વખતમાં વૈષ્ણવ ધર્મના ગ્રંથોનો અભ્યાસ અને તેમાંના કેટલાકનો અનુવાદ તે કર્યો કરતા. તેમણે “આનંદ” નામનું એક માસિક પત્ર બહાર પાડવા માંડેલું જે સાત વર્ષ ચાલ્યા પછી બંધ પડ્યું હતું. સં ૧૯૫૭માં તેમણે નિવૃત્તિપરાયણ જીવન ગાળવાની શરૂઆત કરી અને જુદા જુદા તીર્થસ્થાનોમાં વસી સત્સંગ તથા પ્રભુચિંતનમાં જ બધો સમય ગાળવા માંડ્યો. સં.૧૯૭૩માં મુંબઈમાં ચાખડી પરથી પગ લપસી જવાથી તેમની પાંસળી તૂટી ગઈ હતી તેથી તે ગુજરાતમાં પાછા ફર્યા. એ જ વર્ષમાં આષાઢ સુદ ૩ ને દિવસે મહેસાણામાં તે મૃત્યુ પામ્યા. તેમણે લખેલાં પુસ્તકમાં વિશેષ ભાગ ધર્મસાહિત્યનો છે. યૌવનકાળમાં તેમણે રસસાહિત્યથી શરૂઆત કરી હતી. તે વખતે તેમણે ‘હિંમતવિજય’ નાટક, દલપતરામ કવિએ લખેલા ‘વિજયવિનોદ’ ના જેવું ‘જોરાવરવિનોદ', ‘રાણકદેવી' નાટક, એટલાં પુસ્તકો લખી પ્રસિદ્ધ કરેલાં. પછી ‘યાત્રાવિલાસ' પોતાની યાત્રાના વર્ણન માટે લખ્યું હતું. “ત્રીદંપતી” અને “વિદ્યાલક્ષ્મી” એ તેમની નવલકથાઓ હતી. આ પુસ્તકો સં.૧૯૩૩ થી ૧૯૩૬ સુધીમાં પ્રસિદ્ધ થયા હતાં. ‘ઉપનિષદર્થ', 'ભગવદ્ગીતા', 'વિષ્ણુસહસ્ત્રનામ'એ ગદ્ય ભાષાંતરગ્રંથો તથા 'રામાયણ', 'મહાભારત', 'દશમ સ્કંધ'નાં પદ્ય ભાષાંતરો તેમણે કરેલાં છે. 'સચ્ચરિત્ર', ‘ગુરુબોધ', 'શ્રવણસાર' એ મૌલિક ગદ્ય પુસ્તકો, ‘શ્રીનાથમાળા', 'વેંકટનાથમાળા' ઈત્યાદિ ૨૦ પદ્યમાળાઓ તેમણે લખી છે. તેમણે કેટલાંક હિંદી પુસ્તકો પણ લખ્યાં છે, જેમાં મુખ્ય 'બ્રહ્મસૂત્ર', 'ગદ્યત્રય', 'સહસ્ત્રગીતિ', 'સંકલ્પ સૂર્યોદય’ નાટક એ ભાષાંતરો છે અને 'અદ્વૈત વિવેચન’, ‘ગુરુપરંપરા પ્રભાવ', 'રંગનાથ માલા', 'પદપંક્તિ', 'પદમાલા પ્રસાદી' એ મૌલિક પુસ્તકો છે. શ્રી. અનંતપ્રસાદજીએ કેટલાંક આખ્યાનો લખ્યાં હતાં, તે ઉપરાંત તે મહારાષ્ટ્રની હરિકથાઓની જેમ રસભરી રીતે હરિકથાઓ કરી જાણતા અને તેમાં બહુધા પોતે લખેલાં આખ્યાનો તથા પદ્યોનો ઉપયોગ કરતા. તેમણે પ્રથમ લગ્ન કરેલું તે પત્નીના અવસાનથી બીજું લગ્ન વીસ વર્ષની વયે કરેલું. તે પત્નીનું નામ દમનગૌરી હતું. તેમને કશી સંતતિ નહોતી.

***