ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/આશારામ દલીચંદ શાહ

આશારામ દલીચંદ શાહ

સ્વ આશારામભાઈનો જન્મ વિ સં.૧૮૯૮ના માઘમાસની શિવરાત્રિએ (તા ૮-૨-૧૮૪૨) રાજકોટ કેમ્પમાં થયો હતો. તેમના પિતાનું દલીચંદ રાયચંદ અને માતાનું નામ વખતબા. તે ન્યાતે દશાશ્રીમાળી વણિક હતા. રાજકોટ કેમ્પની ગુજરાતી મિશનસ્કૂલમાં તેમણે પ્રાથમિક કેળવણીની શરુઆત કરી હતી, અને પછી તે સરકારી શાળામાં દાખલ થયા હતા. ગુજરાતી અભ્યાસ પૂરો થતાં તુરત જ તે અંગ્રેજી શાળામાં દાખલ થયા હતા. ૧૮૫૪માં મુંબઈની યુનિવિર્સિટી સ્થપાઈ અને તેની પહેલી એન્ટ્રન્સ પરીક્ષા રાજકોટમાં ૧૮૫૯માં લેવાઈ, તેમાં બેસીને આશારામભાઈ પસાર થયા. એ પરીક્ષાનું ધોરણ મેટ્રીક જેવુ મનાતું. વધુ અભ્યાસ માટે તે વખતે મુંબઈ જવુ પડતું એટલે તેમનો અંગ્રેજી અભ્યાસ એટલેથી અટકી ગયો. શાળાના શિક્ષક તરીકેનો વ્યવસાય તેમણે તે જ વર્ષમાં-૧૮૫૯માં જ સ્વીકાર્યો અને લીંબડીમાં તેમણે નોકરી લીધી. ૧૮૬૩માં તે જામનગરની અંગ્રેજી શાળામાં શિક્ષક તરીકે ગયા ૧૮૬૫માં તેમણે જામનગરની નોકરી છોડી દીધી અને રાજકોટમાં આવી કાયદાનો અભ્યાસ કરી વકીલાતની સનંદ મેળવી. એ અરસામાં એમને સરકારી નોકરી માટેનાં કહેણ મળેલાં પણ તેમણે તે સ્વીકારેલાં નહિ. રાજકોટથી તે મોરબીમાં ત્યાંના પાટવી કુંવર વાઘજીના શિક્ષક તરીકે અને ઠાકોર રવાજીના ખાનગી મંત્રી તરીકે ગયા. ઠાકોર રવાજી ગુજરી જતાં અને અને મોરબીમાં એડમિનિસ્ટ્રેશન આવતાં આશારામભાઈ મોરબીની શાળાના હેડમાસ્તર તરીકે રહ્યા માળીયાના ઠાકોરે પોતાના કારભારી તરીકે તેમની નોકરી મોરબી રાજ્ય પાસે ઉછીની માંગતાં આશારામભાઈ ત્યાં ગયા. માળીયાના મીંયાણા તે વખતે ખૂબ લૂંટફાટ કરતા, તેમનાં હથિયાર બળે કરીને નહિ પણ કળે કરીને છોડાવવાનાં હતાં તે કામગીરી તેમણે ત્યાં કુશળતાથી બજાવી. ત્યાંથી પાછા ફરી તે મોરબીમાં પાછા હેડમાસ્તર તરીકે રહ્યા અને ત્યાથી એજન્સીએ તેમને ઊંચી પાયરીએ ચડાવી ઝાલાવાડ પ્રાંતના ડેપ્યુટી એજ્યુ. ઇન્સ તરીકે નીમ્યા. એ ઓધ્ધેથી તેમને ૧૮૮૬માં લાઠીના મેનેજર તરીકે નીમવામાં આવ્યા જ્યાં તે ૧૮૯૨ સુધી ત્યાંના ઠાકોર સુરસિંહજી (કલાપી)ની સગીર અવસ્થા દરમ્યાન રહ્યા. લાઠી છોડ્યા બાદ તે ચૂડા, બાંટવા અને સરદારગઢમાં નીમાયા હતા અને પંચાવન વર્ષની ઉંમર થતાં ૧૮૯૯માં છોકરીમાંથી નિવૃત્ત થયા હતા. ઉત્તર જીવન તેમણે મુખ્યત્વે સાહિત્યસેવામાં અને ધર્મપરાયણતામાં ગાળ્યું હતું. આ સમયે તેમણે “કહેવતસંગ્રહ” નામનું જાણીતું પુસ્તક તૈયાર કર્યું હતુ. ૧૯૧૧માં એ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી, પરન્તુ પાછળથી તેમાં આશારામભાઈ ઊમેરો કરતા રહેતા હતા તેથી બીજી આવૃત્તિ ૧૯૨૩માં તેમના પુત્રોએ પ્રસિદ્ધ કરી હતી. આ નિવૃત્તિકાળમાં તેમણે જૈનોની આણંદજી કલ્યાણજીની પેઢી તથા પાલીતાણા રાજ્ય વચ્ચેની તકરારનો નિવેડો લાવવામાં અને અમદાવાદની સ્વામીનારાયણની ગાદીના આચાર્યના હક્કોનું રક્ષણ કરવામાં સારી પેઠે સમય તથા શક્તિનો ઉપયાગ કર્યો હતો. આશારામભાઈ તા. ૨૬-૩-૧૯૨૧ના રોજ ૮૦ વર્ષની વયે આવસાન પામ્યા. તેમનાં પત્નીનું નામ મંછાબા. તેમના બે પુત્રોમાંના મોટા પુત્ર થી. મૂળચંદભાઈ (બી.એ., એલ. એલ. બી, ઍડવોકેટ) અમદાવાદના જાણીતા વકીલ તરીકે વિદ્યમાન છે અને બીજા પુત્ર સુપ્રસિદ્ધ જસ્ટીસ લલ્લુભાઈ શાહ મુંબઇ હાઇકોર્ટના જજ હતા તે મૃત્યુ પામ્યા છે.

***