ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/કેખુશરો નવરોજજી કાબરાજી

કેખુશરો નવરોજજી કાબરાજી

સ્વ. કેખુશરો કાબરાજીનો જન્મ તા.૨૧-૮-૧૮૪૨ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના બાપદાદા અસલ સુરતના વતની હતા. તેમના પિતાનું નામ નવરોજજી અને માતાનું નામ મેહેરબાઈ હતું. તેઓ કોમે પારસી હતા. અગીઆર વર્ષની વયે ગુજરાતી અભ્યાસ પૂરો કરીને તેમણે અંગ્રેજી અભ્યાસ શરુ કરેલો, પરન્તુ સોળમે વર્ષે તેમણે અંગ્રેજી અભ્યાસ છોડી દીધેલો. તેમના પિતાની જીંદગી છાપખાનાના કામમાં ગએલી, જે ધંધાનો વારસો તેમને મળ્યો હતો. જુવાનીમાં તે “પારસી મિત્ર”ના તંત્રી થએલા. પાછળથી તેમણે ૧૮૫૯થી મોટાં પત્રોમાં મદદનીશ તંત્રી તરીકે કામ કરવા માંડેલું. સને ૧૮૬૨-૬૩માં સ્વ. સોરાબજી બંગાળીના પરિચયથી તે “રાસ્ત ગોફતાર” સાથે જોડાયા અને સ્વ. કરસનદાસ મૂળજીના સહવાસમાં આવ્યા. તેમની ભલામણથી તે “રાસ્ત ગોફતાર'ના મદદનીશ તંત્રી રૂ. ૫૦ના પગારથી થએલા. કરસનદાસ મૂળજી ઈગ્લાંડ ગયા, ત્યારે એ પત્રના મુખ્ય તંત્રી તે બનેલા. “રાસ્ત ગોફતાર”માંના તેમના લેખોથી એ પત્રને સારી પ્રતિષ્ઠા મળી હતી. ખાસ કરીને તેમના લેખો પારસી કુટુંબોમાં હોંશભેર વંચાતા. સ્વ. કેખુશરોએ પોતે ઉંચી કેળવણી લીધી નહોતી પણ કેળવણીના તે ચુસ્ત હિમાયતી હતા. અંગબળની કેળવણીને ઉત્તેજન આપવાને તેમણે “સર દિનશાહ પિટિટ જિમ્નેસ્ટિક ઇન્સ્ટીટ્યુશન”ના ઉપરી તરીકેનું કામ માથે લીધું હતું. મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનના તે સભ્ય હતા. સને ૧૯૦૦માં તેમને ઈંગ્લાંડમાં “બ્રિટિશ ઇન્સ્ટીટ્યુટ ઓફ જર્નેલિસ્ટ્સ”ના સભાસદ થવાનું માન મળેલું. ૧૮૮૬માં તેમને ઈરાનના શાહે એક ચાંદ એનાયત કર્યો હતો. સંસારસુધારાનાં કામોમાં તે અગ્રેસર ભાગ લેતા. સ્વ. કેખુશરો એક સારા નવલકથાકાર અને નાટ્યલેખક પણ હતા. અંગ્રેજીમાંથી હિંદુ અને પારસી સંસાર ઉપર ઉતારેલી તેમની કેટલીક નવલકથાઓ તે કાલે સારી પેઠે લોકપ્રિય નીવડી હતી. તેમણે લખેલાં નાટકોમાંનાં થોડાં “શાહનામા” ઉપરથી લખાયેલાં તે પણ લોકપ્રિય નીવડ્યાં હતાં. પરદેશી પુસ્તકોમાંથી અનુકરણરૂપે લખાતાં પુસ્તકોમાં પણ તેમની સજાવટ અને મિલાવટ એવી હતી કે તેમાં પરદેશીપણાની ગંધ ભાગ્યે જ આવે. તેમનું એક નાટક “નંદબત્રીસી” તેમણે પોતાના મિત્ર સ્વ. રણછોડભાઈ ઉદયરામને અર્પણ કર્યું હતું. તેમની કૃતિઓની યાદી નીચે મુજબ છેઃ નવલકથાઓ-ચાલીસ હજારનો ચાનજી, દુખીયારી બચ્ચુ, ગુલી ગરીબ, મીઠી મીઠી, ભોલો દોલો, ભીખો ભરભરિયો. નાટકો-જમશેદ, નિંદાખાનું, ભોલી જાન, વિનાશકાળે વિપરીત બુદ્ધિ, બેજન અને મનીજેહ, નંદબત્રીસી. સ્ત્રીઓ માટેનું પહેલુંજ પત્ર “સ્ત્રીબોધ” તેમણે સ્થાપ્યું હતું, જે ૨૫-૪-૧૯૦૪ને રોજ તેમનું અવસાન થયા પછી તેમનાં પુત્રી શીરીનબાઈ કાબરાજી ચલાવતાં હતાં. થોડા સમય પહેલાં તેમનું પણ અવસાન થયું છે.

***