ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/કેશવજી વિશ્વનાથ ત્રિવેદી

કેશવજી વિશ્વનાથ ત્રિવેદી

સ્વ. કેશવજી વિશ્વનાથ ત્રિવેદીનો જન્મ છે. ૧૯૧૫ના વૈશાખ સુદ ૪ ને રોજ ધ્રોળ (કાઠિયાવાડ)માં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ જૂઠાભાઈ ત્રિવેદી અને માતાનું નામ માનકુંવર હતું. ન્યાતે તે શ્રીમાળી બ્રાહ્મણ હતા. સ્વ. વૈઘરાજ જટાશંકર લીલાધરના તે માસીઆઈ ભાઈ હતા. સાત વર્ષની ઉંમરે ધ્રોળની ગામઠી શાળામાં તેમણે અભ્યાસ શરુ કરેલો અને સંવત ૧૯૨૪માં સરકારી શાળા ઊઘડતાં તેમાં દાખલ થઈને ગુજરાતી ચાર ધોરણનો અભ્યાસ કર્યો, પરન્તુ કુટુંબના નિર્વાહનો જેમના પર આધાર હતો તે તેમના પિતાના કાકાનું અવસાન થતાં તેમના પર એ બોજો આવી પડ્યો અને અભ્યાસ છોડવો પડ્યો. એક સોનીને ત્યાં ટૂંક પગારે નોકરી શરુ કરી. ચાર વર્ષ વીતી ગયાં પણ ભણ્યા વિના આગળ વધી શકાશે નહિ એવો અનુભવ થતાં તેમણે ફરીથી નિશાળે બેસી ભણવા માંડ્યું, અને અંગ્રેજી બે ધોરણ સુધી અભ્યાસ કર્યો. રૂ. ૫ના પગારથી તેમને આસિ. શિક્ષકની નોકરી મળી, પછી સરપદડ મહાલમાં મુખ્ય શિક્ષક થયા. ટ્રેઈન્ડ શિક્ષક થવાની સલાહ મળતાં તેમણે તે માટેની પ્રાવેશિક પરીક્ષાનો અભ્યાસ શરૂ કર્યો અને ઈ.સ.૧૮૭૮માં તે પરીક્ષા પાસ કરીને રાજકૉટની ટ્રેનિંગ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. તે વખતે કૉલેજના પ્રિન્સીપાલ સ્વ. નવલરામ લક્ષ્મીરામ હતા. ૧૮૮૦માં ટ્રેઈન્ડ શિક્ષક થઈને તે કાઠિયાવાડ પ્રાંતના સરકારી કેળવણી ખાતાની નોકરીમાં જોડાયા. સને૧૮૯૨માં એ નોકરી છોડી ત્યારથી તેમણે ગ્રંથલેખનનું જ કાર્ય કર્યું હતું અને એ જ તેમના નિર્વાહ માટેનો મુખ્ય વ્યવસાય હતો. તેમનું પહેલું પુસ્તક “સતીમંડળ અને સ્ત્રીપુરૂષોનો ધર્મ-ભાગ પહેલો” સને૧૮૯૨માં બહાર પડેલું. એ પુસ્તકની નવ આવૃત્તિઓ થઈ છે, “સતીમંડળ ભાગ ૨”ની પાંચ આવૃત્તિઓ થઈ છે. બીજાં પુસ્તકોમાં ‘ચરિત્ર ચંદ્રિકા’ (ચાર આવૃત્તિ) અને ‘શ્રીમાળ પુરાણ' એ મુખ્ય છે. ‘સતીમંડળ ભાગ ૧'ની બે હિંદી આવૃત્તિઓ પણ થઈ છે. સ્વર્ગસ્થે પોતાની જ્ઞાતિનું “શ્રીમાળી શુભેચ્છક” માસિક પત્ર કેટલોક સમય ચલાવ્યું હતું, તેમનું અવસાન અમદાવાદમાં તા. ૭-૮-૩૪ ને રોજ થયું હતું. તેમનું પ્રથમ લગ્ન જામનગરમાં શિવકુંવર સાથે અને બીજું લગ્ન મીઠીબાઈ સાથે થયું હતું, તેમના મોટા પુત્ર શ્રી. ભોગીલાલ અમદાવાદની સેંટ્રલ બેંકની શાખામાં આસી. એકાઉન્ટન્ટ છે અને બીજા પુત્ર શ્રી. અનંતરાય નાગપુરમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. તે ઉપરાંત તેમની એક પુત્રી વિધવા છે.

***