ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગોવિંદભાઈ હરિભાઈ પટેલ

ગોવિદભાઈ હરિભાઈ પટેલ

શ્રી. ગોવિંદ હ. પટેલ (ધર્મજ, તા. પેટલાદ)નો જન્મ તા. ૨૮-૮-૯૦ના રોજ થયેલો. તેમણે માત્ર ગુજરાતી શાળામાં છ ધોરણ સુધીની કેળવણી લીધી છે. અગ્રેજી તેમ જ સંસ્કૃત ભાષાથી તે આજસુધી અપરિચિત જ છે. તેમણે કેટલાંક વર્ષો સુધી ધર્મજ પુસ્તકારયના ગ્રંથપાલ તરીકે કામ કરેલું. તે સમય દરમિયાન અને ત્યારપછીનાં વર્ષોમાં એમણે ધર્મ, સાહિત્ય તથા ચિંતનમા વૃત્તિને પરોવી રાખી છે અને લગ્ન પણ કર્યું નથી એટલે સંસાર-વ્યવહારની ઉપાધિથી તે અલિપ્ત રહ્યા છે. ઈ.સ.૧૯૨૧માં એમના ભાવપ્રધાન સંવાદોનો પ્રથમ ભાગ “સંવાદગુચ્છ” પ્રસિદ્ધ થયો અને કેટલાક વિદ્વાનોએ તેમાનું હીર મૂલવીને તેની પ્રશંષા કરી. એ સાહિત્યપ્રવૃત્તિ ઈ.સ.૧૯૨૬ સુધી ચાલી. ત્યારબાદ એક દસકા સુધી તે ચિંતનમાં-ધર્મગ્રંથોના અભ્યાસમાં ડૂબેલા રહ્યા. ૧૯૩૫માં તેમણે ૯૦૦ થી ૧૨૦૦ પંક્તિઓનાં ખંડકાવ્યો રચવા માંડ્યાં. એમનાં ખંડકાવ્યોને ગુજરાત સાહિત્યસભાના જુદા જુદા સમીક્ષકોએ પણ મૂલ્યવાન લેખ્યાં છે. શ્રી. ગોવિંદભાઈનાં ઘટક બળોમાં તેમની આજીવન ધર્મવૃત્તિ, ગ્રંથપાલ તરીકે તેમણે સેવેલી અભ્યાસરતિ અને તે દરમિયાન તેમણે કરેલું પ્રાચીન ધર્મગ્રંથો તથા ઈતિહાસનું વાચન, કિશોર અવસ્થામાં ભાટચારણો પાસેથી સાંભળેલી લોકવાર્તાઓ અને વિદ્વાનો તરફથી તેમને મળેલો આદર તથા ઉત્સાહ, એટલાં વાનાં ગણાવી શકાય. તેમની કૃતિઓ નીચે પ્રમાણે છે :

(૧) સંવાદગુચ્છ-પ્રથમ પુષ્પ ઈ.સ.૧૯૨૧
(૨) સંવાદગુચ્છ-દ્વિતીય પુષ્પ ઈ.સ.૧૯૨૩
(૩) હૃદયધ્વનિ, નાદ ૧-૨ ઈ.સ.૧૯૨૩
(૪) હૃદયધ્વનિ, નાદ ૩-૪ ઈ.સ.૧૯૨૩
(૫) આત્મોદ્ગાર ઈ.સ.૧૯૨૬
(૬) જીવંત પ્રકાશ ઈ.સ.૧૯૩૬
(૭) તપોવન ઈ.સ.૧૯૩૭
(૮) મદાલસા ઈ.સ.૧૯૩૯
(૯) આપદ્ધર્મ ઈ.સ.૧૯૪૦

આમાંનાં પ્રથમ બેમાં સંવાદો છે; ૩, ૪, ૫માં ગદ્યમય ભાવગીતો છે; બાકીનાં ખંડકાવ્યો છે.

***