ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જેઠાલાલ ચીમનલાલ સ્વામીનારાયણ

જેઠાલાલ ચીમનલાલ સ્વામીનારાયણ

ગણિતના અધ્યાપક તરીકે ગુજરાતમાં વિખ્યાત પ્રો.. સ્વામીનારાયણનો જન્મ સં. ૧૯૪૦ના ભાદરવા સુદ આઠમ ને શુક્રવાર, તા. ૨૮ મી ઑગસ્ટ ૧૮૮૪ના રોજ અમદાવાદમાં કડવા પાટીદાર જ્ઞાતિના એક ઉચ્ચ ધનિક કુટુંબમાં થયો હતો. ‘બળવા’ વખતે તેમના દાદા હરિવલ્લભદાસે મશરુના વેપારમાં ખૂબ કમાણી કરેલી. તેમના પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ મહાકોર. પિતાને વેપાર પણ ધમધોકાર ચાલતો હોવાથી તેમનું બાળપણ બહુ સુખમાં ગયું અને અભ્યાસમાં પણ તેમણે કુશાગ્ર બુદ્ધિને લીધે આગળ રહી સ્કોલરશિપો અને ઈનામો લીધેલાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઈ ઇ.સ.૧૮૯૯માં મેટ્રિક થઈને તે ગુજરાત કૉલેજમાં દાખલ થયા ત્યારે આખી કૉલેજમાં સૌથી નાના કોલેજિયન તે હતા. સંસ્કૃત અને ગણિતમાં તેજસ્વી હોવાથી તે તે વિષયના પ્રો. આનંદશંકર અને દાવાળાના તે પ્રિય શિષ્ય હતા. એમની મુરાદ તો આઈ સી. એસ. માટે જવાની હતી, પણ પિતાને એકાએક વેપારમાં ખોટ આવી અને એમના અભ્યાસ કાળમાં જ તે ઇ.સ.૧૮૯૮માં ગુજરી ગયા એટલે તે બર ન આવી. ઈ.સ.૧૯૦૦માં ગુજરાત કૉલેજમાંથી પ્રીવિયસમાં પહેલા વર્ગમાં આવી, બૅરોડોલ સ્કૉલરશિપ મેળવીને તે મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગયા, અને ત્યાંથી ૧૯૦૩માં વડોદરા કૉલેજમાં જઈ બી. એ. થઈને ૧૯૦૪માં ત્યાંના ફેલો થયા. ૧૯૦૫માં એમ. એ.ના અભ્યાસ માટે તે પૂના ફર્ગ્યુસન કૉલેજમાં ગયા, પણ મંદવાડને લીધે અભ્યાસ છોડી પાછા આવવું પડ્યું. એક વર્ષ માંદગી ભોગવી ૧૯૦૬માં તે અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રહ્યા, પણ ત્રણ જ માસમાં દાદાભાઈ જયતીમાં ભાગ લેવાથી રાજીનામું આપ્યું, એક ખાનગી ગુજરાત હાઈસ્કૂલમાં શિક્ષક થયા, ‘સ્વદેશી મિત્રમંડળ' સ્થાપી અમદાવાદની પહેલી રાષ્ટ્રીય ચળવળમાં અગ્રણી કાર્ય કર્યું, 'ઉદ્બોધન' નામનું માસિક ચલાવ્યું અને ૧૯૦૭માં સૂરતની મહાસભામાં જઈ આવી નોકરી છોડી ફરી એમ. એ.નો અભ્યાસ આદર્યો. ૧૯૦૮માં ચાંદોદના જાણીતા ગંગનાથ ભારતીય સર્વવિદ્યાલયમાં તે શિક્ષક તરીકે રહ્યા, પૂનામાં સિનિયર રેંગલર સર પરાંજપે પાસે ગણિતના અભ્યાસ માટે જઈ આવ્યા અને એમ એ.માં પહેલા વર્ગમાં પહેલે નંબરે પસાર થયા. તરત જ ૧૯૦૯માં ગુજરાત કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે તેમની નિમણુક થઈ. ત્યાં ૧૨ વર્ષ સુધી ખ્યાતિ મેળવ્યા બાદ ૧૯૨૧માં અસહકાર આવતાં તે નોકરી છોડી દીધી. ત્યાં તો એમને માટે પ્રિન્સિપાલ થવાની તક હતી, પણ અભ્યાસકાળથી જ અરવિંદ ઘોષ, લોકમાન્ય તિલક આદિની પ્રબળ અસર જીવન પર પડેલી, એટલે દેશપ્રેમને પહેલો ગણી તે નોકરી તેમણે જતી કરી અને ગુજરાત વિદ્યાપીઠમાં ગણિતાધ્યાપક બન્યા. તે પછીથી તે ૧૯૩૩ સુધી તેમણે જુદા જુદી રાજકીય ક્ષેત્રના તબક્કાઓમાં કાર્ય કર્યું: ૧૯૨૩માં વિઠ્ઠલભાઈ પટેલ સાથે સ્વરાજ પાર્ટીમાં જોડાઈ મુંબઈ ધારાસભામાં ગયા, ૧૯૨૭ થી ૧૯૩૦ સુધી વિઘોટીને કામે ગામડાંઓમાં રખડ્યા, ૧૯૩૦માં દાંડીકૂચ થતાં ધારાસભામાંથી રાજીનામું આપ્યું અને જેલમાં ગયા, ૧૯૩૧માં છૂટ્યા પછી મંદવાડ આવ્યો. ૧૯૩૩માં બોચાસણના સ્વામીનારાયણ પંથના સંત યજ્ઞપુરુષદાસજીનો સમાગમ થતાં તેમનું જીવન ધર્મ તરફ ઢળી ગયું. છેલ્લાં ચાર વર્ષે તેઓ અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કૉલેજમાં ગણિતના અધ્યાપક અને મુંબઈ યુનિવર્સિટીમાં એમ. એ. અને એમ. એસ. સી.ના પરીક્ષક હતા. ગણિત અને સંસ્કૃત એમના પ્રિય વિષયો, અને ગણિતની પેઠે સંસ્કૃત ઉપર પણ એમનો એટલો કાબૂ હતો કે ચાહે ત્યારે શીઘ્ર કાવ્ય પણ રચી શકતા. ‘प्रताप चरितम्’ નામનું ૧૯૧૪માં લખેલું એમનું સંસ્કૃત નાટક હજી અપ્રકટ છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મહાન આચાર્યનું જીવન अक्षर पुरुषोत्तम चरित्र' નામે સંસ્કૃતમાં શરુ કરેલું જેના ૧૬૦૦૦ શ્લોકો લખાએલા પડ્યા છે. ઈ.સ.૧૯૦૧માં એમનું પ્રથમ લગ્ન શંકરલક્ષ્મી સાથે અમદાવાદમાં થએલું જેનાથી એક પુત્ર છે. ૧૯૧૭માં બીજું લગ્ન ડાહીગૌરી સાથે થયું જેનાથી ચાર પુત્રો અને બે પુત્રીઓ હયાત છે. ઈ.સ.૧૯૪૧ના જૂનની ૨૪મી તારીખે અમદાવાદમાં એમનું અવસાન થયું. એમના ગ્રંથોની યાદી:- “મહારાણા પ્રતાપસિંહ” (નાટક) ઈ.સ.૧૯૧૫ “પરાક્રમી પૌરવ" (નાટક) ઈ.સ.૧૯૨૦

***