ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/દામોદર ખુશાલદાસ બોટાદકર

દામોદર ખુશાલદાસ બોટાદકર

સ્વ. દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ તેમના વતન બોટાદમાં તા.૨૭ મી નવેમ્બર ૧૮૭૦ના રોજ થયો હતો. ન્યાતે તે મોઢ વણિક હતા. પાંચ વર્ષની વયે તેમના પિતાજીનું અવસાન થયું હતું. કેળવણીમાં તેમણે ગુજરાતી છ ધોરણ જેટલો અભ્યાસ સ્વ. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ પાસે કર્યો હતો. ગરીબ સ્થિતિને કારણે તેર વર્ષની વયે જ તેમને શિક્ષકનો વ્યવસાય લેવો પડ્યો હતો. સને ૧૮૯૩માં તે મુંબઈ ગયા હતા, અને “પુષ્ટિમાર્ગ પ્રકાશ” નામના વૈષ્ણવ સંપ્રદાયના એક માસિક પત્રનું તંત્ર હાથમાં લીધું હતું. અહીં તેમને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની તક મળી હતી. સંસ્કૃત અને ગુજરાતી કાવ્યસાહિત્ય એ એમનો પ્રિય વિષય બન્યો હતો. સને ૧૯૦૭માં તે વતનમાં પાછા ફર્યા હતા કારણકે મુંબઈનાં હવાપાણી તેમને અનુકૂળ બન્યાં નહોતાં. ત્યારથી તેમણે ભાવનગર રાજ્યના કેળવણીખાતામાં નોકરી લીધી હતી, અને અવસાન થતાંસુધી જુદે જુદે સ્થળે મદદનીશ શિક્ષક તથા મુખ્ય શિક્ષક તરીકે ટૂંકા પગારમાં નોકરી કરી હતી. તેમની પહેલી કવિતા ‘પ્રેમ અને સત્કાર’ સને ૧૮૯૬માં છપાઈને ‘ચંદ્ર’ તથા ‘કાવ્યમાધુર્ય’માં પ્રકટ થઈ હતી. તેમણે લખેલા કવિતાસંગ્રહો “કલ્લોલિની” (૧૯૧૨), “સ્ત્રોતસ્વિની” (૧૯૧૮), “નિર્ઝરિણી” (૧૯૨૧), “રાસતરંગિણી” (૧૯૨૩), “શૈવલિની” (૧૯૨૫) એ પ્રમાણે છે. “રાસતરંગિણી” ખૂબ જ લોકપ્રિય થવાથી ગુજરાતે તેમનો સારો સત્યાર કર્યો હતો. તે ઉપરાંત તેમણે “લાલસિંહ સાવિત્રી" એ નામનું એક નાટક (૧૯૧૯) પણ લખેલું. “મોઢમહોદય” નામના જ્ઞાતિપત્રનું તંત્ર તેમણે પાંચેક વર્ષ સુધી સંભાળેલું. ઇ.સ. ૧૯૦૩માં ૩૩ વર્ષની વયે તેમનું લગ્ન થયું હતું. તા.૭-૯-૧૯૨૪ને રોજ ૫૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અવસાન સમયે તેમની સ્થિતિ ગરીબ જ રહી હતી. તેમની કવિતાસેવાની કદર કરીને ભાવનગર રાજ્યે તેમના કુટુંબને નાનું પેન્શન બાંધી આપ્યું છે.

***