ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/દોલતરામ કૃપારામ પંડ્યા

દોલતરામ કૃપારામ પંડ્યા

સ્વ. દોલતરામ કૃપારામ પંડ્યાનો જન્મ સં.૧૯૧૨ના ફાગણ સુદ ૨ (ઈ.સ.૧૮૫૬)માં થએલો. તેમનું વતન નડીયાદ હતું. તેમના પિતાનું નામ કૃપારામ અંબાદત્ત પંડ્યા અને માતાનું નામ હરિલક્ષ્મી હતું. ન્યાતે તે વડનગરા નાગર બ્રાહ્મણ હતા. તેમનાં પત્ની આરતલક્ષ્મી નડીયાદનાં હતાં. તેમને કાંઈ સંતાન નહોતાં. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક કેળવણી અનુક્રમે નડીયાદની પ્રાથમિક શાળામાં અને ત્યાંની ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં લીધી હતી. ઉચ્ચ કેળવણી લેવા માટે તે મુંબઈની એલ્ફીન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. તે કૉલેજમાંથી તે બી. એ.ના બીજા વર્ષમાં ઉઠી ગયા હતા કારણકે તે અરસામાં પિતાનું અવસાન થવાથી તેમના શિરે કુટુંબનો ભાર પડ્યો હતો. નાની વયમાં કુટુંબનો ભાર માથે પડ્યા છતાં આપબળે તે સારી રીતે આગળ વધ્યા હતા. શરુઆતમાં થોડાં વર્ષ તેમણે વકીલાતનો વ્યવસાય કર્યો હતો. શ્રી. માધવતીર્થ સાથે તેમણે એક વાર શાસ્ત્રાર્થનો વિવાદ કરેલો. વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના તમોગુણી આચાર્ય સામે તેમણે બંડ ઉઠાવ્યું હતું અને છેવટે તેને પદભ્રષ્ટ કરાવી નવા આચાર્યની નીમણુક કરાવી હતી. ત્યારપછી તે લુણાવાડા રાજ્યના દિવાન નીમાયા હતા. ત્યાં ૧૩ વર્ષ સુધી તેમણે નોકરી કરીને યશસ્વી કારકીર્દી સાથે જીવન પૂરું કર્યું હતું. સંવત ૧૯૭૨ના કાર્તિક વદી ૮ (તા.૩૦-૧૧-૧૯૧૫)ને રોજ તેમનું અવસાન નડીયાદમાં થયું હતું. ઇતિહાસ, ફીલ્સુફી અને સાહિત્ય એ તેમના અભ્યાસના પ્રિય વિષયો હતા. ભાગવત અને ગિબન તથા ઇસ્ટીલસનાં પુસ્તકો તેમનાં પ્રિય પુસ્તકો હતાં. સ્વર્ગસ્થ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને તે પોતાના સાહિત્યગુરુ માનતા. તેમની સંસ્કૃતપ્રચુર લેખનશૈલીનો વારસો જાણે સ્વ. દોલતરામ પંડ્યાને મળ્યો હોય એમ તેમની કૃતિઓ ઉપરથી જણાઈ આવે છે. તેમનું પ્રથમ પુસ્તક “કુસુમાવલિ” જે કાદંબરીની શૈલીની સળંગ કથા છે તે સને ૧૮૮૯માં બહાર પડ્યું હતું. ત્યારપછીનાં તેમનાં પુસ્તકો “ઈંદ્રજિત વધ"(કાવ્ય), “સુમનગુચ્છ”(કવિતાસંગ્રહ) અને “અમરસત્ર નાટક” હતું. છેલ્લું પુસ્તક ૧૯૦૨માં બહાર પડેલું. તે ઉપરાંત તેમણે કેટલાક અંગ્રેજી અને ગુજરાતી લેખો લખેલા જેનો સંગ્રહ પ્રસિદ્ધિ પામ્યો નથી.

***