ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/નથુરામ સુંદરજી શુક્લ

નથુરામ સુંદરજી શુક્લ

સ્વ. કવિ નથુરામ સુંદરજી શુક્લ. વાંકાનેરના ઔદીચ્ય બ્રાહ્મણ હતા. તેમનો જન્મ વાંકાનેરમાં સંવત ૧૯૧૮માં થએલો. તેમનાં માતુશ્રીનું નામ આણંદીબાઈ. તેમણે પ્રાથમિક કેળવણી ગામઠી શાળામાં લીધેલી. નાની વયમાં અને ગરીબ સ્થિતિમાં તે વૈદિક કર્મ શીખીને શુક્લવૃત્તિનું કામકાજ કરતા અને કુટુંબનિર્વાહ ચલાવતા. ભૂજમાં લખપતની પાઠશાળામાં તેમણે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. વ્રજ અને સંસ્કૃતનો અભ્યાસ પાછળથી કર્યો હતો. વ્રજભાષાના અભ્યાસ માટે મર્હુમ ધ્રાંગધ્રાનરેશે તેમને કાશી મોકલ્યા હતા જ્યાં તે રસ, અલંકાર અને નાયકાભેદ આદિ શીખ્યા. સંસ્કૃત અભ્યાસ તેમણે ભાવનગરમાં સ્વ. પ્રાણજીવન મોરારજી પાસે કર્યો હતો. વરલના ઠાકોર શ્રી. હરિસિંહજીએ તેમને અભ્યાસ માટે મદદ કરી હતી. તેમની કાવ્યશાસ્ત્રમાં નિપુણતા અને કવિતારચના પરથી તેમને દેશી રાજાઓ તરફથી સારું ઉત્તેજન મળતું થયું હતું. ભાવનગર પોરબંદર તથા વાંકાનેરના રાજવીઓએ તેમને રાજકવિ તરીકે નીમીને સારી પેઠે ઉત્તેજન આપ્યું હતું. “તેમણે સાહિત્યનાં બધાં અંગોનો વ્રજમાંથી અને સંસ્કૃતમાંથી અભ્યાસ કર્યો હતો. તે શૃંગારરસપ્રધાન કવિ લેખાતા. તેમણે સંખ્યાબંધ નાટકો લખેલાં. તેમાં તેમની શૃંગારપ્રિયતા ચમકતી. તેમનાં લખેલાં નાટકો મુંબઈ ગુજરાતી નાટક કંપની, વાંકાનેર વિદ્યાવર્ધક કંપની, વાંકાનેર સત્યબોધ કંપની, પાલીતાણા શક્તિવર્ધક નાટક કંપની, વાંકાનેર નૃસિંહ નૌતમ નાટક મંડળી વગેરેએ ભજવેલાં. તેમનાં લખેલાં પુસ્તકોની યાદી:- કાવ્યગ્રંથો-ઋતુવર્ણન (૧૮૮૮), શૃંગારસરોજ (૧૯૦૦), કૃષ્ણબાળલીલા સંગ્રહ (૧૯૦૭), કાવ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર (૧૯૧૧), કાવ્યસંગ્રહ (૧૯૧૬), વિવેકવિજય (૧૯૧૫), ઝાલાવંશવારિધિ (૧૯૧૬), પ્રતાપપ્રતિજ્ઞા નાટક (૧૯૦૫), તખ્તયશ ત્રિવેણિકા, તખ્તવિરહ બાવની, ભાવ આશીર્વચન કાવ્ય, અમર કાવ્યકલાપ, ભાવસુયશ વાટિકા, ઝંડૂ વિરહ, ત્રિભુવનવિરહ શતક, ભાવવિરહ બાવની. નાટકો-કુમુદચંદ્ર, કામલતા સ્વયંવર, હલામણ જેઠવો, હરિશ્ચંદ્ર, રાજયોગી, લાલખાંની લુચ્ચાઈ, સતી સરોજિની, માધવ કામકંદલા, ગુમાનસિંહ, ભક્તકુટુંબ, કબીરવિજય, તુકારામ, નટી નટવર, ભક્તિવિજય, નાગર ભક્ત, બિલ્વમંગળ અથવા સુરદાસ, શહેનશાહ અકબર, યોગકન્યા. કવિ નથુરામે બે લગ્ન કરેલાં. એક લુણસરમાં બાઈ રળિયાત સાથે અને બીજું વાલાસણમાં સં.૧૯૫૯માં બાઈ ગોદાવરી સાથે. પ્રથમ લગ્નથી તેમને બે પુત્રીઓ થએલી, ઉમયા અને કમળા. બીજી પત્નીથી તેમને પુત્ર થએલો. જેનું નામ ઉત્તમરામ છે. કવિએ આ બે લગ્ન ઉપરાંત એક ત્રીજું પ્રેમલગ્ન ભાવનગરમાં પાર્વતીબાઈ નામનાં એક સધવા બાઈ સાથે કરેલું. આ માટે તેમને ન્યાતબહાર મૂકવામાં આવ્યા હતા. પાછળથી તેમને ન્યાતમાં લેવામાં આવ્યા હતા. આ પ્રેમલગ્નની એ સફળતા હતી કે સપત્નીનાં ત્રણે બાળકોને પાર્વતીબાઈએ પાછળથી પોતાની હુંફમાં લઈને ઊછેરેલાં. કવિ નથુરામ સંવત ૧૮૭૯માં વાંકાનેરમાં ૬૧ વર્ષની વયે અવસાન પામ્યા હતા.

***