ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/નારાયણ મોરેશ્વર ખરે

નારાયણ મોરેશ્વર ખરે

દક્ષિણના સતારા જિલ્લાના તાસગાંવ નામના ગામમાં એમનો જન્મ થએલો. મૂળ એ કોંકણના રત્નાગિરિ જિલ્લાના ગુહાગર ગામના કોંકણસ્થ બ્રાહ્મણ. એમના પિતાનું નામ મોરેશ્વર નાગેશ ખરે અને માતાનું નામ સરસ્વતી હતું. એમનું લગ્ન કરાડ ગામે ઈ.સ.૧૯૦૬માં થએલું. વીટૅં નામના ગામડામાં પ્રાથમિક કેળવણી લઈ મીરજ હાઈસ્કૂલમાં એમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. મીરજના મહારાજા તરફથી એમને સ્કૉલરશિપ મળતી. સંગીત તરફનું એમનું વલણ જોઈ મહારાજાએ એમને સંગીત શીખવાનો જ આગ્રહ કર્યો, અને મૅટ્રિકની પરીક્ષાનું ફૉર્મ ભરેલું હોવા છતાં મહારાજાના મોકલ્યા તે સંગીત શીખવા ગયા અને પરીક્ષા આપી શક્યા નહિ. પરંતુ સંગીતના અભ્યાસમાં તેમણે એટલું પ્રાવીણ્ય મેળવ્યું કે એમના ગુરુ પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કરના એ પ્રીતિપાત્ર બન્યા; અને મહાત્માજીએ આશ્રમને માટે જ્યારે કોઈ શીલવંત કુશળ સંગીતજ્ઞની માગણી કરી ત્યારે પંડિતજીએ મહાત્માજીને એમની ભેટ કરી. સંગીત પ્રત્યેનો અનુરાગ અને સ્વદેશભક્તિની લગન એ બંનેનો આશ્રમમાં આવ્યા બાદ એમનામાં જે સુયોગ થયો તેને લીધે દેશમાં છેક આમજનતાના નીચલા થર સુધી સંગીતપ્રચાર કરવાની તમન્ના જગાડી. અમદાવાદમાં પ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ ભરવામાં, કે 'લોકસંગીત' જેવાં પુસ્તકોનું સંપાદન કરવામાં એમની એ લગની જ પ્રેરક બળરૂપ હતી. સંગીત ઉપરાંત સંસ્કૃત અને ગણિત પણ એમના પ્રિય વિષયો હતા, અને આશ્રમની શાળામાં એના અધ્યાપન કાર્યમાં તેઓ સહાય પણ કરતા. એમના કલામસ્ત, દેશભક્ત અને સાધુચરિત જીવન પર પંડિત વિષ્ણુ દિગંબર, પૂ. ગાંધીજી અને તુલસીકૃત રામાયણની પ્રબળ અસરો પડેલી એથી જ એમનું જીવન ઘડાએલું. ઈ.સ.૧૯૩૮ની ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ હરિપુરા કૉંગ્રેસ વખતે એ પૂર્વ તૈયારીઓ માટે ત્યાં ગએલા અને ત્યાં જ આશરે ૫૦ વર્ષની વયે એમનું અકાળે અવસાન થયું. એમનો પુત્ર રામચંદ્ર અને પુત્રી બહેન મથુરા બંને અમદાવાદમાં સંગીતના અધ્યાપનકાર્યમાં જ પ્રવૃત્ત છે. એમનાં પુસ્તકો: "આશ્રમ-ભજનાવલિ" (સંપાદિત), “લોકસંગીત.”

***