ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પ્રસ્તાવના

પ્રસ્તાવના

બે વર્ષ ઉપર પ્રસિદ્ધ કરવા ધારેલો ‘ગ્રંથ અને ગ્રંથકાર'નો આ નવમો ભાગ આ વર્ષ પણ અડધું પસાર થતાં પ્રસિદ્ધ થાય છે અને એ રીતે સને ૧૯૩૭ થી ૧૯૪૧નાં સાહિત્યની સમીક્ષા ૧૯૪૪માં બહાર પડે છે. આ વિલંબ ન ઇચ્છવા યોગ્ય છે. આ ગ્રંથના લેખન કરતાં વધુ તો છાપખાનાની અગવડને કારણે આ વિલંબ થયો છે. ભવિષ્યના ‘ગ્રંથ અને ગ્રંથકાર'ના ભાગો માટે સાહિત્ય-સમીક્ષા વિભાગનું કામ કોઈ પણ લેખકોને અગાઉથી ત્રણ કે પાંચ વર્ષ માટે નક્કી કરી સોંપી દેવું જોઈએ કે જેથી વર્ષ પૂરું થતાં સમીક્ષા બહુ વિલંબમાં ન પડે. આ નવમા ભાગનું મુદ્રણ દોઢ બે વર્ષથી શરૂ થયેલું, પણ છાપખાનાઓમાં માણસોની હાડમારીએ કામ સરળતાથી નીકળી શકતું નહોતું, અને એ અગવડોમાં ત્રણ જુદાંજુદાં છાપખાનાંનો આશ્રય લઈ આ કામ પૂરું કર્યું છે. આ વિભાગમા પ્રસિદ્ધ થતી સાહિત્ય-સમીક્ષા વસ્તુતઃ સમીક્ષા નથી; તે માત્ર દૃષ્ટિપાત છે, કારણ કે પાચ વર્ષના સાહિત્યને વિશેષ વિસ્તારથી વિવેચવાનો આમાં અવકાશ નહોતો. આ દૃષ્ટિપાતને પણ સાહિત્યના પ્રવાહના વિભાગશ: બલાબલ સમજી શકાય એવી રીતે બનતા પ્રમાણમા વિશદ કર્યો છે ગ્રંથકાર-ચરિતાવલી માટે જે નામો બહાર પાડેલાં અને જેની માહિતી જાહેર તથા ખાનગી રીતે મેળવવામાં આવેલી તે બધી જ આ ગ્રંથ માટે ઉપયોગમા લઈ શકાઈ નથી. ઘણી જીવનરેખાઓ લખાઈ આવવા છતાં હજી બાકી રાખવી પડી છે કેટલાક વિદેહ સુપ્રસિદ્ધ ગ્રંથકારો કે જેમની જીવન-રેખાઓ આજ સુધીના ગ્રંથોમાં અનિવાર્યરીતે આવવી જોઈતી હતી પરન્તુ આવી શકેલી નહિ, તે બધીને આ ગ્રંથમાં તો સંક્ષેપ કે વિસ્તારની દૃષ્ટિ છોડીને પણ સમાવી લેવાનો સંકલ્પ કરેલો; કારણ. વખત જતા જીવનરેખાનાં સાધનો ઘસાતાં જવાનો સંભવ હોય છે એવી કેટલીક જીવનરેખાઓ આ ગ્રંથમાં લીધી છે; પરંતુ ધારેલી બધી રેખાઓ આવી શકી નથી. કેટલાક ગ્રંથકારો સંબંધમા માહિતી મેળવવા યત્ન કર્યા છતાં મળી શકી નહિ અને કેટલીક બહુ અધૂરી મળી શકી. તે બાકી રાખીને બની શકે તેટલી જીવનરેખાઓ સમાવી છે. જેનો સમાવેશ કર્યો છે તેમાં પણ અપૂર્ણતા અને ત્રુટિઓ છે. ગ્રંથકારની મહત્તા કે સાહિત્યસેવાના પ્રમાણમાં સંક્ષેપ-વિસ્તારનો નિયમ જાળવી શકાયો નથી; માત્ર જે કાંઈ ઉપલબ્ધ થયું તે ઉપર જ આધાર રાખવો પડ્યો છે, અને જેમ બને તેમ વેળાસર આવી જીવન-રેખાઓ વધુ પ્રમાણમાં ગ્રંથારૂઢ થવા પામે એ દૃષ્ટિપૂર્વક એકંદર ૧૧૭ ગ્રંથકારોની જીવન-રેખાઓ એકત્ર કરી આપી છે.

ચુનીલાલ વર્ધમાન શાહ
બચુભાઈ રાવત



સાહિત્યસમીક્ષા અને ગ્રંથકારચરિતાવલી ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠે પ્રસિદ્ધ કરેલા જોડણીના નિયમોનું વિવરણ આપતો ‘ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી' એ નામનો લેખ આપણા નિત્યના ઉપયોગના આશરે દસ હજાર શબ્દોની સૂચી સાથે આ ભાગમા દાખલ કરવામાં આવ્યો છે. વિવરણમાં જોડણીના નિયમોની યથાશક્ય મીમાંસા કરવામાં આવી છે. નિયમોમાંના ગ્રાહ્ય તત્ત્વને બની શકે તેટલી વિશદતાથી બતાવી, કવચિત્ અનાવશ્યક કે ત્યાગ કરવા જેવા તેમ બદલવા જેવા નિયમો વિશે પણ સૂચન કરવામા આવ્યું છે. તેમ જોડણીના નિયમોનું પાલન જ્યાં જ્યાં શિથિલ જણાયું છે તેના તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. દાયકાઓ થયાં ગુજરાતી જોડણી નક્કી કરવાના પ્રયત્નોને અંતે ગુજરાત વિદ્યાપીઠે વ્યવહારુ નિયમો તૈયાર કરી એકવાક્યતા કરવાનુ પ્રશસ્ય કાર્ય કર્યું છે, જોડણીકોશની નવી નવી આવૃત્તિઓમાં સુધારાવધારાને પણ અવકાશ રાખ્યો છે. અત્યાર સુધીના પ્રયત્નોમાં વિસંવાદનાં તત્ત્વો રહેવામાં પ્રધાન કારણ ક્યાં બળો જોડણી નક્કી કરવામાં નિયામક છે તેનો નિર્ણય કરવામાં રહેલો મતભેદ છે કોઈ નરી વ્યુત્પત્તિને બળે જોડણી નક્કી કરવા પ્રયત્ન કરે, તો કોઈ વ્યુત્પત્તિ અને ઉચ્ચારણ એ બેઉને લઈ નક્કી કરવા પ્રયત્ન કરે. ભાષાનું જીવંત સ્વરૂપ માત્ર વ્યુત્પત્તિને અધીન નથી હોતું. એમાં ઉચ્ચારણનું તત્ત્વ પ્રધાન ભાગ ભજવતું હોય છે, અને વ્યુત્પત્તિ તો એના અંગમાં સમાવિષ્ટ હોય છે બલ્કે વ્યુત્પત્તિ ઉચ્ચારણને જ અધીને હોય છે આમાં સ્વાભાવિક, વ્યાપક અને શિષ્ટ ઉચ્ચારણ ઉપર આધાર રાખવામાં આવે તો જોડણીનું સ્વાભાવિક રૂ૫ મેળવી શકવામાં સુવિધા થાય. જોડણીમાં પ્રધાન વિસંવાદ હસ્વ-દીર્ઘ ઇ-ઉનો છે. અમુક એક ચોકક્કસ તત્ત્વ શોધી કાઢવામાં ન આવે ત્યાંસુધી મુશ્કેલી રહે જ. એ તત્ત્વ છે ‘સ્વરભાર’નું. જીવતી ભાષામાં આ તત્ત્વ પકડવું બહુ અઘરું નથી, અને આપણે નિર્ણય પણ તદ્ભવ શબ્દોમાંના ઇ-ઉનો કરવાનો હોય છે, યા તત્સમ શબ્દો ગુજરાતીમાં આવ્યા પછી ગુજરાતી લેબાશમાં આવી ગયા હોય તેવાઓના ઇ-ઉ નો. આ અને એવી બીજી વાતો તરફ પાદટીપોમાં ધ્યાન ખેંચવામાં આવ્યું છે. વાચકને વિવરણ સમજવામાં વિધ્ન ન આવે એ હેતુથી જ પાદટીપોમાં તેવી વાતો અલગ બતાવવામાં આવી છે. વિવરણમાં તો નિયમોનું સ્પષ્ટીકરણ મુખ્યત્વે અપાયું છે. વિવરણ પછી આપવામાં આવેલી શબ્દસૂચીમાં ગુજરાત વિદ્યાપીઠના જોડણીકોશને પ્રાયઃ અનુસરી જોડણી આપવામાં આવી છે. કોઈ શબ્દની છપાયેલી જોડણી નિયમથી વિરુદ્ધ હોય તો સુધારી લેવામાં આવી છે. વિવરણમાં બતાવ્યા મુજબ સુધારવા જેવી સ્પષ્ટ ભૂલો પણ સુધારી લેવામાં આવી છે. વિકલ્પોમાંના આવશ્યક રાખી, યા વિવરણમાં બતાવ્યા મુજબ થોડે સ્થળે નિયમપ્રાપ્ત વધુ દાખલ કરી, નકામા લાગતા વિકલ્પો દૂર કરવામાં આવ્યા છે. આપણા નિત્યના વ્યવહારના શબ્દોની જોડણી કેવી હોવી જોઈએ, એ બતાવવાનો આ પ્રયત્ન એના ગ્રાહકોને માર્ગદર્શક થઈ પડશે, તો પ્રયત્નનું સાર્થક્ય છે.

કેશવરામ કાશીરામ શાસ્ત્રી