ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/મૂળજી દુર્લભજી વેદ

મૂળજી દુર્લભજી વેદ

મૂળ ટંકારા (મોરબી)ના વતની ભાટિયા કુટુંબમાં એમનો જન્મ રાવબહાદુર દુર્લભજી ધરમસી વેદને ત્યાં છ ઈ.સં.૧૯૩૭ના શ્રાવણ સુદ ૧૧, તા. ૧૬મી ઑગસ્ટ ૧૮૮૦માં રાજકોટમાં થયો હતો. એમનાં માતાનું નામ રળિયાતબાઈ. પ્રાથમિક શિક્ષણ મોરબીમાં, માધ્યમિક પાલણપુરમાં અને ઉચ્ચ શિક્ષણ એમણે મુંબઈ તેમ જ અમદાવાદમાં લીધું. સાહિત્ય તરફનું વલણ પહેલેથી હતું, એમાંયે ધર્મ તથા ધાર્મિક સાહિત્ય તરફ વિશેષ રુચિ હતી. જીવન પર અસર પણ ગીતા અને ભાગવત જેવા ગ્રંથોએ અને રામકૃષ્ણ ૫રમહંસ, કેશવચન્દ્ર સેન તથા વિવેકાનંદના વાચને કરી હતી. ઉપરાંત ગોવર્ધનરામ, રાનડે, બંગાળી કવિ સુરેન્દ્ર ભટ્ટાચાર્ય, શેક્સપીઅર, એમર્સન અને ગાંધીજીના વિચારોએ એમનું માનસ ઘડતર કર્યું છે. એમનો વ્યવસાય લેખનનો અને વ્યાખ્યાનો-પ્રવચનોનો રહ્યો છે. એમનું પ્રથમ લગ્ન ગોંડલમાં મેનાબાઈ સાથે સં.૧૯૫૨માં થયું, તેના એક પુત્ર હયાત છે. બીજું લગ્ન પણ ગોંડલમાં સં.૧૯૬૭માં થયું તેના છ પુત્ર અને પાંચ પુત્રીઓ છે. એમની પ્રથમ કૃતિ 'સ્વરૂપવિવેક' (વેદાંત) ઈ.સ.૧૯૦૨માં બહાર પડી. એમની કૃતિઓની સાલવાર યાદી નીચે આપીએ છીએ, એ ઉપરાંત બીજી ૩૧ કૃતિ હજી અપ્રકટ છે. સ્વરૂપવિવેક (વેદાંત) ૧૯૦૨, First Fruits (કાવ્યો) ૧૯૦૩, જાગૃતિમાળા (સેવાગીત) ૧૯૦૯, નિજકુંજ (કાવ્યો) ૧૯૦૯, સન્નારીઓને બે બોલ ૧૯૧૦, બેનોને અક્ષરપસલી ૧૯૧૧, કુંજલીલા (કાવ્યો) ૧૯૧૨, સેવાસંગીત (ગીતો) ૧૯૧૩, લીલાવિસ્તાર (કાવ્ય) ૧૯૧૬, સ્ત્રીઓને સંદેશ ૧૯૧૭, નવાં લોકગીત ૧૯૨૮, સ્ત્રીશક્તિ (નાટક) ૧૯૨૦, આત્માના અધિકાર ભોગવતું સ્ત્રીતત્વ (પૉલ રિશાર ઉપરથી) ૧૯૨૫, અજવિલાપ (સોરઠામાં ભાષાંતર)૧૯૨૫, શ્રી કૃષ્ણજન્મદર્શન ૧૯૨૫, યુગલગીત (સોરઠામાં ભાષાંતર), વેણુગીત (સોરઠામાં ભાષાંતર) (બંને ભાગવતમાંથી), પાંચ ભક્તોનાં હૃદયકીર્તન (ગીતો), સરસ્વતીચંદ્રનાં સમણાં-મહર્ષિ ગો. મા. ત્રિ. નો અક્ષર દેહ (કાવ્ય) ૧૯૩૦, અક્ષર નવનીત, ઈશોપનિષદ (સોરઠામાં ભાષાંતર).

***