ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/રણછોડજી અમરજી દીવાન

દિવાન રણછોડજી અમરજી

દિવાન રણછોડજી અમરજી જૂનાગઢના ઇતિહાસપ્રસિદ્ધ દિવાન અમરજી કુંવરજીના પુત્ર હતા. તેમની મૂળ અટક નાણાવટી હતી, અને ન્યાતે વડનગરા નાગર હતા. સં.૧૮૨૪ના આસો સુદ ૧૦ને રોજ કાઠિયાવાડમાં માંગરોળ ખાતે તેમનો જન્મ થયો હતો. તેમના માતુશ્રીનું નામ ખુશાલબાઈ હતું અને પત્નીનું નામ ચોથીબાઈ હતું. તેમને બે પુત્રીઓ હતી. (૧) રૂપકુંવર જે સંતાનરહિત હતાં અને (૨) સૂરજકુંવર જેમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. તેમના વંશજો આજે જૂનાગઢમાં વસે છે. મૂળે દિવાન રણછોડજી માંગરોળના વતની હતા પરન્તુ પાછળથી જૂનાગઢમાં આવીને વસ્યા હતા અને જૂનાગઢ રાજ્યના એક મુત્સદ્દી તેમજ લશ્કરી અમલદાર તરીકે તેમણે કામ કર્યું હતું. તેમનું અવસાન ૭૩ વર્ષની વયે જૂનાગઢમાં થયું હતું. દિવાન રણછોડજી ગુજરાતી, ફારસી અને વ્રજ ભાષાનું સરસ જ્ઞાન ધરાવતા હતા અને થોડું સંસ્કૃત પણ જાણતા હતા. વ્રજ ભાષામાં તેમણે “શિવરહસ્ય'નામે સુંદર ગ્રંથ લખ્યો હતો, અને ફારસી ભાષામાં “તવારીખે સોરઠ" નામનો ઇતિહાસનો ગ્રંથ લખ્યો હતો જેનું અંગ્રેજી ભાષાંતર ડૉ. જેમ્સ બરજેસે કરી પ્રસિદ્ધ કર્યું હતું અને તેનું ગુજરાતી ભાષાંતર “સોરઠી તવારીખ” એ નામથી ઈ.સ.૧૮૯૧માં શ્રી જાદવરાય લીલાધરદાસે વઢવાણકેમ્પમાં પોતાના છાપખાનામાં છાપી પ્રસિદ્ધ કર્યું હતું. “શિવરહસ્ય”નો એક ભાગ જે વ્રજ ભાષામાં કવિતાબદ્ધ છે તે પણ શ્રી. જાદવરાય લીલાધરદાસે ઈ.સ.૧૮૯૧માં પ્રસિદ્ધ કર્યો હતો. તેનો બીજો ભાગ છપાઈ પ્રસિદ્ધ થયો નથી. આખા શિવરહસ્યની એક હસ્તલિખિત પ્રત દિવાનજીએ સ્થાપેલા જૂનાગઢના ‘બુઢેશ્વર'ના મંદિરમાં છે. એક ત્રીજો "શિવમાહાત્મ્ય રત્નાકર” નામનો ગ્રંથ સ્વ. દિવાન લક્ષ્મીશંકર શંભૂપ્રસાદની વિધવા બાઈ જમનાકુંવરે જૂનાગઢના સરકારી છાપખાનામાં છપાવી ઈ.સ.૧૮૯૨માં પ્રસિદ્ધ કર્યો હતો. તે ઉપરાંત તેમનાં પ્રસિદ્ધ થયેલાં બીજા નાનાં મોટાં પુસ્તકો નીચે મુજબ છે, જેમાંના કેટલાક ‘શિવરહસ્ય'માં તથા “શિવમાહાત્મ્ય રત્નાકર'માં પણ સમાવિષ્ટ થાય છે. (૧) ચંડીપાઠના ગરબા-ગુજરાતી. (૨) શિવરાત્રીમાહાત્મ્ય (વ્રજભાષા), (૩) સૂતકનિર્ણય (ગુ. ગદ્ય), (૪) શંખચૂડ આખ્યાન (વ્ર.) (૫) દક્ષ યજ્ઞભંગ (વ્ર.) (૬) કાળખંજ આખ્યાન (વ્ર.), (૭) ઈશ્વરવિવાહ (ગુ. વ્ર.) (૮) જાલંધર આખ્યાન (વ્ર.), (૯) અંધકાસુર આખ્યાન (વ્ર.), (૧૦) ભસ્માંગદ આખ્યાન (વ્ર.), (૧૧) સોમવાર માહાત્મ્ય (ગુ.), (૧૨) બુઢેશ્વર બાવની (વ્ર.), (૧૩) બ્રાહ્મણની ચોરાસી ન્યાત (વ્ર.), (૧૪) ત્રિપુરાસુર આખ્યાન (વ્ર..), (૧૫) મોહિની છળ (વ્ર.), (૧૬) કામદહન આખ્યાન (વ્ર.). તેમના અપ્રસિદ્ધ ગ્રંથો નીચે મુજબ છે: (૧) દ્રવ્યશુદ્ધિ, (૨) શ્રાદ્ધનિર્ણય, (૨) કુવલયાનંદ (વ્ર.), (૪) વિહારી સતસઈ (ફારસી, સંસ્કૃત, વ્રજ મિશ્રિત), (૫) ઉત્સવમાલિકા (વ્ર. ગુ.) (૬) નાગરવિવાહ, (૭) શિવસાગર કીર્તન, (૮) વિશ્વનાય ઉપરના કાગળ (વ્ર. ગુ.) (૯) રૂકાતે ગુનાગુન, (૧૦) ભક્તમાળ (વ્ર.).

***