ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/સૂર્યરામ સોમેશ્વર દેવાશ્રયી

સૂર્યરામ સોમેશ્વર દેવાશ્રયી

સ્વ. સૂર્યરામ દેવાશ્રયી લુણાવાડાના વીસનગરા નાગર ગૃહસ્થ હતા. તેમના પિતાનું નામ સોમેશ્વર કીરપાશંકર દેવાશ્રયી અને માતાનું નામ કાશીબા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક કેળવણી ધોરણ પાંચમા સુધી લુણાવાડામાં લીધી હતી; ત્યારપછી અમદાવાદની આર.સી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરી મેટ્રિક, સ્કૂલ ફાઈનલ અને ફર્સ્ટ ગ્રેડ પબ્લીક સર્વિસની પરીક્ષા પસાર કરી હતી. પ્રારંભથી તેમણે શિક્ષણનો જ વ્યવસાય કર્યો હતો. વાડાસીનોર, લુણાવાડા તથા દેવગઢ બારીયાની અંગ્રેજી મિડલ સ્કૂલમાં શિક્ષક તથા હેડ માસ્તર તરીકે રહીને પછી તે ખેડાના તથા અમદાવાદના આસી. ડે. એજ્યુ. ઈન્સ્પેકટર ૧૯૧૬ થી ૧૯૨૨ સુધી હતા. ગ્રંથલેખન એ તેમનો ગૌણ વ્યવસાય હતો. ઐતિહાસિક તથા ધાર્મિક અંગ્રેજી મરાઠી ગ્રંથોના અનુવાદ તે કરતા. અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાનનો તેમને અભ્યાસ સારો હતો. તે ધર્માનુરાગી, વૈરાગ્ય વૃત્તિવાન અને સર્વાત્મભાવયુક્ત જીવન ગાળતા. આદ્ય શંકરાચાર્યના જીવન તથા શ્રીમન્નૃસિંહાચાર્યના ગ્રંથો ઉપર તેમનો ખૂબ પ્રેમ હતો. જસ્ટીસ મહાદેવ ગોવિંદ રાનડે, સર ભાલચંદ્ર અને સ્વ. નર્મદાશંકર દેવશંકર મહેતાની તેમના જીવન પર વિશિષ્ટ અસર હતી. તા.૬-૪-૧૯૨૨માં લુણાવાડા ખાતે તેમનું અવસાન થયું હતું. તેમનાં પ્રથમ પત્નીનું નામ દુર્ગા હતુ. તે મૃત્યુ પામતાં તેમણે બીજું લગ્ન કપડવંજમાં શિવગંગા વેરે કર્યું હતું. તેમના મોટા પુત્ર રવિશંકર મૃત્યુ પામ્યા છે. બીજા ત્રણ પુત્રો શિવશંકર, ઇંદુશંકર અને કનુભાઈ વિદ્યમાન છે. તેમનાં પુસ્તકોની નામાવલિઃ (૧) ના. જસ્ટીસ મહાદેવ ગોવિંદ રાનડેનું જીવનચરિત્ર, (૨) સરદેસાઈકૃત હિંદુસ્તાનનો ઇતિહાસ-મુસલમાની રિયાસત, (૩) મિરાતે સિકંદરીનો ગુજરાતી અનુવાદ, (૪) Divine Revealionary Proclamation.

***