ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી

હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી

‘કાઠિયાવાડની જૂની વાર્તાઓ'ના બે ભાગ દ્વારા એ પ્રાંતનું લોકસાહિત્ય સૌ પહેલું-શ્રી. મેઘાણીની પણ અગાઉ-ગ્રંથસ્થ કરીને બહાર મૂકનાર તરીકે જાણીતા થએલા અને 'મસ્ત કવિ' ત્રિભુવન પ્રેમશંકરના આ નાના ભાઈ પોતે પણ એક સારા કવિ છે એ બહુ ઓછા જાણતા હશે. કાઠિયાવાડમાં મહુવા મુકામે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં સંવત ૧૯૨૮ના આષાઢ સુદ ૨ ને રવિવાર તા. ૭ મી જુલાઈ ૧૮૭૨ ના રોજ એમનો જન્મ થયો હતો. ત્રણ ભાઈઓમાં સૌથી નાના એમને બે વર્ષની વયના મૂકીને પિતા પ્રેમશંકર ભાણજી ત્રિવેદી ગુજરી ગયા પછી તેઓ માતા અમૃતબાના હાથ નીચે જ જીવનસંસ્કાર પામ્યા; અને જૂના કવિઓની કૃતિઓ, રાસા તથા રાસનાં ભંડારરૂપ માતાનાં ગાન-અમૃતના સિંચને જ એમના વડિલ બંધુમાં તથા એમનામાં કાવ્યાભિરુચિ પ્રકટાવી. મોટપણે વડિલ બંધુની માફક જ મહુવા કાશીવિશ્વનાથના સાહિત્યવિલાસી મહંત રામવનજી ધર્મવનજીના સંસર્ગે એ રુચિને પોષી અને દૃઢ કરી. તે ઉપરાંત મણિલાલ નભુભાઈ કવિ ‘બાલ', કવિ 'કાન્ત', હરિલાલ ધ્રુવ, 'કલાપી', 'જટિલ', બલવંતરાય ઠાકોર અને રણજીતરામ વાવાભાઈ તથા 'વીસમી સદી'વાળા સ્વ. હાજી મહમદ અલારખિયા શિવજીના પરિચયે ઉત્તરોત્તર એમને પ્રેરણા ને પ્રોત્સાહન આપ્યાં. પુસ્તકોમાં કવિ ગેટેનું ‘સૉરોઝ ઑફ વર્ટર' ‘ઉંમર ખય્યામની રુબાઈયાતો' અને 'પ્રવીણસાગરે' એમના જીવન પર પ્રબળ અસર મૂકી છે. મહુવામાં જ પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ કરી એ અંગ્રેજી સાતમા ધોરણ સુધી પહોંચ્યા, પણ તબિયત લથડવાને કારણે અભ્યાસ ત્યાંથી જ પડતો મૂકવો પડ્યો અને ત્યારથી ભાવનગરના કેળવણી ખાતામાં શિક્ષક તરીકે આખી કારકિર્દી ગાળી હાલ ૨૧ વર્ષથી પેન્શન ઉપર છે. એમનું લગ્ન ભાવનગર સંસ્થાનના જસયરા ગામે સં.૧૯૩૮માં ગોદાવરીબેન ધનેશ્વર ઓઝા સાથે થએલું. એમના ચાર પુત્રો અને એક પુત્રી એમ પાંચ સંતાનો આજે હયાત છે. વિદ્યાર્થી અવસ્થામાંથી જ એ કાવ્યો લખતા. ૧૯૦૨માં ઉમર ખય્યામની રુબાઈયાતોનું તથા ગેટેના 'સૉરોઝ ઑફ વર્ટર'નું ભાષાંતર કર્યું, અને ૧૯૦૭માં ‘શિવાજી અને ઝયબુન્નિસા' નામનું પુસ્તક રચીને કવિ ‘કાન્ત'ના ઉપોદ્ધાત સાથે બહાર પાડ્યું. એ એમનું પ્રથમ પ્રકાશન. સ્વ. રણજીતરામ ઈ.સ.૧૯૦૯-૧૦ના અરસામાં સર પ્રભાશંકર પટ્ટણીના સેક્રેટરી થઈને ભાવનગર ગયા, ત્યાં એમના પરિચયમાં તેઓ આવ્યા. એમની કાવ્યપ્રવૃત્તિથી રણજીતરામ પ્રસન્ન થયા; પરંતુ કાઠિયાવાડના લોકસાહિત્યનો પણ એમને ખૂબ પરિચય છે અને સારા પ્રમાણમાં એમણે તે એકઠું કર્યું છે એ જાણીને તો લોકસાહિત્યનાં આદ્ય પુરસ્કર્તા રણજીતરામના આનંદનો પાત્ર ન રહ્યો. એ સંગ્રહ પોતાની સાથે મુંબઈ લઈ જઈ એમણે ફાર્બસ સાહિત્યસભા પાસે રૂા.૫૦૦નું પારિતોષિક તે માટે અપાવ્યું. તેમાંની કેટલીક વાર્તાઓ હાજી મહમદ શિવજીના 'વીસમી સદી'માં પ્રકટ કરાવી અને કેટલીક તો એમના મિત્ર શ્રી. જયસુખલાલ મહેતાએ ‘ઈસ્ટ ઍન્ડ વેસ્ટ' માસિકમાં અંગ્રેજીમાં અનુવાદિત કરીને પણ પ્રગટ કરી. ઈ.સ.૧૯૨૨માં એમની 'કાઠિયાવાડની લોકવાર્તાઓ'નો પહેલો ભાગ શ્રી, બળવંતરાય ઠાકોરના ઉપોદ્દ્ઘાત સાથે બહાર પડ્યો અને તે પરથી ફાર્બસ સભાએ એમને એના બીજા ભાગ માટે પણ રૂા. ૨૦૦નું પારિતોષિક આપ્યું. પણ આ ગાળામાં જ એમને પ્રોત્સાહન આપનારાએ-એમના વડિલ બંધુ કવિ ત્રિભુવન, કવિ કાન્ત, રણજીતરામ અને હાજી મહમ્મદ ઉપરાઉપરી વિદેહ થયા, અને એમનું દિલ ભાંગી ગયું. આજે શ્રી. બલવંતરાય ઠાકોર જ એમને વારંવાર પ્રોત્સાહન આપી લેખનમાં પ્રવૃત્ત રાખે છે. ઉપર ગણાવેલાં બે ભાષાંતરો ઉપરાંત કેટલાંક ખંડકાવ્યો, ઊર્મિકાવ્યો, નાટકો, તેમ જ કેટલુંક કાઠિયાવાડી લોકસાહિત્ય-એ બધું હજી એમની પાસે અપ્રકટ દશામાં પડ્યું છે. એમના ગ્રંથો: (૧) શિવાજી અને ઝયબુન્નિસા (ઈ. ૧૯૦૭) (૨) કાઠિયાવાડની જૂની વાર્તાઓ - ભાગ ૧ (ઈ. ૧૯૨૨) (૩) કથીયાવાડની જૂની વાર્તાઓ - ભાગ ૨ (ઈ. ૧૯૨૯)

***