ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હરિલાલ માધવજી ભટ્ટ

હરિલાલ માધવજી ભટ્ટ

સ્વ. હરિલાલ માધવજી ભટ્ટ મૂળ ચાવંડ (કાઠિયાવાડ)ના વતની પ્રશ્નોરા બ્રાહ્મણ હતા. તેમના પિતા માધવજી રત્નજી ભટ્ટ તે સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટના ભાઈ. તેમનાં માતુશ્રીનું નામ નર્મદા હતું. તેમણે પ્રાથમિક કેળવણી મહુવામાં, માધ્યમિક કેળવણી વડોદરામાં અને ઉંચી કેળવણી પૂનાની ડેક્કન કૉલેજમાં લઈ એમ. એ.ની પરીક્ષા પસાર કરી હતી. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં તે તત્ત્વજ્ઞાનના પ્રોફેસર હતા. તેમનો અભ્યાસનો પ્રિય વિષય જ ફીલસુફી હતો. પ્રો. સેલ્બીની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર હતી. 'ગુજરાતી વાચનમાળા' વિષેની તેમની ચર્ચા એક વખત 'ગુજરાતી' પત્રમાં કેળવણી વિષયના રસિકોમાં રસપૂર્વક વંચાતી હતી. ૧૯૨૮ના મે માસમાં જૂનાગઢમાં તેમનું અવસાન થયું હતું. તેમણે બે લગ્નો કર્યાં હતાં. બીજા લગ્નનાં પત્ની ચંદ્રપ્રભાથી તેમને ચાર પુત્રીઓ થઈ હતી: મેના, દિવાળી, સરલા અને સુલોચના. તેમની સાહિત્યકૃતિઓની નામાવલિ નીચે મુજબઃ (૧) પ્લુટાર્કનાં જીવનચરિતો (શ્રી બ. ક. ઠાકોર સાથે), (૨) આશ્રમહરિણી (મરાઠી પરથી અનુવાદ), (૩) હિંદનું રાજ્યબંધારણ.

***