ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હીરાચંદ કસ્તૂરચંદ ઝવેરી

હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી

શ્રી. હીરાચંદ કસ્તુરચંદ ઝવેરીનો જન્મ સુરતમાં તા.૭-૭-૧૯૦૧ને દિવસે થએલો. તેઓ ધર્મે જૈન અને વ્યવસાયે ઝવેરી છે, અને વ્યવસાયને કારણે મોટે ભાગે મુંબઈમાં રહે છે. પોતાના વતન સુરતમાં તેમણે પોતાના સાહિત્યવિષયના અનુરાગને લીધે ગુજરાતી સાહિત્યમંડળની સ્થાપનામાં અગ્રગણ્ય ભાગ લઈને ૬ વર્ષ સુધી તેનું મંત્રીપદ લીધું હતું. એ મંડળે પાછળથી ‘નર્મદ સાહિત્યસભા' નામ ધારણ કર્યું છે. એ અરસામાં તેમણે પ્રો. બેઇનનાં પુસ્તકોનું ભાષાંતર કર્યું હતું, જેમાંનાં નીચેનાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે: (૧) સંસારસ્વપ્ન, (૨) મૃગજળ, (૩) જગન્મોહિની અને નટરાજ, (૪) નાગકન્યા. તે ઉપરાંત તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ અને છૂટક કાવ્યો લખ્યાં છે. “જંબૂતિલક” નામના મહાકાવ્યનો અર્ધો ભાગ તેમણે લખ્યો છે જેનો એક સર્ગ ‘દેશબંધુ'ના દીવાળીના અંકમાં પ્રસિદ્ધ થયો હતો. એ કાવ્યમાં જૈન તીર્થંકર મહાવીર સ્વામીના જીવનનું આલેખન છે. તેમનો અભ્યાસ મૅટ્રિક સુધીનો છે પરન્તુ તેમણે વાચન-મનનથી પોતાના જ્ઞાનમાં ખૂબ વધારો કર્યો છે જે તેમની કૃતિઓમાં દેખાઈ આવે છે. સાહિત્યપ્રવૃત્તિમાં તેમને શ્રી. બ. ક. ઠાકોરનું પ્રોત્સાહન ઠીક મળેલું છે. સંતતિમાં તેમને બે પુત્ર અને એક પુત્રી છે.

***