ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૩

કડવું ૨૩


[મદન આગળ પોતાના કોપનું કારણ દર્શાવતો ધૃષ્ટબુદ્ધિ ચંદ્રહાસનાં વખાણ કરવા લાગે છે પણ મનમાં કપટ રાખી બહારથી સ્નેહ બતાવીને ચંદ્રહાસને મળે છે.]

રાગ : મારુ

પછે પુત્ર પ્રત્યે પિતા કહે : ‘તું સાંભળ સાચી વાત;
મારગ માંહે સાંભળી, ઊડતી એહેવી વાત.         

જે પત્ર લખ્યું મેં ખપ કરી, સાધુ સંગાથે કા’વ્યું.
તે કાગળ ફાડી કટકા કીધા, તુજને મન ન આવ્યું.         

એવું સાંભળી તે વેળાનો કોપ મુજને ચઢિયો;
તે માટે અણપ્રીછ્યો[1] આવી, તુજ સંગાથે વઢિયો.         

ક્યાં છે કુવર કુલિંદ કેરો આપણો રે જમાઈ?
મળવાને મારું મન ઇચ્છે છે, કાં જે અંતરની સગાઈ!         

એવા સગા સ્વપ્ને ક્યાંથી? વૈષ્ણવ ને વળી ડાહ્યા
કષ્ટ પડ્યે આપણને ઉગારે, એ તો મોટા પુરુષની છાયા!’         

મદને જાણ્યું : ‘બહુ પ્રકારે અમ પિતાએ ઈછ્યો!’
તેડવા ધાયો શીઘ્રશું, પણ કપટ કાંઈ નવ પ્રીછ્યો.         

ચંદ્રહાસને ચરણે લાગી મદને કહી એક વાત :
‘મળ્યા વિના નથી પાણી પીતા સાધુ તે મુજ તાત!         

જો શીઘ્ર તમ સંગાથે વિષાયાનું લગ્ન સાધ્યું,
તો તે પહેલાં પિતાજીનું, મન હું ઉપર ઘણું વાધ્યું.’         

હરિભક્ત હરખીને ઊઠ્યો, સાળા સાથે ચાલ્યો;
વાટમાં વાતો કરતાં કરતાં, અન્યોઅન્ય કર ઝાલ્યો.         

બાંહે[2] બેરખા[3], પોંચે[4]પોંચી, બન્યો બેલડિયે વળગ્યા;
જાણે અશ્વિનીકુમાર જુગ્મ જોડું, એ નથી થાતા અળગા.          ૧૦

પુરોહિતે આવતા દીઠા બેહુ બત્રીસલક્ષણા વીર;
જામાત્રમાં જુગ્મ લોચન તે સસરાને મન તીર.          ૧૧

ગતે કરીને પવન સરીખો, ગંભીરતાએ સમુદ્ર;
દેહે જાણે અનલ સરીખો, શીતળતાએ ચંદ્ર.          ૧૨

સંગ્રામે સુરપતિ સરીખો, ગણેશ સરીખો ગુણવાન,
મહિમાએ મહાદેવ સરીખો, તેજે કરીને ભાણ[5].          ૧૩

મસ્તકે મુગટ ને કાને કુંડળ, નીલમણિ ઉજ્જવલ મોતી,
કંઠે કંઠી ને હાર હેમના, દુગદુગી[6] રહી છે દ્યોતી[7].          ૧૪

શોભે સૂક્ષ્મ કટિકંદોરો; ઘૂંટી કેરો કમલનો વાગો.
ધૃષ્ટબુદ્ધિ ક્રોધી દૃષ્ટે જોતો : જમાઈ જમ સરખો લાગ્યો.          ૧૫

પુષ્પ પરિમલ ચંપક ચંદન, અંગત અરગજાના રોળ,
મીંઢળ કરે બાંધ્યું વરે, રંગત અધર તંબોળ.          ૧૬

નેત્ર નેહભર્યાં જાગરણે આવર્યાં છે વિષયા નાર.
સસરા પાસે આવ્યો સાધુ, જયમ શાર્દુલ[8]નિસરે બા’ર.          ૧૭

પુરોહિતે પ્રેમ જણાવી, લોકલાજ ત્યાં માંડી,
મુખે હસતો વાતો કરતો, હૃદેથી રીસ ન છાંડી.          ૧૮

‘આવો સાધુ, પૂજ્ય’ કહીને પાપી કપટે ભેડ્યો ભૂર[9].
કો શૂર જાણી સ્નેહ આણી, જેમ રાહુએ ભેટ્યો સૂર.          ૧૯

વલણ


સૂર સરીખો શોભતો સાધુ મળ્યો સસરાને મને કરી રે!
નારદ કહે : પછે કુલિંદકુંવરને કેઈ પેરે રાખ્યો શ્રી હરિ રે.          ૨૦




  1. અણપ્રીચ્છયો – અચાનક
  2. બાંહે – બાજુ પર, હાથે
  3. બેરખા – બાજુબંધ
  4. પોંચો – કાંડું
  5. ભાણ – સૂર્ય
  6. દુગદુગી – ડોકમાં પહેરવાનું ડમરું આકારનું નાનું ઘરેણું
  7. દ્યોતી – પ્રકાશ
  8. શાર્દુલ – વાઘ
  9. ભૂર – ઘણું