ચાંદનીના હંસ/નવી શોધની પૂર્વતૈયારી


નવી શોધની પૂર્વતૈયારી

૧૯૭૩માં રાજેન્દ્ર શાહને એકસઠમું વર્ષ બેઠું એ નિમિત્તે મેં એમનાં પ્રગટ તેમ જ અપ્રગટ કાવ્યોમાંથી ‘નિરુદ્દેશે’ નામે એક સંચય તૈયાર કર્યો. ‘કવિલોક’ સંસ્થાએ એનું પ્રકાશન કર્યું ત્યારે મેં એક કવિસંમેલનનું આયોજન કર્યું. એની વિશિષ્ટતા સમજાવતાં મેં રાજેન્દ્ર શાહને કહ્યું કે આજે અમે તમારી કવિતા સાંભળવાને બદલે તમને કવિતા સંભળાવવાના છીએ. સિતાંશુ યશશ્ચન્દ્ર ને પ્રબોધ પરીખ, ભીખુ કપોડિયા ને નીતિન મહેતા વગેરે કવિઓથી તો તમે પરિચિત છો, એમની કવિતાથી પણ પરિચિત છો. આજે એમને કવિતા વાંચવા કહ્યું નથી. પરંતુ જે મિત્રોથી તમે પરિચિત નથી, જેમની કવિતાથી પણ પરિચિત નથી એમને આજે બોલાવ્યા છે. આજે તમારે એમની કૃતિઓ સાંભળવાની છે. એમના ઉન્મેષને તમારી પ્રતિભાનો જરૂર લાભ મળશે. એ દિવસે અલકા દેસાઈ, ભાવના જગડ, હેમંત શાહ, મૂકેશ વૈદ્ય વગેરે પંદરેક મિત્રોએ પોતાની કૃતિઓ રજૂ કરી. સૌથી પહેલાં મેં મૂકેશ વૈદ્યને પોતાની કૃતિ રજૂ કરવા કહ્યું ત્યારે એને ખૂબ જ ક્ષોભ થયો. એનો ક્ષોભ મને આજે પણ એવો ને એવો જ યાદ છે. એને માટે કદાચ આ રીતે પોતાની કૃતિ રજૂ કરવાનો પહેલો જ પ્રસંગ હતો. મેં સમજાવ્યું તો એણે પોતાનો ક્ષોભ જેમતેમ દબાવીને પોતાની કૃતિ રજૂ કરી. રાજેન્દ્ર શાહને એ પસંદ પડી ને એમણે એ ‘કવિલોક'માં પ્રગટ પણ કરી. ત્રણેક વર્ષ પછી આઈ.એન.ટી.ની થિયેટર ક્લબમાં મેં ‘આજના યુવા કવિ’ શ્રેણીનું આયોજન કર્યું. એનો આશય કાંઈક આવો હતો. જે મિત્રો પોતાની કૃતિઓ રજૂ કરે એમણે કોઈ સિદ્ધિ મેળવી છે એવું પુરવાર કરવું નથી, પરંતુ એ બધા કવિતા લખે છે, કવિતાની શોધ કરે છે એમ કહેવું છે. એમની કવિતાની શોધ સફળ થઈ છે કે નહીં, એમણે કવિતા પ્રાપ્ત કરી છે કે નહીં એ તો સહદય ભાવકે નક્કી કરવાનું છે. સહૃદય ભાવકના પ્રત્યક્ષ સંપર્ક દ્વારા એમની નિષ્ઠા ને ધગશ પૂરેપૂરાં કોળી ઊઠે એ માટે અનુકૂળ વાતાવરણ રચવું છે. માલા કાપડિયા, પ્રફુલ્લ પંડ્યા, શોભિત દેસાઈ, હેમેન શાહ, મહેશ શાહ, ઉદયન ઠક્કર, મૂકેશ વૈદ્ય એમ અનેક મિત્રોએ આ શ્રેણીમાં પોતાની કૃતિઓ ૨જૂ કરી ત્યારે વધુમાં વધુ સૂઝ ને શક્તિ મૂકેશ વૈદ્યની કૃતિઓમાં વરતાઈ. મૂકેશ વૈદ્યની એક લાક્ષણિકતાનો આડકતરો પરિચય આપતાં કહ્યું કે કેટલાક કવિઓ એવા હોય છે કે જે તાત્કાલિક સ્વીકૃતિ, પ્રશંસા ને કીર્તિની પરવા કરતા નથી ને કેવળ કવિતાની પ્રાપ્તિમાં જ ઓતપ્રોત રહે છે. સાચું કહું તો મૂકેશ વૈદ્યની સર્જનપ્રવૃત્તિમાં આ એક કારણે મને સતત રસ રહ્યા કર્યો છે. આજે પણ એનામાં પહેલાં જેટલો જ ક્ષોભ છે, નાના બાળકના જેવું ગભરુપણું છે, તો સાથે સાથે પોતાની સર્જનપ્રવૃત્તિમાં ઓતપ્રોત રહેવાની ખુમારી પણ વરતાય છે. આજે પણ તાત્કાલિક સ્વીકૃતિની, પ્રશંસાની ને કીર્તિની એને પરવા નથી. પોતે કવિતા પ્રાપ્ત કરી છે એમ કહેવાને બદલે પોતે કવિતા પ્રાપ્ત કરવાની મથામણ કરે છે એમ એ કહે છે ત્યારે નમ્રતા વ્યક્ત નથી કરતો, કે આપસમજ પ્રગટ કરે છે. બાકી પોતાની આસપાસ અનેક વ્યવહારુ બનીને, ખુશામદ કરીને, સંબંધો સાચવીને લોકપ્રિય બનતા હોય, પારિતોષિક મેળવતા હોય, ત્યારે કેવળ નિજમાં જ નિમગ્ન રહેવાનું દુષ્કર બને ને જરાક વિચલિત થઈ જવાય તો નવાઈ નહિ! મને આનંદ છે કે મૂકેશ આ રીતે વિચલિત થયો નથી. છેલ્લાં વીસેક વર્ષની રચનાપ્રવૃત્તિ દરમિયાન મૂકેશ વૈદ્યની સંવેદનાએ જાતજાતનું પાથેય બાંધ્યું છે. પહેલાં કૉમર્સમાં સ્નાતક થયો, પછી સાહિત્યમાં અનુસ્નાતક. ને કવિતા રચતાં રચતાં ચિત્રકળા વિશે નિયમિત સમીક્ષાઓ લખવા માંડી. ને પોતાની સર્જકતાનાં મૂળ ઊંડાં ને ઊંડાં ઉતારવાની મથામણ કરી. ‘ચાંદનીના હંસ’ મૂકેશ વૈદ્યના આ વિકાસને આલેખ પૂરો પાડે છે. વિષય ગમે તે હોય, એની સંવેદના એમાં કાવ્ય કયાં રહ્યું છે તે શોધવા તત્પર રહે છે. એ સામગ્રીની પ્રચુરતામાં નથી રાચતો, સામગ્રીનું કુશળ ને  કલાત્મક સંયોજન કરવા તત્પર રહે છે ને વાસ્તવ ને અતિવાસ્તવ, જાગૃતિ ને  સ્વપ્ન વચ્ચેની ભેદરેખાની પર ચાલી જાય છે. કોઈક વિચારને વળગી રહેવાને બદલે એને લય ને અલંકારમાં, કલ્પન ને પ્રતીકમાં ઓગાળી દેવા તત્પર રહે છે. જ પોતાની આગવી કહી શકાય એવી બાની સિદ્ધ કરવા તત્પર રહે છે. મારે મન કોઈ પણ કવિનો પહેલો સંગ્રહ આવી પ્રતીતિ કરાવી શકે તો એ નાનીસૂની વાત ન કહેવાય. સહૃદય ભાવકને મારા મંતવ્યના પુરાવા ‘ચાંદનીના હંસ'નાં અનેક કાવ્યમાંથી મળી રહેશે એની મને ખાતરી છે. મને એ પણ ખાતરી છે કે ‘ચાંદનીના હંસ’ મૂકેશ વૈદ્યને માટે કવિતાની નવી શોધમાં નીકળવાની પૂર્વતૈયારી બની રહેશે.

ચેમ્બુર, મુંબઈ – જયંત પારેખ તા. ૨૨-૬-૯૧