ચાંદનીના હંસ/૧૩ પંદર ગાઉ દૂરથી...


પંદર ગાઉ દૂરથી...

પંદર ગાઉ દૂરથી મરઘી આણ્યાને મારે આખું વરસ એક વીત્યું.
                                     એણે ઈંડુ એક્કેય નથી મૂક્યું.

કોણ જાણે કેમ એને ઝાકળમાં સૂરજને ઘઉંની જેમ ચણવાની ટેવ છે.
લંબાતી રાત જોઈ લાગે છે બીક કે આ તે કંઈ કેવી કુટેવ છે?!
દરિયા આખાનું પાણી પાંપણના છીપલે રાતોરાત મોતી થઈ થીજ્યું.
                                     એને વીધું એ પહેલાં તો તૂટ્યું.

વ્હેંતિયાના દેશમાં સાંભળીએ રોજ અમે લીલા દુકાળની વારતા.
કીકીએ બાઝેલા આગિયાઓ દિવસે તો અણજાણ્યા પ્રેત બની દાઝતા.
મરઘી તો ઠીક, મારા ભુંસાયેલ રસ્તા કોઈ ચીતરી આપે તો જોઉં પાછું.
                                     ઝીણું પગલુંયે ખેરવું આછું.

૧૯૭૩