ચાંદનીના હંસ/૧૪ આપણે તો સાવ...


આપણે તો સાવ...

આપણે તો સાવ પોચી માટીની જાત
          પડ્યાં ફોરાં ને ઝટ ઊગી નીકળ્યા.
ઊંડે ઊંડે રે ક્યાંક વાગ્યા’તા કાંટા,
          તો ય થઈને ગુલાબ ફૂટી નીકળ્યા.
આઘે આઘે ય બની પીળું પતંગિયું જો,
          સૂરજ બે પાંખો પ્રસારતે.
તડકા ને છાંયડાની ઝીણેરી ભાત પણ,
          એકાદી જોવામાં આવતે.
હિમલ અંધાર તે છે રોજિંદી વાત,
          થીજ્યા કેટલીયે વાર અને પીગળ્યા.
અમને સાંભળવાને બાંધી'તી ખીણમાં,
          અમારા જ પડઘાની ભીંત.
થાકેલા લોહિયાળ દોદળા અવાજમાં,
          નિજને ન્યાળીને લાગી બીક.
આપણે તે ભાન ભૂલ્યા જાણીને ચાંદ,
          ને આ દાતરડાં કરમમાં નીકળ્યા.
આપણે તો સાવ પોચી માટીની જાત,
          પડ્યાં ફોરાંને ઝટ ઊગી નીકળ્યા.

૨૩-૪-૭૩