ચાંદનીના હંસ/૧૫ આભને અડી જાય રે મારા...
આભને અડી જાય રે મારા...
આભને અડી જાય રે મારા કુમળા લીલા વાંસ.
કેમ તને કાંઈ સૂઝતું નથી આવવું મારી પાસ?
કાબર હોલાં ચકલાંને ઉરાડવા જતાં
નદીએ મારું બિંબ ન્યાળીને
જાઉં મને જોઈ પલળી.
પવન તણી ય છેડતી ભાળી ડાળખાં ઊતરે બળી.
અણિયાળી આ ટોચથી કદાચ આભ મહીં પણ પડતા હશે ચાસ.
કેમ તને કાંઈ સૂઝતું નથી આવવું મારી પાસ?!
વગડે હાહાકાર મચ્યો તો ય વનસૂડા તું સાવ રે કોરો કેમ?
હિજરાપો તો એમ વહ્યો જાય જેમ નદીમાં વ્હેણ.
તડકા ચૂસી જાય છે લીલી છાલની આ નરમાશ,
આભને વીંધી જાય રે મારા કુમળા લીલા વાંસ.
૧૦–૨–૭૩