ચાંદનીના હંસ/૩૩ છિદ્રો
છિદ્રો
મેં એક મૂર્તિ ઘડી.
એકવાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે
મારુ ધ્યાન ખેંચ્યું.
હું મૂર્તિની વધુ નજીક ગયો.
નજીકથી જોતાં
અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યા.
એકવાર તો હું
તિરાડસોંસરવો આરપાર પણ જઈ આવ્યો.
છતાંય
એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.
કંઈ ક્યાંય સુધી,
અરે એ કકડભૂસ થઈ ચૂક્યા પછી પણ
મારા મસ્તિષ્કમાં, મારી ભૂજાઓમાં
અને શિરાઓમાં વહેતા રક્તમાં
એ મૂર્તિ
હજીય અકબંધ ઊભી છે.
૧૬–૧૦–૮૭