ચાંદનીના હંસ/૩૪ ટ્રેન


ટ્રેન


મોસાળમાં રેલવે ટ્રેકની અડોઅડ
મારું પાંચ ફળિયાનું ગામ.
મળસ્કે
છેક ચાર ગામ દૂરથી વાગતો પીસો સંભળાય.
ઘરડાં મા મને જગાડતાં કહેઃ
ભઈલા, ઊઠે તારે ગાડી જોવી'તીને
મોડો ઊઠીશ તો નહીં જોવા મળે.
ને ખવળીને જે બેઠો થઈ દોડું...
પાંચ સાત લંગોટીયા સાથે
કંઈ કેટલાય ચિર–પરિચીત
ચહેરાઓને હાથ કરતો
કંઈ ક્યાંય સુધી....


ડ્રીલ કરાવતા શિક્ષકની જેમ
સિગ્નલોના હાથ ઊંચકાય.
ગાડી દોડતી હોય;
ખમીસના પાછલા છેડાથી જોડાયેલી.

સાવ છેલ્લે ઊભેલો હું
હાથમાં ઝંડી લઈ
‘ચલો જલદી ભગાઓ....’


પ્રવાસમાં
નળિયાની છાપરીવાળા સ્ટેશનો આવે-જાય.
પ્લેટફોર્મમાં ગાડી આવતાં જ
નળિયાની બખોલમાં અવાજ ઘૂંટતા
કબૂતરાં
ડરના માર્યા ઊડી જાય.


લોકલ ટ્રેનમાં
મારા વઢાઈ ગયેલા ચૈત્રના શબને
ખભે નાંખી પેસું
વગડાના સુકા ઝાંખરા જેવા ટોળા અથડાતા
લાગેલા દવમાં અગ્નિદાહ દઉં,
ભડ ભડ બળું—
ને સ્ટેશન આવતાં
માના ઉદરમાંથી બ્હાર આવતો હોઉં એમ
ગીરદીમાં ગાડીના ડબ્બાની બ્હાર ફેંકાતાં થાય
કે હું હજી હમણાં જ જન્મ્યો!

૧૯૭૨