ચાંદનીના હંસ/૩૭ પ્રક્રિયા
પ્રક્રિયા
અંધારાનો અણસાર મને અક્ષરોમાં મળ્યો.
ભરબપ્પોરે મીણ થઈ ઓગળતી કાયા
કાળા મંટોડામાં પડછાયો થઈ ખોદાતી
સાંજ સુધીમાં તો આખે આખી ભળી ગઈ; કાળું મટોડું થઈ.
પાછળ ચંપાતે પગ પીછો કરતું
અંધારાના મૂળિયે જઈ બાઝેલું આકાશ
દૂરના તારા જેવું ચળકી ઊઠ્યું.
આગિયાના ઝૂંડમાંથી રેલાતા સોનામાં
હીરા અને નક્ષત્રો સેળભેળ થઈ ગયાં.
અંધારાના તળિયે જઈ
દ્વિદળ આંખો ફણગી.
ને ફરફરતા પીલાએ લાંબો લીટો તાણ્યો...
૮-૨-૮૧