ચાંદનીના હંસ/૩૯ છાપરું


છાપરું


(પાંચ કાવ્યો)


.
છાપરે બેસી વાંચતા નિશાળિયા
વાંચતાં વાંચતાં ઊંઘી જાય.
ને તેમના મ્હોં ઉપર, છાતી ઉપર કે હાથ ઉપર
ઊંધા પડેલાં પુસ્તકો
નોખાં ગામ રચી બેસે.

૨.
વરસાદી વાછંટોમાં
એકાદ છાપરું ઊડી જાય
તે ખબર નહીં પડે.
ને એમ જ
અંધારિયા માળીયે આવી બેસે
કાળું આકાશ.

૩.
કોઈ કોઈ વાર તો નળિયાં ચળાવેલાં હોય
તો પણ—
છાપરાં ગળે.

૪.
ચત્તુંપાટ પડેલું છાપરું
પડખું ય ફેરવી નહીં શકે.
લચી પડેલી ડાળખીઓ
પડછાયે રેલાતી ઉતરી આવે.
પણ આ
ચત્તુંપાટ પડેલું છાપરું
પડખું ય—

૫.
આઘે આઘેની ક્ષિતિજો વડે ઘેરાયેલું
છેક ટોચ ઉપર
ગહન આકાશમાં
બેઠું છે છાપરું.
દૃગાન્ત લગ વિસ્તીર્ણ આ
આખો ઈલાકો
સ્તનીય ઢોળાવ લઈ ઢળે છે એના પગ તળે.
હશે ત્યાં ક્ષીરસ્ફટિકમાંના પ્રકાશ જેવાં સૌમ્ય ગુંબજો
કે મસમોટા ઈંડા ઉપર બેસી
વિશ્વનો ગર્ભ સેવતું પંખી?
કહેવાય છે કે
આટલે દૂરથી ઉપર લગી
અહીંનું સંભળાય તો સંભળાય.
એ આટલું ઊંચું ન હોત તો
એના જ ભાર તળે લોકો દટાઈ મર્યાં હોત.
વળી એવી પણ એક વાયકા છે
કે એને જોવા જતાં
ટોપી તો શું માથું જ પડીને ભોંય ભેગું થાય.
કદાચ તેથી જ અહીં
કોઈ ક્યારેય ઊંચી નજરે જોઈ શકતું નથી.

૩૦, ૩૧-૭–૭૬