ચાંદનીના હંસ/૩ આંખમાં પહાડ ઊંચકી ચાલ્યો છું
આંખમાં પહાડ ઊંચકી ચાલ્યો છું...
આંખમાં પહાડ ઊંચકી ચાલ્યો છું.
પાણીપાતળો નીલમ ઓગળે આંખોમાં
છે નીલમ એ જળ, સ્થળ કે આકાશ?
ઘેરાં નીલાં વૃક્ષ?
વૃક્ષની ડાળ ડાળ પર પાંદ
પાંદ પર
સરતું આછું ધુમ્મસ?
ધુમ્મસની ભીંત સોંસરો સૂર્ય, સૂર્યમાં
ઓગળતી આંખો પથરાય.
રંગો ઊછળ્યાઃ ધૂસરઘેરું આભ ઊંચકી
પહાડો ચાલ્યા
ખીણો ચાલી
ચક્કર ચક્કર ગોળ ફુદરડી ફરતી આખી સૃષ્ટિ ચાલી.
ચાલી અકળ અમૂંઝણ છાતી પર
ને ચાલી ચાલી લોથપોથ સહુ પહાડ
આખરે જંપ્યા આંખોમાં.
૪-૭-૮૦