ચાંદનીના હંસ/૪૪ ગતિ–સ્થિતિ


ગતિ–સ્થિતિ


ક્ષિતિજ સુધી લંબાયેલા મારા બન્નેય હાથ
સરક્યે જતું સંતરુ પકડવા
વલખી રહ્યા છે.
જ્યાં કશે, જે કંઈ જરી, જેવો મળે તેવો જ
મારે આ પૃથ્વીનો ગર ચાખવો છે.

નાની ટચુકડી આંગળીમાં રસછલકતું
મબલખ પડેલા સંતરાના ઢગ જેવું
બાળપણ
ઊંઘમાં ટપક્યા કરે છે.
હાથ વલખ્યા કરે છે.
પૃથ્વી સરક્યા કરે છે.

હાથ લંબાવતો, કેડે મરડાતો
તણાઈને તૂટતો
તૂટી તૂટીને તણાતો
ઝીંકાઉ છું ક્ષિતિજ સુધી.

દૂર
ક્ષિતિજ સુધી
લંબાયેલા મારા બન્નેય હાથ પાછા ફરે છે.
ખુરશીના હાથા બની બેસી રહે છે.

૨૦-૫-’૭૯