ચાંદરણાં/પ્રકીર્ણ
- એકવાર નક્કી કર્યા પછી વ્યસન સરનામું બદલતું નથી.
- નિંદાને પગ વાળીને બેસવાની ટેવ જ નથી.
- પહાડ પણ બેઠાડું અને પથ્થર પણ બેઠાડું!
- કોઈ દીવાનગી સાંકળ પહેરે છે, કોઈ દીવાનગી સાંકળ તોડે છે!
- અસમાન ઘરો સમાન ઈંટથી જ ચણાય છે.
- આંખ ક્યારેક કોરાં પરબીડિયાં જેવી પણ હોય છે.
- જ્વાળામુખી તેના ગુસ્સા જેટલો જ શાંત પણ હોય છે.
- જીવન એક યાત્રા હતું તે ‘બાધાદોડ’ થઈ ગયું!
- પથ્થર ગબડે તોય પહાડ તો અણનમ જ રહે છે.
- ઊંચામાં ઊંચો પહાડ પણ તળેટી પર જ ઊભો છે.
- પહાડ પર જઈને આકાશ જોશો કે મેદાન?
- સ્વસ્થતા કોઈ દેવની આરતી નથી ઉતારતી.
- આળસને પણ એક મરોડ હોય છે.
- સ્વપ્ન સિવાય ઊંઘમાં કોઈ ભાગીદાર નથી હોતું.
- સ્વાવલંબી શિયાળ પોતે જ શરીરે વાઘના પટા ચીતરે છે.
- મરઘાની ઉષ્મા ઈંડું સેવી શકે નહીં.
- એક દિવસની કબર પર અખબારી કાળું ઘાસ ઊગી નીકળ્યું છે!
- એક હાથની બચત કરવા માગનારા પ્રણામ નહીં, સલામ કરે છે!
- અશાંતિનો ઉજાસ નહીં, ભડકા જ હોય.
- જિંદગીનો છેલ્લો શો અઢી કલાકમાં પૂરો થતો નથી.
- લોકપ્રિયતાના આશ્રિતો સૌથી વધારે કંગાળ હોય છે.
- ‘થશે’ કહેવાય ત્યારે ‘કદાચ’ સાંભળો!
- વીજળીએ ચીરી નાખેલા આકાશના હૈયા પર એકાદ ઉઝરડો તો બતાવો!
- ઝાકળને ભેજ કહેનારો વળી કવિતા શું કરવાનો?
- દુષ્યન્ત શિકારે ગયો તો પ્રેમી થઈ ગયો. વાલિયો શિકારે ગયો તો વાલ્મીકિ થઈ ગયો!
- લાગણી માપવા માટે નહીં, માણવા માટે હોય છે.
- બે આંખવાળી ગાય તો પણ સુરદાસનું ભજન કહેવાય!
- મોસમનું પંખી કંઈ બારમાસી ગીત ન ગાય.
- લીક થાય તે પબ્લિક થઈ જાય છે.
- ઝાંખી ઇચ્છા જેવી ધૂંધળી સાંજ...
- વિખેરાઈને ભેગા થવાનું પાણીને જ આવડે!
- પાણીને પોતામાં તરવાનું મન થયું ને બરફ બન્યું!
- આગિયાનું આકાશ જમીન પર જ હોય છે.
- બીજ એટલે ભૂતકાળ અને ભવિષ્ય સહિતનો વર્તમાન.
- સાગરનું પંખી સાગરમાં માળો બાંધી શકતું નથી.
- પુષ્પને અક્ષુણ્ણ રાખીને પતંગિયું રસ ચૂસે છે, માણસ ક્યારે શીખશે ધરતીને અક્ષુણ્ણ રાખીને જીવનને પામવાનું?
- તળેટી સામે શિખર હોય, ક્ષિતિજ નહીં.
- દેવની બેઠ્ઠી આવક તે બેઠાડુ શ્રદ્ધા.
- નમણી નાર ન હોય તો પુરુષ બરડ થઈ જાય!
- જિજીવિષાની પાલખી એક જ ભોઈ ઊંચકે છે!
- હરણની દિશા તે જ પારધીની દિશા.
- આતુરતા સંકોચાય પણ છે અને વિસ્તરે પણ છે!
- સલાહકારને અક્કલ ભલે ન હોય, પણ જીભ તો હોય જ છે!
- નશાબંધી હોય ત્યાં પોલીસ ભૂખે ન મરે!
- નિર્ગંધ માત્ર દુઆ જ મળે છે!
- સાથ આપનાર જ એકાંત પણ આપે છે.
- ઊંઘ પણ ઘણીવાર દિવસપાળી કરે!
- આકાશી હોનારત પડે તો પૃથ્વી પર જ!
- સાથે હોય તેણે દંપતી હોવું જરૂરી નથી.
- ગુસ્સો એવું ગાંડપણ છે, જે પથ્થરને પણ ઠોકર મારે છે.
- પૂનમનો ચંદ્ર ડાયેટિંગ કર્યા વિના બીજરેખા બને છે.
- એકતા અને અલગતા ધરતી પર જોડાજોડ જ રહે છે.
- પનોતી અને શ્રદ્ધા બેઠાડુ હોય છે.
- માટીનું વાસણ પછડાય પણ એને ગોબો ન પડે!
- અવાજને ચહેરો નથી હોતો, છતાં ઓળખાય છે!
- ફુગ્ગાને હવામાં છોડો છો પણ ફુગ્ગો જ હવાને છોડી દેશે!
- પોતાનો પગરવ પણ ક્યારેક પરાયો લાગે!
- વૃદ્ધો, માત્ર ઘરના માણસોએ જ જોવા પડે એવાં ખંડિયેરો!
- પોતીકાને અશબ્દ થઈને જ મળી શકાય!
- જીવ ઓલવાય છે ત્યારે પોતીકા માણસો દીવો પ્રગટાવે છે!
- કરમાયેલું ફૂલ નહીં પણ કરમાયેલું હૃદય ફરી મહોરી ઊઠે છે!
- કબર એ ફરીથી નહીં ઊઘડતું ઢાંકણ છે!
- છેતરવાની શરૂઆત પોતાની જાતથી જ થાય!
- પાણીને પાર્સલ થવાનું મન થયું ને બરફ થયો!
- માણસ અંગત અને ઈશ્વર સાર્વજનિક હોય છે!
- શિયાળો : સૂકી ત્વચા પર તડકો મસળવાની મોસમ.
- પ્રેમ અને અથાણું સ્વાદ માટે સમય માગે છે.
- કોડિયાં તેલનાં તરસ્યાં છે કે તેજના એ જ નથી સમજાતું.
- પેટમાં ભૂખ ઊગે છે એટલે ખેતરમાં અન્ન ઊગે છે.
- ઉનાળાના તાપને પરીક્ષા આપ્યા વિના જ રોજ તાજી ડિગ્રી મળે છે!
- પીડાને ફરી ફરીને માણસમાં જીવવાનું મન થાય છે!
- પ્રાર્થના કરો પણ મોઢાને ભિક્ષાપાત્ર ન બનાવો!
- શાહુડીને થતો રોમાંચ તો બાળક પણ જોઈ શકે!
- વિચારોનું ટોળું તો માણસના એકાંતમાં જ ભેળું થાય છે.
- ગોદડી વિકાસ કરે છે અને ગાભો થાય છે.
- વિસ્મય મરી ગયા પછી કોઈ ચમત્કાર નથી થતો.
- કાચના બારણે ટકોરા મારવા પડે તે સૂચવે છે કે અંદર આંધળા બેઠા છે.
- પોતાની છાતી કૂટવા કરતાં બીજાનો વાંસો થાબડવો વધારે સારો છે.
- બાળપણ ગયું ને મારા માટે હું ઐતિહાસિક થઈ ગયો!
- રાત મરે એનું શબ જ દિવસને જોવા મળે.
- સ્વમાનથી જીવો અને અભિમાની તરીકે પંકાઓ.
- ગુસ્સે થવું એટલે પોતા પર આત્મઘાતી હુમલો કરવો.
- અરીસામાં જુએ તે અરીસામાં હોય તેને જ જુએ.
- વાસ્તવિકતા રોકે છે, સ્વપ્નો લટકાવે છે.
- સાચું બોલનારા આત્મકથા નથી લખતા.
- થીજેલો બરફ સ્થિર બુદ્ધિનો હોય છે.
- જેને દર ન હોય તેને દરવાજો હોય!
- પાંજરાના પોપટને જમરૂખનો ખર્ચ નહીં.
- ગાંધારીની આંખે બાંધવાના પાટાનું કપડું પોતાને ન વણવું પડે એટલે કબીર કળિયુગમાં જન્મ્યા.
- પોતે શા માટે ભસ્યો તે જાણવાની ચિંતા કૂતરાને ન હોય!
- ઘરનો અને બહારનો – બે જીવવાળો પુરુષ!
- લોભિયાનું ધન વારસદાર ખાય.
- એક દશેરે મરે તે રાવણ નહીં, લાખ પથરે મરે તો શેતાન નહીં!
- લાકડું કંઈ મોક્ષ પામવા મસાણે ન જાય.
- કાન છે એટલે જ શાંતિ અને ઘોંઘાટ છે!
- શ્વાસ છે એટલે નિઃશ્વાસની શક્યતા ખરી!
- અપૂર્ણતા સૂચવે છે કે ભવિષ્ય છે!
- પહાડ તેની ખીણને જુએ કે શિખરને!
- જેનું સરનામું માત્ર તમે જ જાણો છો તે અંગતતા!
- અખબારની જેમ વંચાયા તે પસ્તી થઈ ગયા.
- ગમે તેટલાં હોર્ન વગાડો, રસ્તો ખસતો જ નથી.
- અતિ પ્રશંસા કરનારો અભદ્ર અને દરિદ્ર દેખાય છે!
- ઘર કરતાં કબર સિનિયર હોય છે!
- લાંબી ચૂપકીદી સૌથી મોટી ચીસ બની શકે છે.
- પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે શેતાન કામ પર લાગેલ છે!
- દુઃખ એટલું મોટું હોય કે ડાયરીના પાને ન સમાય.
- અફીણની ગોળી જેવો વહેમ બંદૂકની ગોળી બની જાય છે.
- કંટાળો કાચબાની પીઠ પર બેસીને પસાર થાય છે.
- ભદ્રતાના રબરથી દંભને ભૂંસી શકાતો નથી.
- જેલ એક એવી ભઠ્ઠી છે જ્યાં કાચા કેદીઓ પાકા થાય છે.
- મોટા ભાગના માણસ નકશા લઈને પ્રવાસ કરે છે, કોઈક માણસ પ્રવાસ કરે તેના નકશા બને છે.
- રસ્તા પહોળા થાય છે તો યે ટ્રાફિક સાંકડો નથી થતો.
- મારા કેટલાક અસ્વીકારે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે.
- નાના થવાનો લાભ એ છે કે તારાને ગ્રહણ લાગતું નથી.
- કોરડો માલિકના વાંસાને ઓળખતો નથી!
- પડઘો અવાજનો જોડિયો ભાઈ છે!
- ઈંટની સ્વતંત્રતા એ ભીંતનું મોત છે.
- જીવન જેટલું બિનસત્તાવાર એટલું સલામત!
- જુદા પડવું એટલે પોતપોતાના અંધકારમાં પાછા ફરવું.
- સ્ત્રીને નહીં વાંચવા જેટલો કોઈ પુરુષ અભણ નથી હોતો.
- શિયાળે માણસો અને ઉનાળે ગોદડાં તડકો ખાય.
- કણ્વનો આશ્રમ પ્રેમ, દુષ્યંતનો મહેલ અપમાન ઉછેરે છે.
- નિર્વાસિત થવા માટે હવે ઘર છોડવું પડતું નથી.
- બે ચાંચ મળે છે એટલી વાર બે મોઢાં મળતાં નથી.
- ફરેલાં પીંછાં પર સંબંધ છૂટ્યાનો વિષાદ દેખાતો નથી.
- બધા જ વખાણે એ સામૂહિક કાવતરું પણ હોય!
- મર્યા પછીનો બધો સમય સૌ માટે હું વસિયતમાં લખી જવાનો છું.
- દરેક પક્ષીને પોતાનું પીંછું વધારે સુંવાળું લાગે છે.
- શેતાન ઈશ્વરનું નામ ન લે તો આગળ વધી શકે નહીં.
- શહેરમાં વસંત તો આવે છે પણ વૃક્ષોના અભાવે પાછી ફરે છે.
- પગરજ માગે તેને પગરખાં ન અપાય!
- તેલતરસ્યાં કોડિયાં દીવેટને જ ભૂખી રાખે છે.
- તડકાથી ભરેલી હોય તોય કહેવાય પાણીની ઠીબ!
- આંખ તો અંતરના પાણીથી જ ભીની થઈ શકે.
- બીજો માણસ છે ત્યાં સુધી પ્રેમ પણ છે અને ભય પણ છે.
- પ્રશંસા પાછલી દિશાએથી આવે તો બરડો ઠોકે.
- પૂર્ણવિરામની હાંસી ઉડાવી નવું વાક્ય આગળ વધે છે.
- તુષાર અને કપૂર ધવલ હોવાથી જ ઊડી જતાં હશે!
- કાજળ ઊડીને બીજે જાય તો પણ તે કાજળ જ રહે છે!
- જાજમની પાછલી બાજુ શોધે તે પત્રકાર થાય!
- નિશાળ ઊઘડે નહીં ત્યાં સુધી જ્ઞાનને સંતાડી રાખે તે શિક્ષક!
- ધીરજ બરફને ઓળગવા દે છે, અધીરાઈ ભાંગીને કટકા કરે છે.
- મંચના વિસ્તાર કરતાં નેપથ્યનું પોલાણ વધારે હોય છે.
- મંકોડો મરે તો કીડીની સહકારી મંડળી રચાય.
- દિશાને ઓવારણાં લેવાં હોય ત્યારે વૃક્ષો ધૂણે છે.
- ભવિષ્ય પાસે આપણાં હાસ્ય જ નહીં, આંસુ પણ હોય છે.
- ઊંટડીનું દૂધ પીવા માટે કોઈ રણનો પ્રવાસ કરતું નથી!
- હૂંફ ન મળે તો પાપનું ઈંડું પણ સેવાતું નથી.
- પાપના ભાગીદારો સજાના ભાગીદારો થવાની ના પાડે છે!
- મારી બહાર ‘હું’ હોવાનો ભ્રમ ફેલાવે તે તસવીર!
- અમાસની કાળી ઉપજાઉ માટીમાં સૌથી વધારે સિતારા ઊગે છે!
- હવાને કાવડમાં બેસાડીને ફરે તેના સ્કંધ વળી શેના દુઃખે!
- ઠૂંઠો માણસ હલેસાને નમસ્કાર ન કરે તો શું કરે?
- હાસ્યાસ્પદ ઘણું છે એટલે કરુણતાએ ઘણી છે!
- જૂઠું બોલવા માટે તો મુત્સદી થવું પડે!
- આગળ વધવા માટે ઘાસને પગની જરૂર પડતી નથી.
- કોઈપણ સુથાર પોતાની ઇચ્છાથી લાકડાનો વધસ્તંભ ઘડતો નથી.
- વળ ચઢાવો ત્યારે તમે દીવાની દીવેટ વણો છો એ ભૂલશો નહીં!
- જિંદગીનાં વર્ષો લૂણો લાગેલી ભીંતના પોપડાની જેમ ખરતાં જાય છે.
- આ શબ્દકોશ, લાખો માણસોની જીભોએ અનેકવાર એંઠી કરેલી વાનગીઓનો અન્નકૂટ છે.
- મારાં કેટલાંક સપનાં મારી નિદ્રાની બહાર પણ છે!
- ચક્કર ચલાવવું હોય તો કુંભાર જેવું ચલાવો, કંઈક નવસર્જન થાય.
- દેશને જ નહીં, કૂતરાને પણ પોતાની સરહદ હોય છે.
- કોલસા લાલ આંખ કરે તો જ રસોઈ પાકે.
- ચગડોળને ગતિ હોય છે, પ્રગતિ નહીં.
- કોઈપણ સૂત્રોચ્ચારની લંબાઈ સરઘસ જેટલી નથી હોતી!
- બાળક ગેરસમજથી કોકડું ગૂંચવે છે, આગેવાન સમજપૂર્વક.
- બધા જ આઘાતનો કંઈ ગોબો પડે!?!?
- ‘હું’નો વિકલ્પે ‘હું’ જ છું.
- વચ્ચે રહીને બે છેડા ભેગા કરે તે મધ્યમવર્ગી.
- એકાંતમાં ખોવાય તેને કોઈ ન જાણે, મેળામાં ખોવાય તેને બધા જાણે.
- એક સપનું આંખમાં, પાંપણોની બાથમાં.
- તમારી પાસે કોઈ વફાદારી માંગે તો તેને કૂતરો આપી દો.
- પાપની ઉંમર વધે છે પણ તે ઘરડું થતું નથી.
- ગૌરવ એ દરજ્જો નથી, દરજ્જો ગૌરવ છે.
- બુદ્ધિની સાથે શસ્ત્ર પણ ધારદાર થાય છે.
- પ્રતીક્ષા પાસે એક જ દિશા છે.
- સરવાળા કરતાં બાદબાકી ઓછી જગ્યા બગાડે છે.
- આજકાલ તો લંચ કરતાં લાંચથી વધારે સારી રીતે પેટ ભરાય છે.
- પેટ તો સૂર્યવંશીને પણ રાતપાળી કરાવે.
- ચિંતા મનને ખોતરે છે, પ્રસન્નતા કોતરે છે.
- કંઈ જ કરતો નથી તે કશું ખોટું કરતો નથી.
- સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે.
- યૌવન તો કેસૂડાનું વન હોય!
- ગધેડા કરતાં ઘોડો અવશ્ય સારો પણ સારાની લાત વધારે ખરાબ હોય છે.
- પાછી ફરેલી ટપાલ ખરેખર પોતીકી હોય છે.
- ઘણીખરી ખુલ્લી આંખો બંધ જેવી હોય છે.
- તમે દર્શન કરવા જાઓ છો, તે વાસ્તવમાં પ્રદર્શન હોય છે.
- ઢોળાવે ગબડતો પથ્થર ‘સ્વાવલંબી’ હોય છે.
- મોટા ભાગની ભૂલો પેન વગર જ સુધારી શકાય છે.
- વાંચો ત્યારે પોતાને શબ્દોથી નહીં, અર્થથી ભરો!
- દરેક ચાલતો માણસ કશાકમાં રોકાયેલો, અટકેલો હોય છે.
- રસ્તા પરના પથરાને આગળ વધવાનું ભવિષ્ય હોય છે.
- પડતા પર પાટું ન મરાય, માંદા પાસે રાજીનામું ન મંગાય.
- પ્રતિષ્ઠા એ બરફનું બનેલું સિંહાસન છે.
- ક્રાંતિ એટલે અવ્યવસ્થા દ્વારા વ્યવસ્થા સ્થાપવાનો ઉત્પાત.
- ઝૂંપડીમાં રહેનારને માથાં પછાડવાનાં હોવાથી ભીંત બાંધતાં નથી.
- અરીસો તોડો તો એક જ દૃશ્ય અખંડ રહી અનેકમાં વહેંચાય છે.
- ઉગામેલી મુઠ્ઠી યુદ્ધને નોતરું દેતી કંકોતરી થઈ જાય!
- ભૂખ કરગરે તે સાંભળો, નહિતર તે હુમલો કરશે!
- પુસ્તકનાં વળેલાં પાનાં ફરી વાંચવાં જેવાં હોય છે.
- આંસુનું સરોવર નથી હોતું, પણ આહોનું આકાશ તો હોય છે ને!
- સરિતાને શી ખબર, કોઈવાર પાંપણની પાળ પણ તૂટે છે.
- આંગળાં પોતાને પકડી રાખવા માટે અસમર્થ હોય છે.
- પરબના માટલાને ખાલી થતાં વાર ન લાગે!
- પોતાનામાં રહીને બહાર જવું તે પણ એક જીવનકળા છે.
- ગરબાના કૂંડાળામાં પગ પડે તેનો ઇલાજ ભૂવા પાસે નહીં હોય.
- છાપરામાં છિદ્રો ન હોય તો ઘરમાં ચાંદરણાં ન પડે!
- મળવા જેવા ન મળે ત્યારેય ખાલીપો તો મળે જ છે.
- કહે છે કે પાનખર એ પાંદડાની સ્વતંત્રતાની ઋતુ છે.
- વિચારવાનું કામ નહીં કરનારા બોલવાની મજૂરી કરે છે.
- શહેરમાં વસંત તો આવે છે, પણ વૃક્ષોના અભાવે ખબર નથી પડતી.
- પારધી શિકાર કર્યા વિના ખાલી હાથે પાછો આવે ત્યારે ઘવાય છે.
- લાત મારવી પણ લંગડા ન થવું એ પહેલી શરત છે.
- ક્યારેક ક્ષણો બગડવાથી જીવન બગડે છે.
- સમભાવ હોય ત્યાં એકલતા નથી હોતી!
- નિયમિતતા છૂટવી એટલે શ્વાસ છૂટવો!
- કાળી દુનિયામાં પણ સોનેરી સૂત્રો હોય!
- થાકેલી આંખોમાં પણ કોઈ માળો બાંધે છે.
- પીડા અને વાજિંત્ર પાસે શબ્દો નહીં, સ્વર હોય છે.
- સાંસ્કૃતિક બેચેની ક્યારેક કવિતા થઈને બોલે છે.
- મિત્રોમાં બેઠક હોય છે, આસન નહીં.
- સિગારેટને હાથ નથી છતાંય તે ઠૂંઠું બને છે.
- ગોળનો ગાંગડો હોય છે ત્યારે મંકોડામાં સર્વસંમતિ હોય છે.
- વાંદરાનું રિસર્ચ સેન્ટર બીજા વાંદરાના માથામાં હોય છે.
- પિરામિડ મળે તો કોઈ કબરમાં સૂવા માંગતું નથી.
- કચરો કહે છે, ‘‘મારો ભૂતકાળ બહુ ‘ભવ્ય’ હતો.’’
- તેલના દીવાની મેશ કહે છે, ‘‘મારો ભૂતકાળ બહુ ‘ઉજ્જવળ’ હતો.’’
- ખાટલો ઊભો થાય તો જ આરામ કરે.
- હથોડા માટે તો માથાંના કર્યા માથાંમાં જ વાગે.
- જૂનું વાહન ના બદલે તે દેવ કે દેવી કહેવાય.
- હું દેશમાં છું અને દેશ નકશામાં છે.
- ઓછું આવે છે ત્યારે પુરાંતમાં આંસું આવે છે.
- પાકિસ્તાનના નકશાની રેખાઓ તો ભારતના હૈયા પર પડેલા ઉઝરડા છે.
- સાહેબની સહી જ નહીં, તેઓ પણ ‘અવાચ્ય’ હોય છે.
- ઘંટને પોતાને બહાર જવાની ઇચ્છા થઈ ને તે રણક્યો.
- ડાબા હાથને અન્યાય કરવા માટે કોઈ સાથે હાથ મેળવવો પડે છે.
- માત્ર બંધારણે જ હજી લોકશાહીમાં શ્રદ્ધા ગુમાવી નથી.
- તારીખો ભેગી થાય છે પણ હવે તવારીખ બનતી નથી.
- ન્યાય વાયદો કરતો નથી, નવી તારીખ આપે છે.
- બરફનો અજંપો જ એને પીગળાવી પાણી પાણી કરી નાંખે છે!
- પીંછાંને આંખ હોવા છતાં મોર પોતાની આંખે જ જુએ છે.
- ગામનું ‘ગોરજટાણું’ શહેરમાં ‘મિલનટાણું’ થઈ જાય છે.
- શાહજહાં તાજમહાલ બંધાવે છે, ઔરંગઝેબ મકબરો!
- અજાણ્યા માર્ગનો ધૂંધળો નકશો, તે સ્વપ્ન.
- ગરીબ લોકો તકને જ અવસર માને છે.
- પથ્થરો કંઈ શાંતિયાત્રા કરવા નથી નીકળતા.
- ઘરમાં પણ ક્યારેક કરફ્યુનો સન્નાટો હોય છે.
- લીલાં પાંદડાં તોરણમાં ગુંથાઈને પણ ફરકે છે.
- કળીનું મોઢું ખૂલે તો યે જીભ દેખાય નહીં!
- દીવાની જ્યોત કરતાં ધુમાડો વધારે ઊર્ધ્વગામી હોય છે.
- જ્વાળામુખી થાકીને શાંત થાય છે, પશ્ચાતાપથી નહીં.
- સાગર વળી પોતાના સિવાય કોનાથી ભીંજાય છે?
- સાગર વળી પોતાના સિવાય કોને સાંભળે છે?
- માશૂકનું ગોત્ર ગઝલનું અને પ્રેમિકાનું પિયર કવિતા.
- હવે તો રંગમંચ નથી હોતો ત્યાં પણ પરદો હોય છે.
- આંખ બુરખામાંથી જુએ પણ ખરી અને દેખાય પણ ખરી.
- લાકડાના ઘોડા પર સવારી કરે છે, તેને ઘાસનો દુકાળ નડતો નથી.
- કબ્રસ્તાનના ક્રોસ પર તો ચકલી પણ ચઢે!
- સગપણ વિનાનાં સગાં તે મિત્રો!
- હીંચકો અને કરવત બે જ દિશા જાણે છે.
- સતત બકતો માણસ જ પ્રવક્તા બને છે.
- મુત્સદી તો વાયરો ચાલે ત્યારે જ વઘાર કરે!
- આપણો માણસ ‘બત્રીસલક્ષણો’ જ હોય.
- પોતાના માથે હાથ મૂકીએ તે અફસોસ અને બીજાના માથે હાથ મૂકીએ તે આશીર્વાદ.
- સૂકાં પાંદડાં ખોવાયેલી વસંતને શોધવાની રખડપટ્ટીમાં જ ધૂળમાં મળી જાય છે.
- જોડા બદલાય પણ લાત બદલાતી નથી.
- જ્યોત તો પ્રગટે છે પણ જડ દૃષ્ટિ કહે છે : એ સળગે છે!
- આકાશ પણ કોઈ કોઈ વાર પડદો પાળે છે!
- તારીખ છૂટક અને તવારીખ હોલસેલ હોય છે!
- પડોશમાં કૉલબેલ વાગે અને આપણી જિજ્ઞાસાનું બારણું ઊઘડે!
- ડુંગરને શી ખબર કે દૂરના દીવા પણ રળિયામણા હોય છે!
- પતંગિયાના ગામમાં રંગરેજ ભૂખે મરે!
- કાચની દીવાલો એવો ભ્રમ ફેલાવે છે કે તમે સ્વતંત્ર છો!
- આતુરતા સંકોચાય પણ છે અને વિસ્તરે પણ છે.
- ફોરાં જ્યારે ફૂલની જેમ ઝરે છે ત્યારે આકાશ મહાવૃક્ષ લાગે છે.
- ઘડિયાળ ગુમાવીને ટાણું સાચવનારા પણ હોય છે.
- દર્પણ તો રાતે પણ આંખ ખુલ્લી રાખે છે.
- વફાદાર કહેવડાવવા માટે સાંકળે બંધાવું જરૂરી નથી.
- જેઠ તો સૂર્ય પાસે પણ વેઠ કરાવે છે.
- ગરીબીમાં ચાદર જ પગનું માપ નક્કી કરે છે!
- અઠ્ઠે દ્વારિકા કરવાનું તળાવને પાલવે, નદીને નહીં.
- ભીંતો બોલતી નથી એટલે બહેરી છે એમ ન કહેવાય.
- સુખના ભાગીદારો મળે, ભૂખના નહીં.
- ભાષા તો સૂકાં પાંદડાં પાસે પણ હોય છે.
- દીવાને સૂર્ય થવાનું કહેવાય, સૂર્યને દીવો થવાનું ન કહેવાય!
- કહેવાય ઘડપણ પણ આવે હરણફાળે!
- પોતાની ઇચ્છાને સ્વપ્નરૂપે જોવા માટે ઊંઘવું પડે છે.
- આશ્ચર્ય એ બગાસું નથી તોયે મોઢું ખોલાવે છે.
- ગરમ લોહીને જ હૂંફની તરસ હોય છે!
- કેટલાક લોકો અહંકારનો બોજ ઉપાડવાની મજૂરી કરે છે.
- દૃષ્ટિકોણ આકાશમાં પણ ખૂણો રચે છે.
- અજાણ્યા માણસો ભરોસાપાત્ર હોય છે!
- બીજા ન જાણે ત્યાં સુધી બધું જ ખાનગી હોય છે.
- પરોપકાર કરનાર માટે અભિમાની થવાની તક રહે છે.
- ઓસરતાં મોજાં સાથે સરી જતી રેતી કહે છે, હું કાંઠાની નહીં, સાગરની છું!
- કેળનું વિશાળ લીલું પાન હોય કે નાનું બીલીપત્ર, ઝાકળ સૌને ભીંજવે છે.
- ખાલી છીપ ખોવાયેલા મોતીનું સરનામું જાણતી નથી.
- ગયેલી જણસના ખાલી દાબડા જેવું તલાક પછીનું એકાંત.
- કોઈને શું, પોતાને મળવા માટે પણ નીરવ એકાંત જોઈએ!
- હૃદય જે દાન આપી શકે છે, તે હાથ આપી શકતા નથી.
- દૃષ્ટિની ભાષાને કોઈ વ્યાકરણ નથી હોતું.
- ખડક સાથે અફળાયેલું મોજું, ઘાયલ થયા વિના ફરી ફરી અફળાય છે!
- પરીની સ્થિતિ ન બદલાય એ વાર્તાનું સત્ય છે.
- ગધેડાને કાચબાની પીઠ મળે એ વરદાન કહેવાય.
- નીતર્યું પાણી દર્પણ બને, એ પરિણામ છે એની ઇચ્છા નથી.
- મ્યાનનું અંતર જાણે છે કે મારે તલવારની ધાર સાથે પનારો પડ્યો છે.
- કવિતા એ નકશા વગરનો દેશ છે.
- લોહીમાં ઊગે છે તે ખેતરમાં નથી ઊગતું.
- ભૂખ માત્ર પોતાને (ભૂખને) જ ખાઈ નથી શકતી.
- ગધેડો જાણે છે કે કુંભાર શા માટે મારી પીઠ થાબડે છે.
- પગથિયાં પોતે ઊંચે જતાં નથી ને નીચેય ઊતરતાં નથી.
- બુદ્ધિનો વાંક ન કાઢી શકો ત્યારે સંજોગનો વાંક તો કાઢી જ શકો!
- શ્રદ્ધા બેઠી હોય ત્યારે શંકા ઊભી હોય છે!
- કેટલાક મળીને છૂટા પડે છે, ઘણાં લડીને છૂટા પડે છે.
- લોકપ્રિયતાના આશ્રિતો સૌથી વધારે કંગાળ હોય છે.
- કીડીની પલટણને યુનિફોર્મની જરૂર હોતી નથી.
- આતુરતા દિશાને લંબાવ્યા કરે છે.
- આકાશને ધરતી પર બતાવે તે પાણી.
- પેટનો ખાડો જીવવા માટેનો અખાડો.
- કયો અરીસો પોતાની પીઠને જોઈ શકે છે!
- દીવો પણ ક્યાં બંધ આંખે અજવાળું જુએ છે?
- મહેલની રાણી કરતાં ઝૂંપડાની રાણી વધારે સ્વતંત્ર હોય છે.
- ઘડપણની શરૂઆત બીજાને શિખામણ આપવાથી થાય છે.
- પહાડને પણ ઊભા રહેવા માટે જમીન જોઈએ.
- ક્ષિતિજે પણ મને અલ્પવિરામ જ દેખાય છે.
- સૌથી વધારે બૂરી હોય છે મજબૂરી.
- પક્ષીઓના ભાગ્યમાં ઘૂંટણ વાળીને બેસવાનું હોય નહીં!
- શ્રદ્ધા બેઠાડું હોય ત્યારે આશા ઉભડક હોય છે!
- જિંદગી એવી ખુલ્લી બારી છે, જેમાંથી રસ્તો દેખાતો નથી.
- આંખનું એવું છે કે, એ પોતાના સિવાય સૌને જુએ છે.
- તરંગની રેખા તૂટવા માટે જ વિસ્તરે છે.
- દોરડીના વળ દોરડીને જ ભીંસે!
- જિંદગી સુપર ફાસ્ટ હતી, મોડી થઈ ને દીર્ઘાયુષી થયો!
- બે શિંગડાં પોતાની વચ્ચેના પોલાણને વીંધી શકતાં નથી.
- મહત્ત્વાકાંક્ષા એક દિશા ખોલીને, બાકીની બધી દિશા બંધ કરી દે છે.
- રણનો પવન રેતીની ખબર દૂરદૂર પહોંચાડ્યા કરે છે.
- કેટલીક શ્રીમંતાઈ લીલી હોય છે, પણ શેવાળ જેવી.
- બંધબારણે મારો પ્રવેશ ન હોય તો મારા પર પ્રતિબંધ શેનો?
- હું તો મેદાનમાં હતો, શિખર વિભૂતિએ પડખે આવી મને ખીણમાં મૂકી દીધો!
- કેલેન્ડરની સીઝનમાં દીવાનખાનું આર્ટગૅલરી થઈ જાય છે.
- નકશાની કાળી નસોમાં લોહી વહેતું નથી!
- મોજાંના મોઢે ફીણ તો હોય છે પણ હાંફ નથી હોતી.
- મક્કાઈના દાંત માણસના દાંતને ઉશ્કેરે છે.
- નિંદા એવું માનપત્ર છે, જેમાં મૌલિક વિશેષણો હોય છે!
- મદારી માત્ર એક જ બંદરનો વેપારી હોય છે.
- સપાટીનો ભય શિખરે પહોંચે તે ભયસપાટી!
- દરેક સ્વપ્ન ઊંઘમાં જ સાકાર થાય છે!
- આપણું સૌથી વધારે રોકાણ ઊંઘમાં હોય છે.
- ન્યાયને વળ ચઢે છે, ક્યારેક ફાંસીનું દોરડું થાય છે.
- તમરાંનો કોન્સર્ટ જલસો તો આખી રાત ચાલે!
- ઘરડા અરીસાને કરચલી નહીં, તિરાડ પડે છે.
- સૌથી વધારે ઊંડાણ પાણી વગરના કૂવામાં હોય છે!
- એક વાત સાચી છે : સાચી વાત સાંભળવા મળતી નથી!
- દરેક સુખની એક જ દવા છે – દુઃખ!
- આરતી ગાવા માટે ખરાબમાં ખરાબ ગળું પણ લાયક હોય છે.
- જીવનમાં તક તો છે, પણ સરનામા વગરની છે!
- પ્રેમ અને શત્રુતા – માણસને આળસુ રહેવા દેતાં નથી!
- જ્યોત કરતાં તેની ધુમ્રસેર વધારે ઊંચે જાય છે.
- અવસાદ એવો સાદ છે જે પોતે મૂંગો છે.
- રિવાજ તો કાયદાને શું, અક્કલને પણ ડિંગો બતાવે છે.
- કિનારો આઘો પાછો થાય તો યે કિનારો જ કહેવાય!
- સંવાદ તો ધૂળના રજકણોમાં હોય છે.
- દરેકની સામે જિંદગી પડી છે – કોઈક જ તેને ‘ઊભી’ કરે છે.
- સિક્કાની શોધ થઈ તે પહેલાં માણસ ગરીબ નહોતો.
- પક્ષીઓ અશ્લીલ થઈ શકતાં નથી એટલે કપડાં પહેરતાં નથી!
- ધીમા વરસાદમાં કોઈનો ભીનો અવસાદ પણ હોય...
- હું મારા શબ્દોની બહાર પણ છું.
- જીવન કરતાં જીવનની ફરિયાદો વધારે દીર્ઘાયુ હોય છે.
- મજૂરો પેટ ભરવા માટે રોજ ભરે છે.
- કોઈ રંગરેજ વ્હાઈટ કોલર હોતો નથી.
- સદાબહાર, ઘરની બહાર જ હોય છે!
- હવે તો આ મોબાઈલ જ એક કાન થઈ ગયો છે!
- ઝંખનાને આંખ કરતાં હૃદય સાથે વધારે સંબંધ હોય છે.
- જે ડુપ્લિકેટ નથી તે ઝેરોક્સ છે!
- આપણો અવાજ પણ ક્યારેક આપણને ચોંકાવે છે.
- કરકસર એ કામ વગરની કમાણી છે.
- વૃક્ષો એકબીજાની છાયામાં ઊભાં રહેતાં નથી!
- બધી જ આરતી ગોળગોળ હોય છે.
- હવામાં ખીંટી જુએ તે શ્રદ્ધા!
- કેળવણી તમને અનુકરણ કરતાં શીખવે છે.
- આપણે માત્ર ઊંઘમાં જ પોતાના હોઈએ છીએ!
- ચાહવાના દિવસ ગયાને સંભારવાના દિવસ આવ્યા!
- સુખને સંતાઈને રહેવામાં મઝા આવતી નથી.
- અરીસો ચૂપ રહીને જ કહેવા જેવું કહી દે છે.
- ગરીબી કાચી ઉંમરને પાકી કરે છે!
- આકાશને ચીંધી શકાય છે, વીંધી શકાતું નથી.
- જડતા એ નથી જાણતી કે તટસ્થતા શી ચીજ છે!
- જ્ઞાન ઘણુંખરું પુસ્તકમાં જીવવાનું પસંદ કરે છે.
- પ્રસિદ્ધિને ભવિષ્ય કરતાં ભૂતકાળમાં વધારે શ્રદ્ધા હોય છે.
- અપાત્રે જ દાન કરવું હોય તો પોતાને જ આપો!
- ગોળગોળ ફરનારાઓનો રસ્તો લાંબો નથી હોતો.
- ઉછીનાં લીધેલાં અજવાળાં અંધ બનાવે છે.
- મ્યાનનો અંધકાર તલવાર કાયમ ન વેઠે.