ચાંદરણાં/બે વાત

બે વાત

લગભગ દસ-બાર વર્ષથી અનિલ સતત મને તમામ ‘ચાંદરણાં’માંથી પસાર થઈ એક સંપાદન કરી આપવા કહેતા રહ્યા. પણ હું એવો સમય કાઢી જ ન શકી. વચ્ચે થોડાંક ચાંદરણાં નાની પુસ્તિકારૂપે સંપાદિત કરી આપ્યાં પણ 25-30 હજારો ચાંદરણાં જોવા નવરી ન જ થઈ. અનિલની વિદાય પછી માત્ર 15 દિવસમાં આ કામ પૂરું કરતી મારી જાત મને પૂછે છે : ‘કેમ તે દાદાના જીવતાં આ કામ ન કરી આપ્યું?’ આજે તમામ ચાંદરણાંમાંથી પસાર થયા પછી ઉત્તમ તારવ્યાનો આનંદ પણ છે અને અનિલ નથી તેનું દુઃખ પણ છે. આ બધું સાચવનારા અનિલના દીકરા રાજુભાઈ અને કાંતિભાઈ ખરેખર અભિનંદનને પાત્ર છે. અનિલે લખેલી નાનામાં નાની ચબરખી સુધ્ધાં એમણે મારા સુધી પહોંચાડી છે. 20-25 વર્ષની ધૂળ જ્યાં મને રોકતી હતી ત્યાં મિત્ર જવાહર પટેલે નવા કાગળોમાં નોંધવામાં મને મદદ કરી છે. હંમેશની જેમ નીનાબહેન ભાવનગરીએ મારી અનુસ્વારની ભૂલો સુધારી છે. અનિલે એટલી વિપુલ માત્રામાં લખ્યું છે કે સઘળું જોઈ શકાયાનો દાવો વ્યર્થ છે. એકત્ર ફાઉન્ડેશનના અતુલ રાવલે અનિલના ચાંદરણાં, નિબંધ વગેરે પ્રકાશિત કરવાની હિંમત કરી એ માટે એમનો આભાર માનવો જોઈએ. બાકી આજના સમયે અનિલનું કોણ છાપે?

20 એપ્રિલ, 2024
શરીફા વીજળીવાળા