ચાંદરણાં/‘અનિલ’ નામે એક ઓલિયો


‘અનિલ’ નામે એક ઓલિયો

ફાર્મસીનું ક્ષેત્ર કાયમ માટે છોડી હું ગુજરાતીની અધ્યાપક થઈ ત્યારે મનમાં છપાયેલા નામનું ભારે આકર્ષણ હતું. પણ ‘આપણું નામ થોડું છપાય? એ તો લેખક હોય તેનું છપાય.’ એવી ખબર હતી. 1992માં સમરસેટ મોમની એક લાંબી વાર્તાનો અનુવાદ કર્યા પછી મનમાં મૂંઝાતી હતી. મારા જેવા નવા નિશાળિયાની વાર્તા કોણ છાપશે? શિરીષ પંચાલે ‘કંકાવટી’ને મોકલવા કહ્યું અને મારા આશ્ચર્ય વચ્ચે વાર્તા છપાઈ ! પછી તો ‘કંકાવટી’ સાથેનો નાતો એના છેલ્લા અંક સુધી જળવાઈ રહ્યો. મારી સાહિત્યિક સફરના અનિલ (19-02-1919 થી 29-08-2013) સાચા સાથીદાર. ‘કંકાવટી’ના બારે-બાર અંકમાં લખ્યું હોય કે અનિલે પરાણે લખાવ્યું હોય એવું અનેકવાર બન્યું. મારા 80% અનુવાદો (80 પાનાં જેટલા લાંબા) અનિલે છાપ્યા. ‘કંકાવટી’ની ફાઇલોમાંથી પસાર થનાર અભ્યાસી જાણી શકશે કે સાહિત્યજગતનાં થંભેલાં જળ ડહોળવાનું કામ આ સામયિકે સતત કર્યું હતું. 1992માં કુદરત નોકરી અર્થે મને સુરત લઈ આવી. શહેર સાવ અજાણ્યું. વડોદરાના મિત્રો, ત્યાંનો માહોલ બધું ગળે વળગે, મન રોજ સુરત છોડી ભાગી જવાના ઉધામા કરે અને હું નાસીને તાપીના સામા કાંઠે રહેતા ‘અનિલ’ને ત્યાં દોડી જાઉં. ઘણીવાર તો અઠવાડિયામાં ત્રણ-ચાર સાંજ ‘અનિલ’ને ત્યાં મીઠી મધ જેવી ચા પીધી હોય એવું પણ યાદ છે. સોડા બાટલીના કાચ જેવા જાડાં ચશ્માં, કાયમ ઈસ્ત્રી વગરના લેંઘો-સદરો પહેરેલા ‘અનિલ’ (રતિલાલ રૂપાવાળા નામ તો કેટલાને ખબર હશે?) નાક સાથે, કપડાંને, ચાદરને છીંકણી સુંઘાડતા ખાટલામાં વચ્ચોવચ્ચ બેસીને કંઈ લખતા-વાંચતા હોય કાયમ. હું જાઉં એટલે રંગમાં આવી જાય. વાતોના તડાકા મારતા અનિલ અતીતના ઓવારે આંટા મારવા ચાલી નીકળે. સૌથી વધુ વાતો જયંતિ દલાલની, પછીના ક્રમે સુરેશ જોષી, જયંત કોઠારી અને પછીના ક્રમે આઝાદી માટેના જંગમાં વેઠેલ જેલવાસ, ત્યાં થયેલું વ્યક્તિત્વ ઘડતર અને ગઝલ તથા મુશાયરાપ્રવૃત્તિની, રઝળપાટની વાતો... આમાં કોઈ ક્રમ કે વિષય નક્કી નહીં. વિચારતરંગ જે દિશામાં લઈ જાય ત્યાં વહી નીકળે બે-ત્રણ કલાક સુધી... આ વાતોમાં વિખરાતા, વિસરાતા સંબંધોની પીડા પણ ભળતી જાય. જિંદગીના આખરી પડાવ પર બેઠેલ અનિલ કેટકેટલાં વ્યથા અને વિષાદ સાચવીને બેઠા હતા એ એની પાસે બેસનારને જ સમજાય. માત્ર બે જ ધોરણ ભણેલી વ્યક્તિ, કારમી ગરીબી વેઠી, જરીના કારખાનામાં કામ કરતાં કરતાં ગઝલના કુછંદે ચડે, છંદો પાકા કરે, મુશાયરાપ્રવૃત્તિ તથા ગઝલસ્વરૂપ બેઉના વિકાસમાં પાયાના પથ્થર બની રહે, હજારો ચાંદરણાં લખે, એકલા હાથે ‘કંકાવટી’ જેવું શુદ્ધ સાહિત્યિક સામયિક 42 વર્ષ સુધી ચલાવે, અને જિંદગીના છેલ્લાં વર્ષોમાં નિબંધો લખી કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પોંખાય એ જરાક ચમત્કાર જેવું લાગે. પણ આપણા સદ̖નસીબે સાહિત્યના ઇતિહાસમાં આવા ચમત્કારો થતા રહ્યા છે. ‘અનિલ’ની સર્જનયાત્રા વિશે વિચારીએ ત્યારે એક વાત સાથે સંમત થવું પડે કે સર્જક જન્મે, બને નહીં. બે ધોરણ જેટલું અલ્પશિક્ષણ, આઠ વર્ષની ઉંમરે આખા કુટુંબનો ભાર ખેંચતા થઈ ગયેલા ‘અનિલ’ જરીના કારખાને જોતરાયા. જરીકામની કાળી મજૂરી કરતો આ માણસ જીવનની પાઠશાળામાં ઘડાયો છે. એમની જીવનયાત્રાના મુખ્ય ત્રણ પડાવ : 1942ની લડત દરમિયાન છ મહિનાનો જેલવાસ, ‘પ્યારા બાપુ’ના સંપાદન નિમિત્તે પાંચ વર્ષનો ગિરનારવાસ અને પછીથી ‘ગુજરાતમિત્ર’ તથા ગઝલકારોનો સહવાસ. જેલવાસ દરમિયાન વિદ્વાનોને સાંભળ્યા, ઘણું બધું વાંચ્યું-વિચાર્યું અને જાણે કે ત્રીજું નેત્ર ખૂલી ગયું. નવનવોન્મેષશાલિની પ્રજ્ઞાએ ત્રીજું નેત્ર ખોલ્યું એ પછી અનિલે પાછું વળીને જોયું જ નથી. આપબળે ઘડાયેલા આ માણસ માટે ‘તું જ તારા દિલનો દીવો થા’ વાળી વાત સાવ સાચી છે. ગુજરાતી ગઝલનો ઇતિહાસ, એના ઉતાર-ચડાવ, અવગણાયેલા શાયરો, મુશાયરાપ્રવૃત્તિ વગેરે વિશે વાતો કરતા અનિલ મને કાયમ ઇતિહાસનાં વણલખ્યાં પાનાં જેવા લાગ્યા છે. ગુજરાતી ગઝલની એમણે કરેલી શાસ્ત્રીય ચર્ચાઓની કિંમત તો કોઈ વિગતે અભ્યાસ કરશે ત્યારે થશે. ગુજરાતી ગઝલ અને મુશાયરાપ્રવૃત્તિનો અનિલ જીવતો-જાગતો ઇતિહાસ હતા એવું કહેવામાં જેને અતિશયોક્તિ લાગતી હોય એમણે ‘સફરના સાથી’ પુસ્તક જોવું. (મારા આઠેક મહિના ગયેલા આ પુસ્તક પાછળ પણ આવા અમૂલ્ય પુસ્તકમાં નિમિત્ત બન્યાનો આનંદ આજેય છે.) અનેક સામયિકોની ચડતીપડતી જોઈ ચૂકેલા અનિલ સાહિત્યિક પત્રકારત્વક્ષેત્રે અનોખી ઘટના રહેવાના. એમણે કેટલાં સામયિકો ચલાવ્યાં? ‘કિતાબ’, ‘બહાર’, ‘પ્યારા બાપુ’, ‘પ્રજ્ઞા’ અને ‘કંકાવટી’. કટોકટીભરી આર્થિક, શારીરિક અને માનસિક હાલતમાં અનિલે ‘કંકાવટી’ જેવા શુદ્ધ સાહિત્યિક સામયિકને લગાતાર 42 વર્ષ સુધી નિયમિતપણે ચલાવ્યું એ ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની અભૂતપૂર્વ ઘટના છે. ‘કંકાવટી’ બંધ કરવાની વેળાએ અનિલની પીડા જોઈ શકાતી ન હતી. ખુવાર થઈને પણ ધરાર એમને એ ચલાવવું હતું. અને એ ખુવારી અમારા જેવા જોઈ શકતાં ન હતાં. માર્ચ, 2006માં ‘અનિલ’ના કાળા કકળાટ છતાં મેં અને બકુલ ટેલરે ‘કંકાવટી’નો છેલ્લો અંક સંપાદિત કર્યો. અનિલે ત્યારે લખ્યું હતું : ‘હું ગુજરાતી ભાષામાં એક ટોટલ સાહિત્યિક સામયિક જોવા માગું છું. દીવાદાંડી કંઈ પાંચપચીસ ન હોય, પણ એક તો હોવી જોઈએને?’ ભગવતીકુમાર શર્માએ ‘કંકાવટી’ને ગુજરાતી સાહિત્યની એક વિરલ ઘટના કહેલી તો નરોત્તમ પલાણે આ અંતિમ અંકમાં લખ્યું હતું : ‘કદાચ કોઈ અર્જુન ગુજરાતી સામયિકને એની વિભૂતિમત્તા વિશે પૂછે તો એનો ઉત્તર હોય : ‘ગુજરાતી સામયિકોમાં હું ‘કંકાવટી’ છું.’ ‘તુલસી અને ડમરો’, ‘રસ્તો’, ‘અલવિદા’ જેવા ગઝલસંગ્રહો આપનારા અનિલના અમુક શે’ર તથા મુક્તકો પ્રજામાનસમાં કાયમ જીવવાના. ગુજરાતી ગઝલને લોકપ્રિય બનાવનાર, મુશાયરાપ્રવૃત્તિને વેગ આપનાર ચળવળકાર તરીકે એમને કાયમ યાદ કરાશે. ગઝલના છંદો એવા પાક્કા કે એમનાથી વધુ જાણીતા થયેલા ઘણા ગઝલકારોની ગઝલો અનિલે મઠારી આપેલી એ જાણકારો જાણે જ છે. ‘નિબંધ લખું છું’ એવી સભાનતા વગર અનાયાસપણે લખાયેલા અનિલના નિબંધોને જ્યારે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે પુરસ્કારો પરથી ઊઠતો જતો મારો વિશ્વાસ પાછો આવેલો. અનિલે ત્યારે કહેલું, ‘પહેલાં મોટી લાઇટ થાય, પછી નાની લાઇટ થાય.’ ને બરાબર એવું જ થયું. રાષ્ટ્રીય સ્તરે પોંખાયા પછી અનિલને વલી ગુજરાતી ઍવોર્ડ, કલાપી પુરસ્કાર, સચ્ચિદાનંદ સન્માન, નર્મદ ચંદ્રક ઉપરાંત બીજા અનેક નાનાં-મોટાં ઇનામો પણ મળ્યાં. ‘આટાનો સૂરજ’ ઉપરાંત હવે તો અનિલના નિબંધસંગ્રહોની સંખ્યા નવ ઉપર છે. ‘ચાંદરણાં’માં ઘૂંટાઈને ઘટ્ટ બનેલા ગદ્યે અનિલના નિબંધોને એવું લાઘવ બક્ષ્યું છે કે એમના નિબંધો ભાગ્યે જ બે-અઢી પાનાંથી લાંબા છે. અનિલના નિબંધો ગુજરાતી નિબંધોમાં નોખી ભાત પાડનારા છે. એમના ગદ્યની નિજી મુદ્રા છે. આ નિબંધોમાં અતીતરાગ છે પણ એ રંગરાગી અતીતરાગ નથી. અહીં ઝીણી નજરે જે કંતાયું છે એમાં ધીરે ધીરે અદૃશ્ય થતું જતું પદાર્થજગત, સંબંધોની હૂંફથી ભર્યું ભર્યું લાગતું નગરજીવન છે. આ નિબંધોમાં ભરપૂર જિવાયેલું પણ હવે ખોવાઈ ગયેલા જીવનનું ઝીણી નજરે થયેલું નકશીકામ છે. જરીકામના આ કારીગરે ગદ્યનું પોત પણ એટલી જ કાળજીથી વણ્યું છે. તાણો ને વાણો... એક પણ તાર ન તૂટવો જોઈએ, ન ખેંચાવો જોઈએ એની અનાયાસ કાળજી લેવાઈ છે એટલે આ રેશમ જેવા ગદ્યની નિજીમુદ્રા આપણા મન પર કાયમી સુંવાળપ છોડતી જાય છે. બદલાતા જીવનરંગોને એક તટસ્થ દૃષ્ટાની જેમ જોતા અનિલ ગતકાળ અને વર્તમાનને બાજુબાજુમાં મૂકી આપે છે ત્યારે એક ધબકતું, ભરપૂર જીવન ખોવાઈ ગયાની પીડા એમના એકલાની નથી રહેતી પણ આપણા સૌની થઈ જાય છે. અનિલના નિબંધોમાં ભાવકની સંડોવણી છે, પણ આ સંડોવણી ભાવક સાથે ગોઠડી માંડી હોય એ પ્રકારની નથી. અહીં તો ભાવક પણ પોતાના આંતરમનમાં ડૂબકી મારી જાય, પોતાના ખોવાઈ ગયેલા જગતની પાછળ નીકળી પડે એ પ્રકારે થયેલી જાત સાથેની વાત છે. અહીં જે પ્રગટ થયું છે તે નિજમાં ડૂબ્યા પછીનું લાધેલું જગત છે. અનિલના નિબંધોમાં હળવાશની સાથે સાવ અનાયાસ ઉપદેશકના વેશમાં પ્રવેશ્યા વગર ચિંતનની પાતળી સરવાણી વહેતી રહે છે. આ ચિંતનનો જરાય ભાર નથી લાગતો કારણ કે એ એમના જીવન અનુભવના નિચોડરૂપે પ્રગટ થયું છે. મને હંમેશાં લાગ્યું છે કે અનિલ વધુ નો’તા ભણ્યા એનો એમના નિબંધોને ફાયદો થયો છે. એટલે જ અહીં દુનિયાભરના વિદ્વાનોના અવતરણોનાં લટકણિયાં નથી, દુનિયાને સુધારી નાખવાના ધખારા નથી. ‘મને કોણ સાંભળે કે ગાઉં?’ એવો વિષાદ પવનને ન હોય, અનિલને પણ કદી ન હતો. અનિલના નિંબધોમાં જે ખાલીપો, એકલતા, ઝુરાપો છે તે આયુષ્યના અવશેષે પહોંચેલા વિજનપથના લગભગ તમામ યાત્રીઓનો હોવાનો. વયોવૃદ્ધ, એકલા, સફરના સાથીઓ વગરના ‘અનિલ’ વર્ષોથી મૃત્યુની રાહ જોઈને બેઠા હતા. જ્યારે પણ મળવા જાઉં ત્યારે ‘બસ, હવે આ છેલ્લી વારની વાતો... હવે કદાચ નહીં મળીએ...’ એવું અચૂક કહે... પુસ્તકો આપી દેવા કબાટ પાસે જાય, પણ આપતાં જીવ કદી ન ચાલે... છેલ્લાં થોડાંક વર્ષોથી હું હસીને કહેતી, ‘દાદા, મને લાગે છે કે મારી મૃત્યુનોંધ તમારા હાથે જ લખાવાની...’ પણ સાચો ફકીર એવા અવળા ક્રમને કેમનો માન્ય રાખે? રખેને હું એમને એમને સાચા પાડું એવા ડરે 29-08-2013ની બપોરે અનિલ વર્ષોથી અધૂરા રસ્તાને પૂરો કરવા સ્વર્ગની વાટે નીકળી જ પડ્યા. વણલખાયેલા ઇતિહાસના પાનાં જેવા ‘અનિલ’ પોતાની સાથે કેટલીયે વાતો, ચર્ચાઓ પણ લેતા ગયા એ ખોટ ગુજરાતી સાહિત્યની. એક એવો અવકાશ ઊભો કરતા ગયા અનિલ, જે માત્ર એ જ ભરી શકતા... અલવિદા દાદા...