ચિત્રકૂટના ઘાટ પર/અથ મૂર્ખપ્રશંસા

અથ મૂર્ખપ્રશંસા

‘એથેન્સનગરમાં ડાહ્યામાં ડાહ્યું કોણ છે?’ એવા એક પ્રશ્નના જવાબમાં સોક્રેટીસે કહેલું : ‘હું.’

પોતાના આવા ઉત્તરથી નવાઈ પામનારાઓને એણે તરત કહ્યું : ‘આખા એથેન્સમાં હું એક માત્ર એવો છું, જે પોતે કાંઈ જાણતો નથી એટલું તોએ જાણે છે, જ્યારે બીજા લોકો એટલું પણ જાણતા નથી કે તેઓ કાંઈ જાણતા નથી.’

સોક્રેટીસને મતે ડાહ્યાની એક વ્યાખ્યા એવી છે ‘જે કંઈ નહીં તો પોતાની અજ્ઞતાને જાણે છે.’ પણ ઘણા લોકો પોતાની અજ્ઞતા જ જાણતા નથી અથવા સ્વીકારવા તૈયાર નથી.

‘કેવો મૂર્ખ છું હું?’ – એક વાર મિત્રમંડળી વચ્ચે મારી કશીક બેવકૂફી સમજાતાં હસતાં હસતાં હું બોલી ઊઠ્યો.

‘તે તમને આજે જ ખબર પડી?’ એમ તરત પ્રતિઘોષ પાડી એક ચબરાક મહિલાએ મિત્રમંડળીનું હાસ્ય અને તાળીઓ ઉઘરાવી લીધી. હું પણ એ હસવામાં જોડાયો, પણ મેં જોયું કે હું અંદરથી ઘવાયો હતો. એક કારણ એ તો ખરું કે, એક મહિલા દ્વારા મારી મઝાક થઈ હતી. એ આમ તો હંમેશાં તારીફ કરતી. કદાચ એ એવું ન પણ માનતી હોય કે સાચે જ હું મૂર્ખ છું, પણ એક ચતુર ઉત્તર આપવાનો મોકો એમણે જવા ન દીધો હોય.

જે હોય તે, હું વિચારવા લાગ્યો : કોણ મૂર્ખ નથી? દુનિયામાં સૌ કોઈ મૂર્ખ છે, પરંતુ મૂર્ખની વ્યાખ્યા શી? પ્રમાણિત મૂર્ખ કોને કહેવાય?

ભોજ રાજાને આ બાબતે કદાચ મારા કરતાંય વધારે આઘાત લાગ્યો હશે. એક વાર તેમના અંતઃપુરમાં એમની બે રાણીઓ એકાંતમાં બેસીને વાતો કરતી હતી ત્યાં, ખબર આપ્યા વિના એ પહોંચી ગયા અને એક રાણીએ હસીને આવકાર્યા :

‘સ્વાગતમ્ મૂર્ખરાજ!’

‘મૂર્ખરાજ’ – રાજા ભોજ તો પટરાણીના આવા સ્વાગત સંબોધનથી ઘા ખાઈ ગયા. બીજું કોઈ હોત તો તરત મ્યાનમાંથી તરવાર નીકળી પડી હોત, પણ આ તો રાજા ભોજ હતા. પોતાની કલાકોવિદ પટરાણીએ આવા શબ્દો વાપર્યા છે, તો કંઈક રહસ્ય હશે એમ સમજી ચૂપ રહ્યા. વાત વધવા ન દીધી. પણ કોયડો તો ઉકેલવો જ રહ્યો : ‘મને મૂર્ખરાજ કહ્યો? – મને? મારી પ્રિય રાણીએ?’

બીજે દિવસે દરબારમાં ગયા. રત્નો બેઠેલાં હતાં. પણ મૂર્ખરાજનું રહસ્ય કેવી રીતે પૂછવું? બધી વાત કહે તો ઉઘાડા પડી જવાય. ત્યાં કવિ કાલિદાસ ખભે ખેસ નાખીને પ્રવેશ્યા કે તરત જ રાજા ભોજે આવકાર્યા :

‘સ્વાગતમ્ મૂર્ખરાજ.’

આખી સભા તો સ્તબ્ધ. કાલિદાસ પણ ક્ષણેક તો હબક ખાઈ ગયા, પણ એ તો પ્રત્યુત્પન્નમતિ – હાજરજવાબી – હતા. એમનેય લાગી ગયું કે, કંઈક રહસ્ય છે ખરું, એટલે પછી બોલ્યા :

ખાદન્ન ગચ્છામિ હસન્ન જલ્પે

ગતં ન શોચામિ કૃતં ન મન્યે

દ્વાભ્યાં તૃતીયો ન ભવામિ રાજન્

કિં કારણં ભોજ, ભવામિ મુર્ખઃ?

હે રાજન, હું ખાતાં ખાતાં ચાલતો નથી કે હસતાં હસતાં બોલતો નથી, ગયેલાનો શોક કરતો નથી કે કરી દીધું હોય એને યાદ કરતો નથી અને એકાંતમાં બે જણ હોય ત્યાં એકદમ ત્રીજો થઈને પેસી જતો નથી, તો પછી, હે ભોજ, હું કયા કારણે મૂર્ખ છું?

બસ, કાલિદાસના આ ઉત્તરથી (કે પ્રશ્નથી) ભોજનો કોયડો મનોમન ઊકલી ગયો કે ભલે પોતાની પણ બે રાણીઓ એકાંતમાં બેઠી હતી અને પોતે ત્રીજા થઈને ઘૂસી ગયા એ વિવેકહીનતાને કારણે જ ચતુર રાણીએ કહ્યું હતું: ‘મૂર્ખરાજ.’

પરંતુ આ સિવાય મૂર્ખ, પ્રમાણિત મૂર્ખ થવા માટેનાં કેટલાંક બીજાં લક્ષણો પણ કાલિદાસની સૂચિમાં આવી ગયાં. આપણે આત્મનિરીક્ષણ કરી શકીએ કે, આમાંથી કોઈ લક્ષણ આપણને પોતાને લાગુ તો નથી પડતું ને?

સમ્રાટ ભોજની જેમ શહેનશાહ અકબરે પણ એક વાર પોતાના દરબારમાં મૂર્ખપ્રકરણ ઉઘાડ્યું હતું. એકાએક એમણે બિરબલને આજ્ઞા કરી : ‘આ દિલ્હીનગરમાંથી મને અત્યારે ને અત્યારે દશ મૂર્ખ લાવી આપ.’

(આજના દિલ્હીના વાતાવરણમાંથી દશ તો શું ઘણાબધા મળી રહે.)

દરબાર સ્તબ્ધ. બાદશાહને આ શું સૂઝ્યું? ડાહ્યા માણસો જોઈતા હોય તો આખો દરબાર ભરાયો છે. પ્રમાણિત નવરત્નો તો છે, પણ મૂર્ખ? અને તે પણ દશ મૂર્ખ?

બિરબલે મહેતલ માગી. જેને રીતસર મૂર્ખ કહેવાય એવા માણસો જલદીથી અને ક્યાંથી મળે? બિરબલ મૂર્ખાઓની શોધમાં નીકળી પડ્યો. એક માણસ ઘોડા પર બેઠો હતો. એણે પોતાને માથે ઘાસનો ભારો રાખ્યો હતો. બિરબલને નવાઈ લાગી. પૂછ્યું: ‘ભારો પણ ઘોડા પર કેમ નથી રાખતો?’

‘જોતા નથી, ઘોડો દૂબળો છે. અમારા બન્નેનો ભાર કેમ કરી ઊંચકી શકે?’ બિરબલને પ્રમાણિત મૂર્ખ મળી ગયો. નામ-સરનામું લખી લીધું. પછી એક દિવસ રાત વેળાએ એક માણસ બત્તીના અજવાળામાં કશુંક શોધતો હતો. એની પાવલી પડી ગઈ હતી. બિરબલે પણ શોધવા માંડી. પછી પૂછ્યું : ‘પાવલી ક્યાં પડી ગઈ છે?’ પેલા માણસે નિરાંતે કહ્યું : ‘પાવલી તો ત્યાં, પણે જ્યાં અંધારું છે ત્યાં પડી ગઈ છે, પણ અહીં દીવાનું અજવાળું છે એટલે અહીં શોધું છું.’ બિરબલે એનું પણ નામ-સરનામું લખી લીધું. આમ માંડમાંડ આઠ થયા. પછી એણે સૂચિ કરી અને દશ મૂર્ખની યાદીમાં સૌથી પહેલું નામ લખ્યું : શહેનશાહ અકબર અને બીજું નામ લખ્યું બિરબલ.

મહેતલ વીતે દરબારમાં એક પછી એક પ્રમાણિત મૂર્ખ રજૂ થયા. ‘આ તો આઠ થયા, બીજા બે ક્યાં?’ બાદશાહે પૂછ્યું. બિરબલે સૂચિ હાથમાં આપી. દશ મુર્ખાઓની યાદીમાં સૌથી પહેલું પોતાનું નામ જોઈ બાદશાહ તો રાતાપીળા થઈ ગયા. વળી બીજું નામ બિરબલનું. પરંતુ એય શહેનશાહ અકબર હતા. ગમ ખાઈ ગયા. કંઈક રહસ્ય હશે. બિરબલને પૂછ્યું : ‘આ આઠ તો બરાબર, પણ આ પહેલા બે?’

બિરબલે નમ્રતાથી કહ્યું : ‘જે માણસ મૂર્ખાઓની શોધ કરવાનો આદેશ આપે – રાજનાં બધાં મહત્ત્વનાં કામ છતાં – એને મૂર્ખની શ્રેણીમાં જ ગણવા પડે ને?’

‘તારું નામ આ સૂચિમાં કેમ છે?’

‘જે માણસ આવા આપના આદેશનું પાલન કરવા છ માસ શહેરની ગલીઓ-માર્ગોમાં મૂર્ખાઓની શોધમાં ભટકે એ પણ એ જ શ્રેણીમાં આવે ને?’

ભોજને પોતાની મૂર્ખામી સમજાઈ હશે. અકબરને પોતાની મૂર્ખામી સમજાઈ હશે, કારણ કે તેઓ એક રીતે તો ‘સમજદાર’ હતા, પણ આપણને આપણી મૂર્ખામી સમજાય છે ખરી?

ખરેખર તો ન સમજાય એ જ સારું. મૂર્ખ માણસ સુખથી જીવે છે અને લાંબુ જીવે છે એવું એક સંસ્કૃતકવિએ કહ્યું છે. એ કહે છે કે, ‘મૂર્ખત્વ સુલભ છે. એ મેળવવા બહુ મથવું પડતું નથી અને વળી એમાં આઠ ગુણ રહેલા છે, માટે મૂર્ખતાની ઉપાસના કરવી જોઈએ.’

(૧) મૂર્ખ નચિંત હોય છે, (૨) પેટ ભરીને ખાતો હોય છે, (૩) વાચાળ હોય છે, (૪) દિવસરાત સપનાં જોતો હોય છે, (૫) કરવા જેવાં કે ન કરવા જેવાં કામની બાબતમાં આંધળો અને બહેરો હોય છે, (૬) માનઅપમાનને સરખાં ગણતો હોય છે, (૭) મજબૂત શરીરવાળો હોય છે, (૮) મૂર્ણ નિરાંતે અને લાંબુ જીવતો હોય છે – મૂર્ખ ચિરં જીવતે.

સંસ્કૃતકવિએ મૂર્ખતાના ગણાવેલા ‘ગુણો’ બરાબર છે, પણ એ કવિએ આ શ્લોક લખ્યો છે ડાહ્યા માણસો માટે તેઓ આ સમજશે એમ માની. સંસ્કૃતમાં વ્યાજસ્તુતિ નામનો અલંકાર છે, જેમાં નિન્દા દ્વારા સ્તુતિ કરવામાં આવી હોય છે અથવા સ્તુતિ દ્વારા નિન્દા કરવામાં આવી હોય છે.

મિત્ર વિનોદ ભટ્ટને નિવેદન કે, આ હાસ્ય વ્યંગ્યનો લેખ નથી, ગંભીર પ્રકારનો લેખ છે.

[૧૬-૬-’૯૧]