ચિત્રકૂટના ઘાટ પર/નભ બને મારું મન

નભ બને મારું મન

જર્મન ભાષાના મહાન કવિ ગેટેએ પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં કહેલું :

‘બધી બારીઓ ખોલી નાખો પ્રકાશ, વધારે પ્રકાશ.’

(લાઈટ મોર લાઈટ.)

જીવનભર જે સર્જકે અનેકોના જીવનમાં શબ્દોનો પ્રકાશ પાથર્યો હતો, તેણે વધારે પ્રકાશની આકાંક્ષા કરી – આ ધરતી પરથી વિદાય લેતાં.

આપણા કવિવર ટાગોરે ગેટેના આ શબ્દો યાદ કરીને ઉમેર્યું કે, ‘પ્રકાશ, વધારે પ્રકાશ તો ખરો જ પણ તે સાથે અવકાશ, વધારે અવકાશ – સ્પેસ મોર સ્પેસ.’

આપણા પર ઝળુંબી રહેલું આકાશ એટલે ગેટેનો વધારે પ્રકાશ અને ટાગોરનો વધારે અવકાશ. આકાશ એટલે મુક્તિ અને મોકળાશ. રાત્રિ અને દિવસ, સુખ અને દુઃખ, જીવન અને મૃત્યુ. એના દ્વન્દ્વોની જેમ ધરતી અને આકાશનું દ્વન્દ્વ છે. આપણે ધરતી ઉપર છીએ અને ઉપર છવાયું છે આકાશ. ધરતીવાસી આપણે ગગનચારી થવા ઈચ્છીએ છીએ. ધરતીનો આપણને સઘન અનુભવ થાય છે : એને અડકી શકાય છે અને એ પણ આપણને અડકે છે, એટલું જ નહીં – આપણને ખેંચે છે, પોતા તરફ જો આપણે ગગનોન્મુખ બનીએ.

આ આકાશનો શો ગુણધર્મ હશે ભલા? વિજ્ઞાનીઓ કહે છે કે, આકાશ એ તો માત્ર ખાલી જગ્યા છે. વિજ્ઞાનનું એ સત્ય જાણેલું ત્યારે આઘાત લાગેલો. આકાશ તો ધરતી જેટલું ‘રિયલ’ સાચકલું હતું.

આકાશ એટલે અ-ભાવ નહીં. આકાશ હતો એક ભૂરો ચંદરવો – હજી પણ મને એ ચંદરવો જ અનુભવાય છે.

ઘણી વાર થાય છે કે આપણે જેને મન તરીકે ઓળખીએ છીએ એ પણ આ આકાશ જેવું છે. એ નથી, નથી ને છે. એ રીતે મન અને નભ વચ્ચે સામ્ય છે, એટલે તો ક્યારેક મારું મન નભ બની જાય છે.

મન જ્યારે નભ એટલે કે આકાશ બને છે ત્યારે તે દેશકાળની સીમાઓને વળોટી જાય છે. મન જે અનેક ઈચ્છાઓના બંધનમાં બંદી રહેતું હોય છે તે નભ બની જતાં એનાં બધાં બંધનો છેદાઈ જાય છે. એ વધારે પ્રકાશ અને વધારે અવકાશનો અનુભવ કરે છે. એ પ્રકાશોજ્વલ અવકાશ એક અનિર્વચનીય એવા આનંદનો અનુભવ કરાવે છે. એ આનંદ ઉપનિષદકથિત આનંદથી જરાય ઓછો નથી હોતો. તૈત્તિરીય ઉપનિષદના ઋષિએ કહ્યું છે :

કો હિ એવ અન્યાત્? કઃ પ્રાણ્યાત્

યદ્ એષ આકાશે આનન્દો ન સ્યાત્

જો આ આકાશમાં આનંદ ન હોત તો શ્વાસ પણ કોણ લેત? અને જીવવાને પણ કોણ રાજી થાત?

ખરેખર તો આ આકાશ જેમ વિશ્વાકાશ છે, તેમ હૃદયાકાશ પણ છે. એટલે મને નભ સમાન બની જાય છે ત્યારે તે આનંદનો અધિવાસ બની જાય છે.

પણ ઘણી વાર મારું આ આકાશ દૂરસુદૂરના ઉપનિષદ કાળનું નહીં, આજકાલનું સહજ સ્વાભાવિક બની જાય છે – મારા મન જેવું. રાત્રિ વેળાએ નભમાં અનંત નક્ષત્રો ટમકે છે. એ જાણે મારા મનમાં ટમકતી અનંત સ્મૃતિઓ છે – કોઈ ઉજ્વળ, કોઈ અસ્પષ્ટ. વળી, ક્યારેક અષાઢના ગગનમાં ‘મેઘ પર મેઘના ડુંગરા’ ડોલતા હોય. એક પણ તારો દેખાતો ન હોય એટલો ગાઢ અંધકાર છવાયો હોય ત્યારે મારા મનગગનમાં પણ ઘણી વાર વિષાદનો અંધકાર છવાય છે.

તેમ છતાં એકંદરે મારું મન નભ બને છે ત્યારે રાત્રે, દેદીપ્યમાન નક્ષત્રોથી ટમકે છે, દિવસે તેમાં પંખીઓ નિર્બાધ વિહાર કરે છે. એ નભ એટલે કે ભૂરો ચંદરવો ત્યારે પ્રકાશોજ્વલ આનંદનું અધિષ્ઠાન બની રહે છે.
*
માણસની ઇચ્છાઓનો તો કંઈ પાર નથી હોતો, પરંતુ મને ઘણી વાર જળમાં તરતી માછલી જોઈ, એની જેમ, ઊંડા જળરાશિમાં વિહાર કરવાની ઈચ્છા થઈ આવે છે. ચારેકોર પાણી અને એ પાણીમાં કશા જ ભાર વિના યથેચ્છ તરવાનો આનંદ હું મેળવી શકું તો કેવું? એવી રીત આકાશમાં ઊડતા પંખીને જોઈને, એની જેમ, અનંત આકાશમાં સેલારા મારવાની ઈચ્છા થઈ આવે છે. ધરતીથી ઊંચે કોઈ અંતરાય વિનાના અવકાશમાં નિશ્ચિંત બની ઊડી શકાતું હોત તો કેવું?

પણ આપણી પાસે પંખી જેવી પાંખો ક્યાં છે? એક ગ્રીક કલાકાર પોતાને મીણની પાંખો લગાડી આકાશમાં ઊડ્યો હતો, પણ ઊંચે સૂર્યના તાપથી મીણ ઓગળતાં એ નીચે ધરતી પર પટકાયો હતો. રામાયણમાં હનુમાનના ઊડવાની વાત આવે છે. આ પવનસુત બચપણમાં જ ઊગતા સૂરજને પાકું ફળ સમજી એ ખાવા માટે કે લેવા માટે ગગનમાં ઊડ્યા હતા, પણ ગભરાયેલા ઇન્દ્રના વજ્રથી ધરતી પર પાછા પછડાયા હતા. પછી સીતાની ભાળ કાઢવા દરિયો ઊડીને ગયેલા. સુંદરકાંડના કવિ વાલ્મીકિએ ઊડતા હનુમાનની સરસ કવિતા કરી છે. હનુમાન તો પાંખ લગાડ્યા વિના જ ઊડ્યા હતા.

માણસજાતે પંખીની જેમ ઊડવાની ઇચ્છાઓ કરી છે અને એની એ ઇચ્છામાંથી પવનપાવડી કે ઊડતી શેતરંજીની કથાઓ નીપજી છે. ગરુડવાહન વિષ્ણુની કલ્પના પણ એવી ઈચ્છાનું રૂપાંતર છે! છેવટે વિમાનની શોધ કરીને માણસ જંપ્યો. એ ઊડ્યો ખરો!

હમણાં અમારા ઘરમાં ચકલીએ માળો બાંધ્યો. ચકલા ચકલીના વારંવારના આવાગમનથી ઘર આખું ગતિશીલ બની ગયું. ચકલીએ ક્યારે ઈડાં મૂક્યાં અને એ ઈડાંમાંથી ક્યારે બચ્ચાં બહાર નીકળ્યાં તેની ખબર તો માળામાં વધેલા ચીંચીં અવાજોથી પડી. થોડા દિવસમાં તો ફર્‌ફર્‌ કરતાં એ બચ્ચાં આમતેમ ઊડવા લાગ્યાં અને એક દિવસ ઊડી પણ ગયાં. આજકાલનાં આ બચ્ચાં કેવાં તો ઊડ્યાં! એ પેલા ઝાડ પર જઈને બેઠાં અને પછી આકાશમાં ઊડી ગયાં! હું એમને જોતો રહી ગયો. આવું તો અનેક વાર થાય છે. ક્યારેક તો જાણે એ ઊડતાં પંખી સાથે હુંયે ગગનમાં ઊડવા લાગું છું, પાંખ વિના.

ના, પાંખ વિના નહીં. પાંખો ખરી જ, પણ કલ્પનાની. ઊડવા માટે એ પાંખો ફફડાવવી પડતી નથી કે શરીરને ગગનમાં વહાવવું પડતું નથી. આપણે તો જ્યાં બેઠા હોઈએ ત્યાં જ બેઠા હોઈએ અને કલ્પનાની પાંખો પર ચઢી મન તો ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાંનું ક્યાં ઊડવા લાગે છે. એ માટે તો વિમાનની પાંખોની પણ જરૂર નહીં.

કવિઓ જ કલ્પનાની પાંખે વિહાર કરે છે એવું નથી, આપણે સૌ વિહાર કરી શકીએ છીએ. કવિની કલ્પના સર્જનાત્મક હોય, એટલે એ માત્ર ઊડે એટલું જ નહીં, નીચે જુએ અને એની વાત કરે. કાલિદાસે પુષ્પક વિમાનમાંથી રામ દ્વારા ગગનમાં ઊડતાં નીચેના ધરતી લોકનું અને તેમાંય ગંગા-યમુનાના સંગમનું અદ્‌ભુત વર્ણન કર્યું છે. કાલિદાસ તો પછી મેઘની પાંખે ચઢી ગગનમાં સુંદર નદીઓ, નગરો, નારીઓ જોતા ઊડે છે.

કાલિદાસ રાજા પુરુરવા કે દુષ્યંતના ગગનચારી રથમાં પણ ઊડે છે અને પછી નીચેની પૃથ્વીનું દર્શન કરતાં કહે છે : ‘અહો ઉદાર રમણીયા પૃથિવી’ આપણી પાસે મન છે, કલ્પના છે એટલે પાંખ વિના ઊડવાની આદત પડી જાય છે. કવિઓ, કલાકારો તેમાં મદદ કરે છે. દરવાજા બંધ હોય તેમ છતાં કલ્પનાની પાંખે તો ઊડી શકાય છે. કલ્પના માનવી દેહનાં બંધનોમાંથી આપણને મુક્ત કરે છે. આપણે હનુમાનની જેમ, સેલારા મારતી સમડીની જેમ, વર્ષાના મેઘની જેમ અનંત અવકાશની મોકળાશમાં વિહાર કરીએ છીએ.

ટાગોરના શબ્દોમાં ગાવા લાગીએ છીએ :

મન મોર મેઘેર સંગી,

ઉડે ચલે દિગ્‌દિગન્તરે પાને.

મારું મન મેઘનું સંગી બનીને દિગ્‌દિગન્ત તરફ ઊડી જાય છે. નિઃસીમ આકાશમાં શ્રાવણના વર્ષણ સંગીતમાં રિમઝિમ રિમઝિમ કરતું, મારું મન હંસબલાકાની પાંખોમાં ઊડી જાય છે!

[૨૯-૧૦-૯૫]