ચિત્રકૂટના ઘાટ પર/મેઘપ્રિયા:
આકાશમાં જે મેઘ પર મેઘના ડુંગરા ડોલી રહ્યા છે, એ જ મેઘ ધરતી પર બન્ને કાંઠે છલકાતી નદીઓ રૂપે પ્રચંડ વેગથી વહી રહ્યા છે. અત્યારે બધી નદીઓ તેમના ભરપૂર યૌવનમાં સંયમની પાળ તોડવામાં પાછું વળીને જોતી નથી. ભયજનક સપાટીએ વિનાશક પૂર લઈ ભારત વર્ષની બધી નદીઓ આ દિવસોમાં વહી રહી છે.
આ નદીઓને વેદોના ઋષિકવિ વિશ્વામિત્રે દોડતી ધેનુઓ સાથે સરખાવી છે. આ વૈદિક કવિ હોય કે દુનિયાની કોઈ પણ ભાષાનો કોઈ અર્વાચીન કવિ હોય, નદીને જોઈને તેને અવશ્ય કવિતા સ્ફુરી હશે. વહેતી નદીને જોઈને અકવિ પણ કવિ જેવી કલ્પના કરવા લાગી જાય, તો પછી જે કવિ હોય તેનું તો પૂછવું જ શું?
આ ધરતીના પટ પર કેટલી બધી નદીઓ વહે છે? વર્ષાઋતુના ચાર-આઠ દિવસ માટે વહેતી થયેલી નદીથી માંડી પ્રચંડ જલૌધ સાથે વહેતી બ્રહ્મપુત્ર કે એમેઝોન જેવી નદીઓનાં નામોનો પણ ક્યારેક નવરાશની પળોમાં વિચાર કરવા બેસીએ તોયે કલ્પનાતરંગે ચઢી જવાય. ખરેખર તો, આ બધી નદીઓ છે, તો માનવસંસ્કૃતિઓ છે. બધી સંસ્કૃતિઓ કોઈ ને કોઈ નદીને કાંઠે વસી અને વિસ્તરી છે.
કવિઓએ, કલાકારોએ નદીઓમાંથી એટલી પ્રેરણા મેળવી છે કે, એ વિશે ગુણગાન કરતાં એ થાકતા નથી. એ પછી કોઈ આદિમ કવિની અર્ધસ્ફુટ વાણીમાં હોય કે કોઈ કાલિદાસની સુસંસ્કૃત રમ્ય પદાવલિમાં. ચેસ્લો મિલોઝ નામના ઝેક કવિની નદીઓ વિશેની એક કવિતા નોંધપોથીમાં ઉતારી લીધી હતી તેની પંક્તિઓનું પણ સ્મરણ થાય છે.
જુદે જુદે નામે મેં તમારી જ સ્તુતિ કરી છે, હે નદીઓ!
તમે દૂધ છો અને મધ છો
તમે પ્રેમ છો અને મૃત્યુ છો અને નૃત્ય છો…
નદીને દૂધ, મધ, પ્રેમ કે મૃત્યુ કહેવામાં કવિએ જાણે કોઈ અતિશયોક્તિ કરી નથી. હા, આપણને ખરેખર લાગે છે કે નદી દૂધ છે, મધ છે, પ્રેમ છે અને મૃત્યુ છે – અને હા દરેક નદી એક નૃત્ય પણ છે.
આજે વર્તમાનપત્રમાં વાંચું છું : નાની નાની નદીઓ પણ છલકાઈ રહી છે, અને તેમાંય નર્મદાએ તો ગરૂડેશ્વર આગળ અને ગોલ્ડનબ્રિજ આગળ ભયજનક સપાટી વટાવી દીધી છે. એ વાંચતાં જ નર્મદાનાં વિવિધ રૂપો નજર સામે તરવરે છે. આ બધી નદીઓને અતિ પ્રાચીન યુગમાં ઋષિઓએ જોઈ હતી, કોઈ કોઈ નદીને તો કોઈએ કોઈ ઋષિની પુત્રી તરીકે પણ ઓળખાવી દીધી હતી. જેમ કે જહ્નુ મુનિની તે જાહ્નવી ગંગા.
આપણી આ નદીઓને કવિ વાલ્મીકિએ જોઈ છે, કવિ કાલિદાસે જોઈ છે અને એમણેય મિલોઝની જેમ જુદે જુદે નામે એમની સ્તુતિ કરી છે. તેમાંય મને આ મેઘભીના દિવસોમાં કાલિદાસે કરેલી નદીવર્ણનાઓ યાદ આવે છે. ઘણી વાર થાય કે, કાલિદાસે હિમાદ્રિની તળેટીમાં વહેતી માલિનીનો તટ ન લીધો હોત તો દુષ્યંત શકુંતલાની પ્રેમચર્યા આટલી પ્રભાવક ન હોત. એટલે તો વીંટી મળી આવ્યા પછી જાગેલા શકુંતલાના વિરહથી ક્લાન્ત અને ઉદ્ભ્રાંત દુષ્યન્ત પરિતાપમથિત પોતાની વ્યાકુળતા ઓછી કરવા જ્યારે શકુન્તલાનું ચિત્ર દોરવા પ્રયત્ન કરે છે, ત્યારે ચિત્રની પૃષ્ઠભૂમિમાં જેના સૈકત પટ પર હંસયુગલો છે, એવી માલિની ચીતરવા માગે છે :
કાર્યો સૈકતલીનહંસમિથુના સ્રોતોવહા માલિની,
(વેળુમાં ઢળી હંસજોડી – કરવી એવી નદી માલિની…)
આમ, વહેતી નદીઓ પ્રેમનું પ્રેરક બળ બની જાય છે.
પણ કાલિદાસે વ્યાકુળભાવે નદીઓને પોતાની જે એક કૃતિમાં વર્ણવી છે તે કૃતિ છે મેઘદૂત. આ દિવસોમાં મેઘદૂત ન વાંચનાર પણ મેઘદૂતની એટલે કે અકારણ વિરહભાવની મનોદશા અનુભવતો હોય છે. કાલિદાસના મેઘદૂતનો શાપિત વિરહી યક્ષ દક્ષિણના રામગિરી પર્વત પરથી કૈલાસના ખોળે વસેલી અલકાનગરીમાં રહેલી એની વિરહિણી પ્રિયાને મેઘ દ્વારા સંદેશો મોકલવા તત્પર થાય છે. એ જાણે છે કે વિરહ અવસ્થામાં નારીના મનની કેવી તો સ્થિતિ થઈ જાય, એટલે કે એનું હૃદય ક્યારે ફાટી પડે તે કહેવાય નહિ. આમ તો સંદેશો જલદી પહોંચે એ જરૂરી છે, તેમ છતાં સંદેશાના શબ્દો આપી એ યક્ષ એકદમ ઝડપથી મેઘને રવાના નથી કરી દેતો.
મધ્ય દક્ષિણથી છેક ઉત્તરે જવાનું છે – મેઘ એ દિશાથી આવી ઉત્તરે જ જઈ રહ્યો છે – એટલે યક્ષ મેઘને એના પ્રયાણને અનુરૂપ માર્ગ પહેલાં બતાવે છે, પછી સંદેશો કહે છે. ખરેખર તો યક્ષ દ્વારા કવિ કાલિદાસ જ એ માર્ગનું વર્ણન કરતાં કરતાં એ સમયના ભારતવર્ષની નદીઓ અને નગરો, જનપદવધૂઓ ને ઉજ્જયિનીની પુષ્પલાવીઓ અને ચંચલ નેત્રકટાક્ષ ફેંકતી નાગરિકાઓ – એ બધાંની વાત કરવા માગે છે. એક રીતે આ દેશની સુષ્મા અને સંસ્કૃતિનું સાયુજ્ય સિદ્ધ કરે છે.
યક્ષ દક્ષિણમાં રામગિરી પર રહ્યો છે અને અષાઢના પહેલા દિવસે મેઘને જુએ છે, ઘણાને મતે પહેલા દિવસે નહિ પણ છેલ્લા દિવસે – (પ્રશમ દિવસે). એ જે હોય તે, પણ એ સ્થળને વિદ્વાનો અત્યારના નાગપુરા પાસેના રામટેક ડુંગરને નામે ઓળખાવે છે. એટલે ત્યાંથી શરૂ કરી ઉત્તરે હિમાલય ઓળંગી કૈલાસની અલકાનગરી સુધીનો માર્ગ એને બતાવવાનો છે.
અહીં યક્ષકથિત એ માર્ગની વાત કરવા બેસીએ તો આખું મેઘદૂત આવી જાય, પણ આપણે તો આજે યૌવનમાં આવેલી નદીઓ સંદર્ભે વાત શરૂ કરી હતી, એટલે આપણી વાત યક્ષે અલકાનગરી સુધી પહોંચવાના બતાવેલા માર્ગમાં આવતી નદીઓ પૂરતી સીમિત રાખીએ.
યક્ષ તો રામગિરી ઉપર છે, મેઘ તો ઉપર આકાશમાં છે. યક્ષ એક રીતે બંદી અવસ્થામાં છે, ભલે આસપાસની પહાડીઓ અને આશ્રમોમાં જઈ શકતો હોય, પણ મેઘ તો એકદમ મુક્ત છે અને ઉપર આકાશમાં વિચરણ કરતો ઉત્તર તરફ જઈ રહ્યો છે. યક્ષ પોતે કલ્પનાની આંખે જોતાં જોતાં મેઘને માર્ગ બતાવે છે. ખરેખર તો એ જાણે શાપમુક્ત ન થઈ ગયો હોય એમ અલકા ભણી જવા મેઘની પાંખે બેસી ગયો છે કે પછી એ સ્વયં મેઘ થઈ જાય છે? એ યક્ષ કે કવિ કાલિદાસ?
રામગિરીથી મેઘ આગળ વધ્યો કે જે પહેલી નદી આવશે, તે કઈ? વિન્ધ્યની તળેટીમાં વિસ્તીર્ણ – વિન્ધ્યપાદે વિશીર્ણા રેવા – અર્થાત્ આપણી ચિરપ્રિય નર્મદા. કાલિદાસે કદી કલ્પના કરી હશે કે ૨૦મી સદીના અંત ભાગે ગુજરાતમાં નર્મદાનાં જળ વિશે આટલો વિવાદ થશે? એક બાજુએ એ જળ ભયજનક સપાટીએ વહી જઈ સમુદ્રમાં ઠલવાઈ જાય અને બીજી બાજુ કચ્છ, સૌરાષ્ટ્ર ને ઉત્તર ગુજરાત પાણી વિના ટળવળ્યા કરે!
પણ આપણે વર્તમાનની આ દુર્દશાની વાતને વ્યથાપૂર્વક દબાવી, કાલિદાસના યક્ષે જોયેલી નર્મદાની વાત કરીએ. પાકેલાં આમ્રવૃક્ષોથી છવાયેલ અને હવે મેઘના અડવાથી મધ્યેશ્યામ અને આજુબાજુ પાંડુ વિસ્તાર ધરાવતા ધરતીના સ્તન જેવો લાગતો આમ્રકુટ પર્વત વટાવી મેઘ જેવો જરાક આગળ જશે કે એ વિન્ધ્યગિરીનાં ચરણોમાં ઊંચીનીચી શિલાઓ પર અનેક ધારાઓમાં વિખરાઈને વહેતી નર્મદાને જોશે. એ નર્મદા કેવી દેખાશે? જાણે વિન્ધ્ય પર્વતરૂપી હાથીના અંગે વાંકીચૂંકી વેલની ડિઝાઈન ચીતરી હોય એવી.રેવાં દ્રક્ષ્યસ્યુપલ વિષમે વિન્ધ્યપાદે વિશીર્ણાં
ભક્તિચ્છેદૈરિવ વિરચિતો ભૂતિમંગે ગજસ્ય…
મેઘ ત્યાંથી આગળ જશે એટલે માળવાનો વિસ્તાર શરૂ થશે. યક્ષ મેઘને કહે છે કે, માળવાની વિદિશા નગરી પાસે વહે છે વેત્રવતી નદી. એ વેત્રવતી નિકટ જતાં કામી એવા તને તારી કામુકતાનું ફળ તરત મળી જશે. અહીં આપણને ખબર પડે છે કે મેઘ અને નદીનો સંબંધ પ્રેમી અને પ્રિયતમા જેવો છે. મેઘ પ્રેમી છે, નદી પ્રિયતમા.
વિરહી યક્ષને નદી એટલી નારી દેખાય છે, એટલે એ મેઘને કહે છે : તું એ વેત્રવતીનું મીઠા અધરરસ જેવું વારિ પીજે.તેષાં દિક્ષુ પ્રથિતવિદિશાલક્ષણાં રાજધાનીં
ગત્વા સદ્યઃ ફલમવિકલં કામુકત્વસ્ય લબ્ધ્વા
તીરોપાન્તસ્નતિત સુભગં પાસ્યસિ સ્વાદુ યત્તત્
સભ્રુભઙ્ગમ્ મુખમિવ પયો વેત્રવત્યાચર્લોમિ ।
‘મેઘદૂત’ના ગુજરાતી અનુવાદક અને ટીકાકાર આપણા કિલાભાઈ ઘનશ્યામ કહે છે કે, કવિએ મેઘને કામી નાયક અને વેત્રવતીને વિલાસિની નાયિકા કલ્પી છે.
આ વેત્રવતીને વિદિશાની સીમમાં વહેતી અમે પણ જોઈ છે – અને એનું ‘મીઠું પાણી’ પીધું છે. એનું એ પ્રાચીન નામ હવે નથી, એનું નામ તો હવે બેતવા છે એ ખરું.
એ પછી યક્ષ મેઘને રસ્તો વાંકો પડે, તેમ છતાં ઉજ્જયિનીને માર્ગે જવા કહે છે. કાલિદાસ પોતે ઉજ્જયિનીના રાજકવિ હતા અને મેઘ ઉજ્જયિનીની લોલાપાંગી નગરસુંદરીઓ જોયા વિના આગળ વધી જાય તો કેટલું બધું ગુમાવવાનું થાય? પણ ઉજ્જયિની પહોંચ્યા પહેલાં આવશે નિર્વિન્ધ્યા નદી. કાલિદાસને ગુજરાતીમાં ઉતારતાં કિલાભાઈ કહે છે તેમ –
‘જળના તરંગોથી ઊડીને વાગતી ઘૂઘરી જેવા મંજુલ સ્વર કરતાં પક્ષીઓ રૂપી મેખલા કમર ઉપર ધારીને લગાર મદથી અટકતી અટકતી લટકબંધ ચાલથી તથા પાણીનાં ઝીણાં વમળરૂપી નાભીને (ડૂંટીને) આછા અંબર જેવા જળમાંથી બતાવતી એ નદીના અંતરમાં પ્રતિબિંબરૂપે પેસીને એનો રસ પીને તારા અંતરને તૃપ્ત કરજે.’ એ પોતાની નાભિ બતાવે એટલે એનો એ વિભ્રમ તારે સમજી લેવો જોઈએ. કેમકે, સ્ત્રીઓનું પહેલું પ્રેમવચન આવો હાવભાવ જ હોય છે!વીચીક્ષોભસ્તનિતવિહગશ્રેણિકાગ્યીગુણાયાઃ
સંસર્પન્ત્યા: સ્ખલિતસુભગં દર્શિતાવર્તનાભેઃ
નિર્વિન્ધ્યાયાઃ પથિ ભવ રસાભ્યન્તરઃ સન્નિપત્ય
સ્ત્રીણામાદ્યં પ્રણયવચનં વિભ્રમો હિ પ્રિયેષુ ।
વેણીભૂતપ્રતનુસલિલા સાવતીતસ્ય સિન્ધુઃ
પાંડુચ્છાયા તટરુહતરુભ્રંશિભિઃ જીર્ણપર્ણૈ:
સૌભાગ્યં તે સુભગ વિરહાવસ્થયા વ્યંજયન્તી
એક બંગાળી ટીકાકાર કહે છે તેમ ‘વેણીભૂત પ્રતનુસલિલા, પાંડુચ્છાયા, કાર્શ્યં’ – આ બધાં પદો દ્વારા પ્રોષિતભર્તૃકાની છબિ આલેખાઈ છે.
ટીકાકાર મલ્લિનાથ નિર્વિંધ્યા અને સિન્ધુને એક જ નદી ગણે છે – પણ નિર્વિંધ્યાથી તો મેઘે પોતે રસાન્વિત થવાનું છે, જ્યારે સિન્ધુને તો મેઘે ‘રસાન્વિત’ કરવાની છે.
એ પછી ઉજ્જયિનીની શિપ્રા નદીની વાત છે અને યક્ષ મેઘને શિપ્રાની શીતલ પવન લહેરીઓની વાત કરે છે, જે લહેરીઓ દૂરથી સારસોના કૂજનને અને ખીલેલાં કમળોની સુગંધને વહાવી લાવે છે, એ સાથે ઉજ્જયિનીના વિલાસીઓના રતિશ્રમને દૂર કરે છે. શિપ્રા પરથી વાતો એ પવન ખુશામતિયા પ્રિયતમ જેવો છે.દીર્ઘકુર્વન્ પટુમદકલં કૂજિતં સારસાનાં
પ્રત્યૂષેષુ સ્ફુટિતકમલામોદમૈત્રી કષાયઃ
યત્ર સ્ત્રીણાં હરતિ સુરતગ્લાનિમંગાનુકૂલઃ
શિપ્રાવાતઃ પ્રિયતમઈવ પ્રાર્થનાચાટુકારઃ ।
ગમ્ભીરાયાઃ પયસિ સરિતશ્ચેતસીવ પ્રસન્ને
છાયાત્માપિ પ્રકૃતિસુભગો લપ્સ્યતે તે પ્રવેશમ્
તસ્માદસ્યાઃ કુમુદવિશદાન્યર્હસિ ત્વં ન ધૈર્યાન્
મોઘીકર્તું ચટુલશફરોદ્વર્તનપ્રેક્ષિતાનિ ।
તસ્યાઃ કિંચિત્કરધૃતમિવ પ્રાપ્તવાનીરશાખં
હત્વા નીલં સલિલવસનં મુક્તરોધો નિતમ્બમ્
પ્રસ્થાનં તે કથમપિ સખે લમ્બમાનસ્ય ભાવિ
જ્ઞાતાસ્વાદો વિવૃતજઘનાં કો વિહાતું સમર્થઃ ।
હિત્વા હાલામભિમતરસાં રેવતીલોચનાંકો
બન્ધુપ્રીત્યા સમરવિમુખો લાઙ્ગલી યાઃ સિષેવે
કૃત્વા તાસામભિગમમપાં સૌમ્ય સરસ્વતીનામ્
અન્તઃ શુદ્ધ સ્ત્વમસિ ભવિતા વર્ણમાત્રેણ કૃષ્ણ ।
અત્યાર સુધીનો કામી મેઘ પણ એ સરસ્વતીનાં જળના સેવનથી પવિત્ર બનશે એમ સૂચવી કવિએ સરસ્વતીના પાવનત્વનો મહિમા કર્યો છે. નદીપાત્રમાં નાયિકાભાવનો આરોપ કરતા કવિ અહીં જાણે સરસ્વતીને પાવની લોકમાતા રૂપે ન જોતા હોય! સંદેશવાહક મેઘે પણ હવે સાત્ત્વિક – અન્તઃ શુદ્ધ થઈને જ આગળ વધવાનું છે, એવો સૂક્ષ્મ સંકેત છે. (કામી સંદેશવાહક બનીને જાય તો એની વિશ્વસનીયતા કેટલી?)
કુરુક્ષેત્ર પછી ઊડતો મેઘ આવે હરદ્વાર ભણી, કનખલ. અહીં ગંગા શૈલરાજ હિમાલય પરથી નીચે ઊતરી આવી છે. સરસ્વતી પછી આ ભાગીરથી. એના પ્રત્યે પણ ઊંડો આદરભાવ સ્વાભાવિક છે. કારણ સરસ્વતી તો અંતઃકરણને શુદ્ધ કરે છે, જ્યારે આ ગંગા તો સગરપુત્રોને સ્વર્ગમાં લઈ જનાર સોપાનમાલા રૂપે અવતીર્ણ થઈ છે – એ આપણે માટે પણ ‘સ્વર્ગસોપાનમાલા’ છે. તેમ છતાં અહીં કવિ ગંગા અને પાર્વતી બન્નેનો સપત્નીઓ તરીકેનો સંદર્ભ રચી મનોમન હસતા જણાય છે. પર્વતરાજ દુહિતા ભલે ભ્રમરો ઊંચી કરે, પણ પોતાના ફેણથી હસતી હોય તેમ, ગંગા શિવની જટાને પકડી જાણે હાથથી ખેંચે છે. એ રીતે શિવ પર પોતાનું આધિપત્ય પાર્વતી કરતાં વધારે છે એમ સૂચવી દે છે.તસ્માદ્ ગચ્છેરનુકનખલં શૈલરાજાવતીર્ણાં
જહ્નો: કન્યાં સગરતનયસ્વર્ગસોપાનપંક્તિમ્
ગૌરીવક્ત્રભ્રુકુટિરચનાં યા વિહસ્યેવ ફેનૈઃ
શમ્ભો કેશગ્રહણમકરોદિન્દુલગ્નોર્મિહસ્તા ।
આ ગંગા – પછી તો મંદાકિની રૂપે – અલકાનગરીમાં મળશે. ત્યાં એના રમણીય તટ પર મંદાર વૃક્ષોની શીળી ઘટામાં ફૂટડી યક્ષકન્યાઓ સોનાની રેતમાં મણિ સંતાડીને શોધવાની રમત રમે છે.
આપણે પણ મંદાકિનીને એ તટે મનોવિરામ કરીશું. ત્યાં કશા વિનાશક પૂરનો ભય નથી![૩-૮-’૯૭]