ચિન્તયામિ મનસા/સાહિત્યવિવેચન અને ભાષાવિજ્ઞાન
સુરેશ જોષી
જ્ઞાનની અન્ય શાખાઓ સાહિત્યના અભ્યાસમાં ઉપકારક નીવડી શકે ખરી? જેમ એક કાવ્ય સ્વયંપર્યાપ્ત છે તેમ વિવેચન પણ સ્વયંપર્યાપ્ત છે એવું એક અન્તિમે માનવામાં આવે છે તો બીજે અન્તિમે જ્ઞાનની અન્ય શાખાઓના અભ્યાસને, સાહિત્યને સમ્યક્ રીતે સમજવા-માણવા માટે, ઉપકારક લેખવામાં આવે છે. એક બાજુથી એવો ભય સેવવામાં આવે છે કે સાહિત્ય જે મૂર્ત અને આસ્વાદ્ય કરી આપે છે તેને ફરીથી વિભાવનાઓનાં ચોકઠામાં મૂકીને એની મૂર્તતાને, અદ્વિતીયતાને, નષ્ટ કરી દેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. એમ પણ કહેવામાં આવે છે કે દરેક જ્ઞાનની શાખાને એવી આગવી પરિભાષા હોય છે. સાહિત્યવિવેચક આ બધી જુદી જુદી પરિભાષાઓના શંભુમેળા વચ્ચે અટવાઈ ન જાય? ધારો કે એણે ભારે પુરુષાર્થ આદરીને આ બધી પરિભાષાઓની સંકુલતા અવગત કરી લીધી. પણ એ દરમિયાન એ જ્ઞાનની શાખાઓમાં થયેલા ક્રમિક વિકાસને કારણે એ પૈકીની ઘણી સંજ્ઞાઓ, એની સાથે સંકળાયેલા પાયાના ખ્યાલો, બદલાઈ ચૂક્યાં. આવી સ્થિતિમાં સાહિત્યનો વિવેચક શું કરે? કોઈ પણ શાસ્ત્ર ત્રિકાલાબાધિત તો હોતું નથી. જગત શાસ્ત્રને વશ વર્તતું નથી, શાસ્ત્ર જગતને ઓળખવા મથે છે. સાહિત્યના ક્ષેત્રમાં પણ સદા કાળને માટેનું સત્ય લાધી જતું નથી. દરેક પાયાના ખ્યાલને તે તે સમયની સર્જનાત્મક પરિસ્થિતિના અનુલક્ષમાં સંશોધવા સંવર્ધવાના રહે છે. એક એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે પરિભાષાની નિરર્થક બહુલતા જ જ્ઞાનબુદ્ધિનો ખોટો અભ્યાસ ઊભો કરવામાં કારણભૂત બને છે. બિનજરૂરી સંજ્ઞાઓ અને કૈશિકીવૃત્તિથી થતી વિભાગ યોજનાઓ વિદગ્ધતાની દ્યોતક હંમેશાં હોતી નથી. એથી ગૌરવદોષ વહોરી લેવા જેવું પણ ઘણી વાર થતું હોય છે.
સાહિત્યવિવેચન પરત્વે હમણાં હમણાં આપણે ત્યાં આ પ્રશ્નો ચર્ચાવા લાગ્યા છે. ભાષાવિજ્ઞાન અને સંકેતવિજ્ઞાન એનું સામ્રાજ્ય પ્રસારતા જાય છે. ભાષાવિજ્ઞાનની શૈલીના પૃથક્કરણની પદ્ધતિ સાહિત્યવિવેચનને કેટલે અંશે ઉપકારક નીવડે? એમાં યોજાતી સંજ્ઞાઓ ઊહાપોહને વિશદ અને ચોકસાઈભર્યો બનાવવાને બદલે કૃતક પ્રશ્નો ઊભા કરનારી ન નીવડે?
આ સમ્બન્ધમાં થોડો વાદવિવાદ હમણાં થવા લાગ્યો છે. એને પરિણામે થોડા ભ્રામક ખ્યાલો પણ ઉઘાડા પડતા જાય છે. એ પૈકીનો એક ખ્યાલ આવો છે: ભાષાવિજ્ઞાની કૃતિ વિશેની વિગતો નોંધે છે અને પછી એ વિગતોની સોંપણી સાહિત્યવિવેચકને, એના અર્થઘટન માટે, કરી દે છે. આ તો જાણે ડાબો હાથ શું કરે છે તે જમણો હાથ જાણે નહિ એના જેવી વાત થઈ! જોહ્ન એલિસ આવી પરિસ્થિતિને સાવ બેહૂદી ગણે છે તે વાજબી જ છે. જો ખરેખર આમ બનતું હોય તો ભાષાવિજ્ઞાની કે સાહિત્યવિવેચક ભાગ્યે જ કશું સિદ્ધ કરી શકે. જે વિગતો નોંધે છે, હકીકતોનું નિરીક્ષણ કરે છે, તે કશા પ્રયોજન કે હેતુ વિના તો નહીં જ કરતો હોય ને! કઈ વિગતોને પ્રસ્તુત લેખવી તે વિશેનો નિર્ણય એ શાને આધારે કરશે? એ વિશેનો સ્પષ્ટ રીતે રજૂ કરેલો કે સૂચિત ખ્યાલ તો એની પાછળ કામ કરતો જ હશે ને? તો જ એ પોતાની પ્રવૃત્તિ માટેનો દિશાનિર્ણય કરી શકે. વિગતોની નોંધ પરત્વે એ તટસ્થ રહીને વર્તે ખરો? હકીકતો કે વિગતો ક્યાં કેવી રીતે જોવી તે વિશે અનેક જુદા જુદા દૃષ્ટિકોણો સમ્ભવી શકે. એની માંડણી કરી આપવાની પણ અનેક રીતો હોઈ શકે. અમુક રીતે વિગતો એકઠી કરી, એનું અમુક રીતે વર્ગીકરણ કર્યું. એનો અર્થ જ એ કે કૃતિના અર્થઘટન વિશેના અમુક ચોક્કસ અભિગમનો સ્વીકાર કર્યો. આમ નિરીક્ષણ કરીને પૃથક્કરણ કરનાર ભાષાવિજ્ઞાની કૃતિનું અર્થઘટન કરતો જ હોય છે. એ પરત્વે એ તાટસ્થ્ય ન સેવી શકે. કૃતિના વિવેચનની પ્રવૃત્તિમાં ભાષાવિજ્ઞાની અને વિવેચક શ્રમવિભાજનના સિદ્ધાન્તને સ્વીકારીને વર્તતા હોય તો શું પરિણામ આવે? તો તો ભાષાવિજ્ઞાનીએ સ્વીકારેલા અર્થઘટનના દૃષ્ટિકોણને વિવેચક વશ વર્તીને જ આગળ વધે. પણ આ તો એક વિલક્ષણ ઘટના લેખાય.
અર્થઘટન જેણે ભાષાકીય દૃષ્ટિએ કૃતિના નિરીક્ષણનો પ્રારમ્ભ કર્યો તેનું, એનું ભાવન કરનાર વિવેચકનું નહીં. કેટલીક વાર વિવેચક ભાષાવિજ્ઞાની જ્યાં પહોંચ્યો હોય ત્યાંથી ઘણે સુધી આગળ વધવાની જરૂર જુએ, કેટલીક વાર ભાષાવિજ્ઞાનીએ સ્વીકારેલો અભિગમ એને અપૂરતો કે ખોટો પણ લાગે; એમાં એને વિરોધાભાસો રહેલા પણ વર્તાય. આવી પરિસ્થિતિમાં વિવેચક નવો અભિગમ સ્વીકારે, એને સુસંગત એવી રીતે પોતાનાં આગવાં નિરીક્ષણો, કરે, પણ આગળ વર્ણવેલો શ્રમવિભાજનનો સિદ્ધાન્ત સ્વીકારીએ તો તો વિરોધાભાસ કે ક્ષતિ દેખાતાં વિવેચકે વળી પાછું ભાષાવિજ્ઞાની પાસે જવાનું રહે. આવું તો કદી બનતું જોવામાં આવ્યું નથી. આમ થાય તો તો આ આખી પદ્ધતિ જ બેહૂદી લાગે. કારણ કે કોઈ પોતાના અમુક દૃષ્ટિકોણ વિના નિરીક્ષણ કરતું નથી; અને પોતાની રીતે નિરીક્ષણ કરવાની તૈયારી વિના કોઈ આવો દૃષ્ટિકોણ ધરાવી શકે નહીં. શૈલીની દૃષ્ટિએ સાહિત્યકૃતિઓને તપાસવાના ભાષાવિજ્ઞાનના આજના પ્રયત્નો મોટે ભાગે ઊણા નીવડે છે તેનું કારણ આ જ છે. એ ‘હકીકતો’ને રજૂ કરીને જાણે એ હકીકતો આગળ આપણું કશું ચાલે નહિ, એ હકીકત તો અપ્રતિરોધ્ય છે, એવી એક લાચારીની મનોદશા ઊભી કરે છે. આ હકીકતોને આલોચનાત્મક પરીક્ષણની સમસ્ત પ્રક્રિયાના એક અંશ રૂપે જોવામાં આવતી નથી. હકીકત પછી અર્થઘટનનો તબક્કો આવે છે, આ અર્થઘટન પછી એ હકીકતોની આપણે ફેરતપાસ કરીએ છીએ; આમ એક વડે બીજાને તપાસવા સુધારવાની પ્રક્રિયા ચાલતી રહે છે. હકીકતથી અર્થઘટન સુધી જવામાં અને નિર્ણય પર આવવામાં વળી શૂન્યમાં કૂદકો મારવા જેવું થાય છે. આ પરિસ્થિતિની વિલક્ષણતા એ છે કે પહેલાં વિવેચક હકીકત અને અર્થઘટન વચ્ચે અવકાશ ઊભો કરે છે અને પછી હકીકતો એ અવકાશને પૂરવામાં મદદ નથી કરતી એવી ફરિયાદ કરે છે!
અર્થઘટનની સાથે કામ પાડવામાં પણ આવા શ્રમવિભાજનને કારણે મુશ્કેલી ઊભી થાય છે. આવાં અર્થઘટનો સામાન્ય રીતે પ્રચ્છન્ન સ્વરૂપનાં હોય છે, સાહિત્યનો અભ્યાસ કરનાર ભાષાવિજ્ઞાનીએ એની વ્યાખ્યા બાંધી આપી હોતી નથી. કોઈ કાવ્યરચનામાં પદો વચ્ચેના સમ્બન્ધમાં રહેલા અમુક પ્રકારના બંધારણ તરફ ભાષાવિજ્ઞાની આંગળી ચીંધે છે ત્યારે એ બંધારણ કાવ્યત્વને માટેનું એક મહત્ત્વનું તત્ત્વ છે એવું અર્થઘટન એણે નથી કરી લીધું હોતું? પણ એ વિશેની કશી સ્પષ્ટતા કરવાનું કે એ હકીકતને સ્વીકારવાનું જો એઓ ટાળતા હોય તો પછી એ પ્રારમ્ભિક અર્થઘટનને પછીથી થતા નિરીક્ષણને આધારે સુધારવા સંવર્ધવાનું શી રીતે બની શકવાનું હતું? તો તો પછી નિરીક્ષણની પ્રક્રિયા અટકી જ પડે; અર્થઘટન આગળ ન વધે. આમ શ્રમવિભાજનની પદ્ધતિ આલોચનાને ઉપકારક નીવડવાને બદલે અવરોધક નીવડે.
કોઈ એક સાહિત્યિક કૃતિનાં ઘટકોનાં સંશ્લેષ અને સંરચના વિશેની પ્રાથમિક સ્થાપના તે અર્થઘટન. જે સર્વ પ્રસ્તુત અંશોને આવરી લઈ શકે તે અર્થઘટન વધુ કાર્યકર. આવા સંશ્લેષ વિશેનો સામાન્ય ખ્યાલ અને કૃતિના રચાયેલા પુદ્ગલમાં દરેક ઘટકનું આગવું કાર્ય શું, એ શી રીતે અને કેટલા પ્રમાણમાં સિદ્ધ થાય છે તેની પછીથી તપાસ કરવાની રહે છે. આ ચોક્કસ વિગતોના અનુલક્ષમાં પહેલેથી બાંધેલો સામાન્ય ખ્યાલ બદલાતો આવે છે. બદલાતા ખ્યાલ પ્રમાણે નવી વિગતોનું નિરીક્ષણ જરૂરી બની રહે છે. કૃતિમાંની વિગતોના અનુલક્ષમાં અર્થઘટનો થયાં નથી હોતાં એવી જે છાપ પડે છે તેનું મુખ્ય કારણ એ છે કે વિવેચનમાં એકને આધારે બીજાને સંશોધવાની પ્રક્રિયા ચાલ્યા કરતી નથી હોતી; એ ક્યાંક અસમયે થમ્ભી જતી હોય છે. આથી ભાષાવિજ્ઞાનીની તુચ્છ લાગતી વિગતો પરત્વેની ચોકસાઈ અને વિવેચકની સંસ્કારનિર્ભર આત્મલક્ષિતા વચ્ચે એક ન પૂરી શકાય એવું અન્તર પડી જાય છે. અનિયન્ત્રિત નિરીક્ષણો તુચ્છ વિગતો આગળ જ અટકી જાય અને ચોકસાઈભરી તપાસનો આધાર લઈને અર્થઘટનોને સુધારવા સંવર્ધવાની પ્રવૃત્તિનો અભાવ અશાસ્ત્રીય આત્મલક્ષિતામાં જ પરિણમે.
આ દૃષ્ટિએ જોઈશું તો ભાષાવિજ્ઞાની ભાષાકીય હકીકતોનું વર્ણન કરતો હોય છે ત્યારે તેને અર્થઘટનની પ્રાથમિક સમ્ભાવનાથી નોખું પાડીને જોઈ ન શકાય. વાસ્તવમાં એ બે સંજ્ઞાઓ એક જ પ્રક્રિયાનાં બે અંગોની વાચક છે. એ જ રીતે સાહિત્યિક કૃતિના અભ્યાસમાં પરીક્ષણને અર્થઘટનથી સાવ ભિન્ન સ્વરૂપનું ગણવું એ એક પાયાની ભૂલ ગણાશે. જે તર્કસંગત હશે તે આવા અર્થઘટનનું અવિરોધી જ હશે. આમ વિજ્ઞાનની વસ્તુલક્ષિતા અને વિવેચનની આત્મલક્ષિતાને વિરોધાવ્યા કરવાનું પણ ઉચિત નહિ લેખાય.
ભાષાવિજ્ઞાનીઓ સાહિત્યવિવેચકો સામે જે દલીલો કરે છે તે ઘણી વાર વાજબી લાગે, પણ ઉપર જે કહ્યું તેના સન્દર્ભમાં એ દલીલોની ફેરતપાસ કરવાનું જરૂરી બની રહે છે. ભાષાવિજ્ઞાનીની દલીલ એ છે કે સાહિત્યવિવેચકો ઘણુંખરું જે ભાષાકીય કે અન્ય વિગતોનો નિર્દેશ કરતા હોય છે તે પૂર્વનિર્ણીત દૃષ્ટિબિન્દુના સમર્થનમાં કરતા હોય છે, વસ્તુલક્ષી પરીક્ષણ માટે નથી કરતા હોતા. આથી ભાષાકીય વિગતોનો આધાર લેવાનો એઓ માત્ર ડોળ જ કરતા હોય છે. એમનું મન તો ક્યારનુંય નિર્ણય કરી ચૂક્યું હોય છે; અને પછીથી એના સમર્થનમાં જ એઓ વિગતો શોધતા હોય છે. ભાષાવિજ્ઞાનીઓએ પણ એમના નિરીક્ષણમાં વસ્તુલક્ષી ધોરણ જાળવવું જોઈએ. હકીકતો વિશેના પહેલેથી બાંધેલા ખ્યાલોથી એમણે દોરવાઈ જવું ન જોઈએ.
આવી દલીલ અમુક અંશે ભ્રામક છે એમ કહેવું જોઈએ. કશી પૂર્વ સમ્ભાવનાનો આધાર લીધા વિના કૃતિનું પરીક્ષણ કરવાનું શક્ય છે એમ જો ભાષાવિજ્ઞાની માનતો હોય તો તે એની ભૂલ છે. એમની પરીક્ષણપદ્ધતિને સાહિત્યવિવેચકની પદ્ધતિ જોડે વિરોધાવવાનો એમનો પ્રયત્ન ચતુરાઈભર્યો જ ગણાય. સાહિત્યવિવેચકની પદ્ધતિ સામે સાચી રીતે વાંધો ઉઠાવવો હોય તો આ વાતને જરા જુદી રીતે મૂકવી ઘટે. વિવેચકો હકીકતોની પસંદગીમાં અર્ધજરતીયન્યાયને અનુવર્તે છે; એનાં લક્ષણો બાંધવાનું પૂરું બુદ્ધિપુરસ્સર રીતે કરતા નથી, જે ભાષાકીય પરીક્ષણની સાથે સુસંગત બની રહે; અમુક જ વિગતોનો વિનિયોગ કરવાના દુરાગ્રહને કારણે એઓ એમનાં અર્થઘટનોને સંશુદ્ધ કરીને વિકસાવી શકતા નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોતાં એમ કહી શકાય કે આમ કરવું તે અપૂરતું અને અપ્રામાણિક લેખાય. પણ વિવેચકે કશીક પ્રારમ્ભિક સમ્ભાવના સ્વીકારી છે માટે આ ખોટું છે એમ કહેવું તે વાજબી નથી.
નવેમ્બર, 1978