ચિન્તયામિ મનસા/સાહિત્ય અને ફિલસૂફી


સાહિત્ય અને ફિલસૂફી

સુરેશ જોષી

1

એક રીતે જોઈએ તો કવિતા જ ફિલસૂફીની જનેતા છે. જગત વિશે માનવીએ આશ્ચર્યથી જે કાંઈ પ્રથમ ઉચ્ચારણ કર્યું તે કવિતાને રૂપે જ હતું. એમાં ભવિષ્યની ફિલસૂફીનાં બીજ હતાં. આપણે ત્યાં વેદ અને ઉપનિષદ્માં આ રીતે કવિતા અને દર્શન ઓતપ્રોત થયેલાં લાગે છે. સોક્રેટિસને પોતાની દાર્શનિક ભૂમિકા સ્પષ્ટ કરવા માટે દૃષ્ટાન્તકથાનો આશ્રય લેવો પડ્યો છે. પ્લેટો તો કવિ હતો જ. ‘રિપબ્લિક’માંના વર્ણવેલા આદર્શ નગરમાંથી કવિઓને બહિષ્કૃત કરીને કાવ્ય સામે મોરચો માંડ્યો એટલું જ નહીં, પોતાની સામે પણ જાણે એ યુદ્ધે ચઢ્યો. ત્યારથી તે આજ સુધી કોઈ ને કોઈ રીતે સાહિત્ય અને ફિલસૂફી વચ્ચેના સમ્બન્ધની ચર્ચા ચાલતી રહી છે. આપણા જમાનામાં અસ્તિત્વવાદી ફિલસૂફીઓએ જીવાતા જીવનની મૂર્તતા અને માનવસન્દર્ભને અગ્રિમતા આપી અને એમાંથી સારવેલી દાર્શનિક ઉપપત્તિઓને એની પછી સ્થાન આપ્યું. મેર્લો-પોંતિએ આ દૃષ્ટિબિન્દુ સમજાવતાં કહ્યું છે કે હવે સાહિત્ય અને ફિલસૂફી એકબીજાથી ભિન્ન કે સામસામે છેડે રહી નહીં શકે. અભિવ્યક્તિના આ બન્ને પ્રકારો માનવીની વ્યક્તિગત ચેતનાના મૂળભૂત (originary) અનુભવને જીવાતા જીવનની તત્ક્ષણતામાં ગ્રહીને ભાષા દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ ‘હું’નું જગતમાં ઉચ્છલિત બનીને વહી જવું આપણને સ્થળ, સમય, દૃષ્ટિગોચરતા, પોતે અને ઇતર જેવી સંજ્ઞાઓને પ્રયોજીને આખી પ્રક્રિયાને સમજવા પ્રેરે છે. આ બધી સંજ્ઞાઓ દ્વારા જે કાંઈ વાસ્તવિકતા પકડમાં આવે છે તે છટકિયાળ હોય છે. ફિલસૂફી સમજાય છે કે હવે જગત સહેલાઈથી વિભાવનાઓનાં ચોકઠાંમાં પૂરી દઈ શકાય એવું રહ્યું નથી. આથી જ તો મેર્લો-પોંતિએ કહ્યું છે, ‘The world is such that is cannot be expressed except in ‘stories’ and as it were, pointed at.’ (‘Sense and Nonsense’: પૃ. 28) અહીં મેર્લો-પોંતિએ સાહિત્ય અને ફિલસૂફીના સમ્બન્ધ પરત્વે આંગળી ચીંધી છે. પોતાના જીવનના અનુભવમાંથી એણે જે અર્થ સારવ્યો છે તેનો આલેખ આપતા નકશામાંનાં સ્થાનોને આંગળી મૂકીને બતાવવાનાં છે. એ નકશામાંનાં ચિહ્નો અને સંકેતો તે વાચકના પોતાના જીવનના અનુભવના પણ સંકેતો બની રહેવા જોઈએ. વાલેરીની સાહિત્યની વિભાવનાની આ બહુ નિકટ આવે છે. સાર્ત્ર, કૅમ્યૂ કે સિમોન દ બુવ્વાર જેવા અસ્તિત્વવાદી ગણાતા ચિન્તકોએ નવલકથા કે નાટક દ્વારા માનવસન્દર્ભને મૂર્ત કરીને પોતાની ફિલસૂફીને વ્યક્ત કરી છે તે સૂચક છે. મેર્લો-પોંતિનું પોતાનું દાર્શનિક લખાણ પણ સાહિત્યનાં લક્ષણોને પ્રકટ કરનારું છે.

‘રિપબ્લિક’માં પ્લેટોએ કવિના પર જે સેન્સરશીપ લાગુ પાડી તે બદલ કવિઓએ કે આલોચકોએ એને માફ નથી કર્યો. આમ છતાં પ્લેટો સામેનો આક્રોશ કંઈક અંશે અજુગતો લાગે છે. ‘રિપબ્લિક’માં જે આદર્શ નગરરાજ્યની કલ્પના કરી છે તેના સન્દર્ભમાં જ આ મુદ્દાને જોવો જોઈએ. આવા નગરરાજ્યમાં શાસક, ફિલસૂફ કે કવિને જે ભાગ ભજવવાનો છે તે વાસ્તવિક રાજ્યતન્ત્રમાં એ જે ભાગ ભજવે છે તેનાથી જુદો જ છે. આ ભેદ વાસ્તવિકતા અને આદર્શ વચ્ચેના ભેદ પર જ અવલંબે છે. સોક્રેટિસે ફિલસૂફને લોહી ચૂસતી બગાઈ જોડે સરખાવ્યો છે. એ પ્રજાજનોને જંપવા દેતો નથી. સમાજમાં જે કાંઈ અનિષ્ટ છે તેને એ ચીંધી બતાવતો રહે છે. પરિસ્થિતિને સદા તપાસતા રહેવું એ એની લાક્ષણિક પ્રવૃત્તિ છે. કશા વિશે પૂરું જ્ઞાન હોવાનો એનો દાવો હોતો નથી. એને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એ મુદ્દા વિશેની બૌદ્ધિક શોધનો આરમ્ભ કરે છે. જ્ઞાન ન હોવા વિશેનો સોક્રેટિસનો એકરાર તે દામ્ભિક નમ્રતા નથી. એને પ્રશ્ન પૂછનાર જિજ્ઞાસુ નગરજનની હાંસી ઉડાવવા માટે પણ એ આવું નથી કહેતો. માનવજ્ઞાનની અનિવાર્ય એવી અપૂર્ણતાનો જ એમાં પ્રામાણિકપણે કરેલો સ્વીકાર છે. એ સ્વીકારીએ તો જ ક્રમશ: વધતી જતી માત્રામાં આપણે જ્ઞાન પામવાને પ્રયત્નશીલ રહી શકીએ. ‘The good’ની વિભાવનાનો પાર પામી શકાય તેમ નથી. એને વિશે પૂરેપૂરું જાણવાનો સોક્રેટિસનો દાવો નથી. એના તરફ જવાના સાધનની જ એને માત્ર ખબર છે. એની શોધમાં સહકાર આપનાર કોઈ પણ સોક્રેટિસને એનાં નવાં પાસાં બતાવી શકે. આવી દરેક શોધ ભિન્નભિન્ન દૃષ્ટિકોણથી આરમ્ભાતી હોય છે અને દરેક કોઈક નવી જ સમસ્યાનો ઉકેલ શોધવા મથતું હોય છે. આમ દરેક શોધને એનું આગવું મહત્ત્વ હોય છે. તો પછી ‘રિપબ્લિક’માં પ્લેટો ફિલસૂફને જ્ઞાની તરીકે શા માટે વર્ણવે છે? પ્લેટોની બીજી કૃતિઓમાં ફિલસૂફ વિશે જે કહ્યું તેનું આ વિરોધી લાગે છે. અહીં પણ એ ભૂલવાનું નથી કે ‘રિપબ્લિક’માં જ ફિલસૂફને આ દૃષ્ટિએ જોવામાં આવ્યો છે. આદર્શ નગરરાજ્યની રચના સમાજની સૌથી વિશેષ શક્તિસંપન્ન વ્યક્તિઓમાં જ્ઞાન ઉત્પન્ન થાય એ હેતુથી જ કરવામાં આવી હતી. એવી વ્યક્તિઓ, એક વાર જે ઇષ્ટ છે તેની ઝાંખી થાય પછીથી રાજ્યને, નગરજનોને અને એમને પોતાને સુવ્યવસ્થિત કરી શકે. પણ માત્ર આદર્શ નગરરાજ્યમાં જ ફિલસૂફ રાજ્યતન્ત્રમાં સક્રિય બની શકે. આપણી દુનિયામાં તો, પ્લેટો ‘એપોલોજી’માં કહે છે તેમ, ફિલસૂફે એક અદના નગરજનની જેમ જ રહેવાનું છે. સોક્રેટિસ એ જ રીતે રહ્યો છે. આદર્શ નગરરાજ્યમાં કલ્પેલી શિક્ષણની પ્રક્રિયા જ ફિલસૂફને ઇષ્ટની વિભાવનાની અભિજ્ઞતા કેળવવા માટેની અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી આપે છે. આ તન્ત્રની બહારનો કોઈ જો એવો દાવો કરે તો એને અજ્ઞાની અને દમ્ભી જ કહેવો પડે.

‘ક્રિટો’માં ફિલસૂફ નગરજનોની પોતાના રાજ્યના કાયદા પ્રત્યેની વફાદારી પર ભાર મૂકે છે. આ કલ્પેલા આદર્શ નગરરાજ્યમાં કાયદા રચવા અને એનો અમલ કરાવવો એ વિશે ‘લોઝ’માં ઠીક ઠીક વિગતે ચર્ચા કરવામાં આવી છે. આમ છતાં ‘રિપબ્લિક’માં સોક્રેટિસ માનવી માનવીઓ વચ્ચેના સમ્બન્ધને નિયન્ત્રિત કરવા માટે કયા કાયદાની જરૂર પડશે તે પ્રશ્નને બાજુએ મૂકી દે છે અને તે એમ નોંધીને કે જો આ માનવીઓને નાગરિક તરીકે યોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હશે તો એઓ પોતે જ, આવા કશા કાયદાઓની જંજાળમાં પડ્યા વિના, પોતાના સમ્બન્ધોને નિયન્ત્રિત કરી શકશે. આથી આપણે એમ માનવું કે ‘એપોલોજી’ પછી પ્લેટોનું વલણ બદલાયું? ‘લોઝ’માં પોતાના મન્તવ્યને સામે છેડે જ એ ગયો? આ વિરોધ જો આપણે આદર્શ નગરરાજ્ય અને વાસ્તવિક રાજતન્ત્રનો ભેદ સમજીશું તો ટળી જશે. આ બંનેના પરિપ્રેક્ષ્ય જુદા છે. આદર્શ નગરરાજ્ય તો કશીક સ્વર્ગીય કલ્પના છે; એવું આદર્શ ન્યાયતન્ત્ર પૃથ્વી પર ક્યાંય મળવાનો સમ્ભવ નથી. આથી પૃથ્વી પરના ન્યાયના ધોરણ માટે એ ખપમાં આવી શકે નહિ.

આ જ રીતે કવિના કાર્યની પણ આદર્શ રાજ્યની કલ્પનાને અનુસરીને વ્યાખ્યા બાંધવામાં આવી છે. બીજા સન્દર્ભોમાં પ્લેટો કવિઓને દૈવી પ્રેરણાથી પ્રવૃત્ત થનારા અને અનુભવડાહ્યા કહીને વર્ણવે છે. એક આદરણીય કવિની કૃતિમાંના અવતરણને સાંભળ્યા પછી સોક્રેટિસનો લાક્ષણિક પ્રશ્ન આ છે: ‘એનો અર્થ શો થાય છે?’ કવિઓ પ્રેરણાને વશ વર્તે છે; ઈશ્વર એમની દ્વારા બોલે છે. પણ દૈવી આગાહીની જેમ કવિની વાણીનું પણ અર્થઘટન કરવું પડે. અહીં પ્લેટો કવિ પ્રત્યે અનાદરની લાગણી બતાવતો નથી. દેવોના ડહાપણ વિશે એ પ્રશ્ન ઉઠાવતો નથી; દેવો જે સાધન દ્વારા એ ડહાપણને વ્યક્ત કરે છે તે સાધનો એને જે રૂપ આપે છે તેના અર્થ વિશે જ એ પ્રશ્ન ઉઠાવે છે. દેવો કે ડાહ્યા માણસો મૂર્ખામીભરેલી વાત કહી શકે નહિ.

જો કવિઓ આવી દૈવી પ્રેરણાને વશ વર્તતા હોય તો પછી પ્લેટો એમને આદર્શ નગરરાજ્યમાંથી શા માટે હાંકી કાઢે છે? વાસ્તવમાં કવિઓને કવિ તરીકે હાંકી કાઢવામાં આવતા નથી. અમુક પ્રકારની કવિતા સામે જ પ્રતિબન્ધ મૂકવામાં આવ્યો છે. હોમર અને હેસિઓડની કવિતા નહીં ચલાવી લેવામાં આવે. શિક્ષણનો પ્રારમ્ભ દેવો અને પરાક્રમી પુરુષો વિશેની વાતોથી થતો. આ દૃષ્ટિએ ઉપયોગી વાતો ભલે શબ્દશ: સાચી નહીં હોય, પણ ખોટી તો નહીં જ હોવી જોઈએ. હત્યા, બળાત્કાર, સ્વચ્છન્દી આચારની વાતો કવિઓ દેવો વિશે ઉપજાવી કાઢે છે તે ખોટી છે – દેવો પરત્વે ખોટી છે, કારણ કે દેવો સારા છે. પ્લેટોના આદર્શ નગરરાજ્યમાં ધર્મકથા-પરાક્રમગાથા જો નાગરિકના શિક્ષણમાં ખપમાં લાગવાનાં હોય તો દેવોની અને પરાક્રમીઓની તદનુસાર કલ્પના કરેલી હોવી જોઈએ.

આથી જ તો પ્લેટો કહે છે કે કવિઓમાં હોમરમાં સૌથી ઊંચી કોટિનું કાવ્યત્વ છે; કરુણાન્તિકા રચનાઓમાં એનું સ્થાન પ્રથમ છે. પણ આપણે તો સત્યને જાણી લેવાનું છે…આપણા નગરરાજ્યમાં તો આપણે દેવોનાં સ્તોત્રોને અને સચ્ચરિત્ર માનવીઓની પ્રશંસા ગાનારી કવિતાને જ સ્થાન આપી શકીએ. જો આપણે ઊમિર્કાવ્ય અને મહાકાવ્યની ગળચટી કવિતાને નગરમાં સ્થાન આપીશું તો આનન્દ અને વેદના જ નગરના શાસકો બની જશે, શાસકોના નિયમો નહીં. આ નિયમોને વખતોવખત સામાન્ય બુદ્ધિ પાસેથી શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

કવિતા નગરતન્ત્રના આદર્શને સિદ્ધ કરવામાં ઉપકારક હોવી જોઈએ. ‘રિપબ્લિક’માં જે કાંઈ છે તે નગરતન્ત્રના નાગરિકને ઘડવા માટે છે જેથી એ આવા રાજતન્ત્રમાં પોતાનું કર્તવ્ય દક્ષતાથી કરી શકે. શિક્ષણના પ્રશ્નમાં રહેલી સંકુલતા અને મુશ્કેલીઓથી પ્લેટો વાકેફ છે. આખા સમાજને ધ્યાનમાં રાખીને એનો વિચાર કરવાનો રહે છે. એક વિસંવાદી અંગ આખા રાજ્યતન્ત્રને તોડી નાખી શકે. કાવ્યમાં નિરૂપિત ભાવ શાળાના વિદ્યાર્થીઓનાં ચારિત્ર્ય પર પ્રભાવ પાડે; એ જ રીતે કાવ્યના લયનો પણ પ્રભાવ પડે. ઉદાત્ત મનુષ્યો ઉદાત્ત ભાવથી ઘડાય. આમ કવિતા નગરજનોના ઘડતર અને શિક્ષણ માટે મહત્ત્વનું સ્થાન ધરાવે છે; પણ કાવ્ય સાધ્ય નથી, સાધન છે. જે ઇષ્ટ છે તે જ પરમ સાધ્ય, બાકીનું બધું જ ગૌણ. સેન્સરશીપ એક ગંદો શબ્દ છે. કવિઓ કે વિવેચકો – કોઈનેય એ ગમતો નથી. શું ઉચિત છે તેનો ખ્યાલ મોટે ભાગે નથી હોતો માટે આવું બનતું હોય છે. શું બાકાત રાખવું તેને માટેના આપણી પાસે સ્વૈરપણે ઘડેલા નિયમો જ હોય છે: દા.ત. લેખકે સામ્યવાદ વિશે પ્રશંસાભર્યું કહેવું ન જોઈએ, યૌન સમ્બન્ધનું તાદૃશ વર્ણન ન કરવું જોઈએ. જે સમાજમાં વિકૃત મનવાળા લોકો હોય છે તે સમાજમાં એનો દોષ કોના પર ઢોળીશું? પ્લેટો પાસે તો સ્પષ્ટ ધોરણો છે, પણ તે આદર્શ નગરતન્ત્રને માટેનાં છે. વાસ્તવમાં જીવન પ્લેટોએ કલ્પ્યા મુજબનું જ હતું એમ માની લેવું ભૂલભરેલું ગણાશે. એથેન્સની વાત જુદી છે ને આદર્શ નગરરાજ્યની વાત જુદી છે. આદર્શ નગરરાજ્ય એને ઝંખનારા માનવીઓનાં ચિત્તમાં છે, એ વાસ્તવિકતા નથી.

આટલું ધ્યાનમાં રાખીશું તો પ્લેટોને અન્યાય નહીં થાય. આપણા વાસ્તવિક સમાજમાં કળા જે ભાગ ભજવે છે તે જુદો છે. કળા જીવનને સહ્ય જ નહિ, આસ્વાદ્ય બનાવવામાં મદદ કરે છે; જીવનના કેટલાક અશક્ય એવા તકાજામાંથી આપણને એ ઘડીભર મુક્ત કરે છે; અનિવાર્ય એવી નિષ્ફળતાઓ અને એથી થતા અનુતાપમાંથી ઘડીભર આપણને એ શાતા આપે છે. રોજ-બ-રોજના અનુભવમાં જે અખણ્ડતાની અનુભૂતિની સમ્ભવિતતા જ નથી હોતી તે એ સિદ્ધ કરી આપે છે. આ અખણ્ડતા જીવનમાં અમુક પાસાંની હોય છે. ભાવક કળાના અનુભવનું પોતાના જીવનના અનુભવ સાથેનું સંધાન સિદ્ધ કરે છે. આ સંધાનથી તત્પૂરતી જીવનમાં વ્યવસ્થા આવે છે. એથી વિશેષનો કળાનો દાવો હોતો નથી.

આદર્શ નગરરાજ્યમાં બધા નાગરિક દેવતુલ્ય બની જશે એવી પ્લેટોની કલ્પના નહોતી. દરેક નાગરિકને પોતાની મર્યાદાઓ તો હોય જ, છતાં જે કાંઈ શ્રેષ્ઠ હોય તે સહુ પોતપોતાની શક્તિ પ્રમાણે પામે અને ઉત્કર્ષ સાધે એવી યોજના એમાં હતી. એ આદર્શ નગરનો નાગરિક એવું શિક્ષણ પામે જેનાથી એ પોતાની પ્રવૃત્તિના સામાજિક સ્વરૂપને ઓળખી શકે; પોતાની એ પ્રવૃત્તિનો પોતાના અસ્તિત્વ સાથેનો પાયાનો સમ્બન્ધ શો છે તે સમજી શકે. આથી આપણને સામાન્ય માનવીઓને જે હતાશાનો સામનો કરવો પડે છે તેમાંથી એ બચી જઈ શકે. જીવનમાંથી કૃત્રિમ રીતે છુટકારો મેળવવાનું એને માટે જરૂરી નહીં બની રહે. આમ આદર્શ નગરરાજ્યમાં શિક્ષણ જ્ઞાન, ચારિત્ર્ય અને ચારુતા ઉપજાવી શકે. દરેક વ્યક્તિ પોતાની જાત સાથેની સંવાદિતા અમુક માત્રામાં સિદ્ધ કરી શકે અને શક્ય હોય ત્યાં અન્ય સાથેના વ્યવહારમાં પણ એવી જ સંવાદિતા યથેચ્છ માત્રામાં સિદ્ધ કરી શકે. આને પરિણામે પોતાની પ્રવૃત્તિની બહાર જઈને, કળા આપણા ચારુતાહીન અવ્યવસ્થિત જીવનમાં જે લાગણીઓ અને અભિજ્ઞતા જગાડે છે તે, પામવાનો એને પ્રયત્ન કરવાનો રહે નહીં.

સોક્રેટિસ અને આલ્સિબિયાડિસ વચ્ચેનો વિરોધ સૌન્દર્યના ખ્યાલને સ્પષ્ટ કરી આપે છે. આલ્સિબિયાડિસ હેલાસનો સૌથી દેખાવડો ગણાતો પુરુષ હતો. એણે સોક્રેટિસના ઉચ્ચ કોટિના સૌન્દર્યને સ્વીકાર્યું છે. રાજ્યવ્યવસ્થામાં રહેલાં અવ્યવસ્થા ભરેલાં તત્ત્વોએ આલ્સિબિયાડિસને ખલાસ કરી નાખ્યો છે. સોક્રેટિસ એક સુખદ અકસ્માત છે. એનામાં નોંધપાત્ર શારીરિક અને માનસિક શક્તિ છે. એથેન્સમાં પ્રવર્તતાં શ્રેષ્ઠ પરિબળોથી એ ઘડાયેલો છે અને કશાક દૈવી અવતારકાર્યની ભાવનાથી એ કાર્યરત રહે છે. પણ એથેન્સના રાજકર્તાઓમાં હેતુપૂર્વક એવા સારા માણસનું નિર્માણ કરવા માટે જરૂરી જ્ઞાન કે શિક્ષણપ્રથા નથી. સ્વાભાવિક શક્તિનો વિકાસ કરવા માટે આવું આદર્શ નગરરાજ્ય અને એની સુસંચાલિત સંસ્થાઓ જરૂરી બની રહે. આવી વ્યક્તિઓનાં શારીરિક સૌન્દર્યને એમનાં ચારિત્ર્યનાં સૌન્દર્યથી જુદાં પાડીને જોવાનું નહીં હોય. સુવ્યવસ્થિત રાજ્યતન્ત્રમાં સુવિકસિત ચિત્તવાળી વ્યક્તિમાં એ સમાન્તરપણે વિકાસ પામે છે. બધાં જ માનવીઓ જો ફિલસૂફ બનવાને શક્તિશાળી હોય તો આવી સંસ્થાઓની સુન્દરતા એક ગૌણ વાત બની રહે. પણ એને માટે તો માનવીના સ્વભાવ અને પરિસ્થિતિમાં, રામરાજ્યમાં જ કલ્પી શકાય એવું, ક્રાન્તિકારી પરિવર્તન લાવવાનું રહે. એવી ક્રાન્તિને સમ્ભવિત માનીએ કે જેથી મનુષ્ય દેવતુલ્ય બની રહે તોય સૌન્દર્યની ચર્વણાની તુલનાએ, આપણે જેને ફિલસૂફી કહીએ છીએ તે, તુચ્છ જ લાગે.

કેવળ ફિલસૂફોથી જ નહીં વસેલા, પણ જેમાં અન્ય માનવીઓ પણ રહેતાં હોય તેવા આદર્શ નગરમાં સમાજના નૈતિક-રાજકીય બંધારણ પરત્વે સૌ પ્રથમ રસવિષયક વિચાર કરવાના રહે. પ્લેટોએ આપણી સમક્ષ એક આદર્શ નમૂનો રજૂ કર્યો છે જેની સાથે સરખાવીને આપણે આપણા સમાજનું માપ કાઢી શકીએ. એ એક આદર્શ છે, માટે એની સરખામણીમાં આપણો સમાજ તો ઊણો જ ઊતરવાનો; પણ આદર્શનો નમૂનો આપણે માટે એક લક્ષ્યને સ્થાપી આપે છે. આપણે એ આદર્શથી કેટલે અંશે જુદા ફંટાયા છીએ તે જાણીને એનાં કારણો સમજવાનો આપણે પ્રયત્ન કરી શકીએ. પ્લેટો કળા માત્રને ઉતારી પાડે છે એવું નથી, એ એવી જ કળાની ટીકા કરે છે જે પોતે જે કાંઈ છે તેથી વિશેષ હોવાનો દાવો કરે છે. સોક્રેટિસે ‘એપોલોજી’માં કહ્યું છે તેમ, અજ્ઞાન એટલે આપણી પાસે જે કાંઈ કુશલતા કે અભિપ્રાય કે પ્રેરણા હોય તેની મર્યાદા જાણવાની અશક્તિ, કવિઓની કવિતાનો પાઠ કરનાર આયોનની એ શક્તિ વિશે સોક્રેટિસે ટીકા કરી નથી, પણ જ્યારે એ કવિતાનો મર્મ જાણવાનો દાવો કરે છે ત્યારે એ દાવાની એ ટીકા કરે છે. કવિ પણ જો પોતાની શક્તિ વિશે વધારે પડતો દાવો કરે કે જે પોતે સિદ્ધ નથી કર્યું તેને પણ પોતાની સિદ્ધિ લેખે ખપાવવા જાય તો ટીકાપાત્ર બને. પ્લેટોનો કવિઓ સાથેનો ઝઘડો આટલા પૂરતો જ છે. કવિતાનું અર્થઘટન કરી શકાય, અને તદ્વિદોએ જે ધોરણ સ્વીકાર્યું હોય તે પ્રમાણે એને સ્વીકારી શકાય અથવા નકારી કાઢી શકાય.

મનુષ્યની અવનતિ કરનારી કળા પર પ્લેટોએ હંમેશાં પ્રહાર કર્યો છે. મેનો અને ફીડ્રસ જેના પર વારી જાય છે તેવી ઠાલી વાગ્છટા કે ચતુરાઈભરી પ્રોટાગોરાસની જીભાજોડી સુન્દરતા કે જ્ઞાનને નિષ્પન્ન કરતાં નથી કારણ કે આત્માના સૌન્દર્ય સાથે સમ્બન્ધ હોવાનો એમાં દેખાડો હોવા છતાં ખરેખર તો એમને ધન, સત્તા કે યૌવનવૃત્તિમાં જ રસ છે. આમ કળા તરીકે એ પ્રવંચના કરે છે અને માનવીનાં ચિત્તને દૂષિત કરે છે.

મનુષ્યમાં વધુ માત્રામાં જે સંવાદિતા સિદ્ધ કરી આપે અને એને સચ્ચરિત્ર બનાવે તે સૌન્દર્યથી એના પ્રેમને આકર્ષે; એની ઇષ્ટતાથી માનવીની શુભ કામનાઓને સન્તોષ અને એમાં રહેલા સત્યના બળથી માનવીના ભવિષ્યના વિકાસને પ્રેરે. આપણે કળા, નીતિ અને વિજ્ઞાનને નોખાં પાડીને જોઈએ છીએ કારણ કે પ્લેટોના જેવું અખણ્ડ દર્શન આપણી પાસે નથી; આપણે બધું ખણ્ડખણ્ડમાં જ જોઈએ છીએ. કળાકારને આથી છોભીલા પડી જવાની કશી જ જરૂર નથી. આપણે બધાં જ આપણી પોતાની અને બીજાની સાથે કાંઈ કેટલી અરાજકતાભરી ગૂંચમાં ગૂંચવાઈને કશુંક કરવા મથી રહ્યા છીએ. પ્લેટો જે બતાવે છે તે આપણી આંખો ખૂલી હશે તો જ આપણે જોઈ શકીશું; આંખની અવેજીમાં એ કામ આપી શકશે નહિ એમ ડેનિયલ રુકરે કહ્યું છે તે સાવ સાચું છે. ‘(જર્નલ ઓવ એસ્થેટિક્સ એન્ડ ક્રિટિસિઝમ – વિન્ટર, 1966).


2

ઘણા લેખકો એવા હોય છે જેમની છાપેલાં પાનાં પર જીવવા જેટલી તાકાત હોતી નથી. જેમની વ્યક્તિમત્તા સમયની દૂરતાના વ્યવધાનને પણ ઉલ્લંઘી જઈ શકે, મરણને પણ નકારીને અજરઅમર રહી શકે છે તેમનું કાઠું જુદું જ હોય છે. એમનાં લખેલાં વાક્યો ઉચ્ચારાયાં નથી હોતાં ત્યારે પણ એમનો ધ્વનિ આપણા કાનમાં ગુંજે છે; એ વાક્યોમાંનો દૃઢ બન્ધ આપણા પર પ્રભાવ પાડે છે. રૂઢિનું બળ એમની આગળ ચાલતું નથી, ભાષા એમને વશ વર્તે છે. રૂઢિથી અને પરમ્પરાથી મુક્ત થયેલી ભાષાના અંકુશ નીચે જો લેખક આવી જાય તો એથી ઊંધું જ બને. ત્યારે ભાષા વાપરનાર માનવીને ઊલટાની ભાષા વાપરતી હોય છે. એવા ગદ્યના નમૂના આપણી આજુબાજુ ક્યાં નથી? આવી પરિસ્થિતિમાં ભાષા પુંશ્ચલી નારીની જેમ પોતાનાં બધાં પ્રલોભનો દાખવીને સર્જક પર વશીકરણ અજમાવે છે. એમાં રમણીયતા નથી હોતી એવું નથી, એમાં સાચી સૂઝનો પણ અભાવ નથી હોતો; પણ આ બધા માટે એને જે મૂલ્ય ચૂકવવું પડ્યું હોય છે તેનો એને ખ્યાલ રહેતો નથી. ભાષામાં પારદર્શક ભેદકતા અને અનન્ય ઉજ્જ્વલતા હોય, આગલી પેઢીના વાસી થઈને ઉબાઈ ગયેલા પ્રયોગોને સ્થાને પ્રમાણભૂત અને અનન્ય એવા અનુભવોને એણે ભાષા દ્વારા સમર્થ રીતે વ્યક્ત કર્યા હોય; એ અનુભવો આપણને તો કેવળ કાચી સામગ્રી રૂપે જ પરિચિત હતા. સર્જકે આપેલા અદ્વિતીય રૂપ દ્વારા, આપણે નહીં કલ્પેલી એવી એની ક્ષમતા પ્રકટ થાય અને પોતાને સમજવા માટેના નવા માર્ગો એથી લાધે એવું પણ બને.

વોલ્ટર કાઉફમૅન કહે છે કે આવું બને ત્યારે સર્જકે જ નહીં, એના વાચકોએ પણ, ભારે કિંમત ચૂકવવાની રહે છે – એવી કિંમત જે આપણે માટે તો વિઘાતક જ બની રહે. સર્જક માટે પછી શાન્તિભરી સન્તુષ્ટતાથી જીવવાનું શક્ય નહીં રહે, કારણ કે જીવનને વિશે એ જે જાણી લાવ્યો હોય તે એને જંપવા નહીં દે; આ આવિષ્કારોની ઉજ્જ્વલતા જ એની માનસિક સ્વસ્થતાને જોખમમાં મૂકી દે; એની સંવિત્તિને તીવ્ર બનાવનાર અને બીજાને માટે જે અપારદર્શક હોય તેને પારદર્શક બનાવીને આરપાર દેખાડનાર તત્ત્વ જ તેજાબની જેમ એને કોરી નાંખે. સાચી આપત્તિ તો બીજી જ છે. એની તુલનામાં આ બધું તો નજીવું લાગે. જેની રચના માટે એણે સુખશાન્તિ છોડ્યાં, જીવનનો ભોગ આપ્યો અને સ્વસ્થતા ગુમાવી તે જ, જેની સામે એ સદા ઝૂઝ્યો તેના સ્મારક રૂપ બની રહે. એનો અવાજ તે એના શત્રુઓનો અવાજ બની રહે. આવી સ્થિતિમાં સર્જક ક્યાં તો ઉન્માદને વશ થઈને પોતાને ભૂલી જાય અથવા તો મરણશરણ થઈને આ યાતનામાંથી છૂટી જાય. ઘણી વાર તો આવો કવિ ચિન્તક પણ હોય છે. આપણને વારસામાં અજ્ઞાનનો જે અધિકાર મળ્યો હોય છે તેને એ પોતાની તીક્ષ્ણ મેધાથી ભેદી નાંખે છે; અન્ધશ્રદ્ધાનાં જાળાં દૂર કરે છે અને થોડી મોકળી હવા અને પ્રકાશને પ્રસરવા દે છે. એ આપણને આ બધાંમાંથી મુક્ત કરવાની બાંહેધરી આપે છે. આ દરમ્યાન એકાએક જ એને ભાષાના અભિભૂત કરી નાંખે એવા સૌન્દર્યનું ભાન થાય છે અને એની ખીલવણી કરવા માટે જીવન ગાળવાનું એને મન થાય છે. ભાષાને એ પોતાના પ્રયોજન પ્રમાણે પલોટે છે અને એમાંથી ઊંચા પ્રકારની કળાનું નિર્માણ કરવા મથે છે. આવી વિરલ શક્તિશાળી વ્યક્તિ જે આપણને પ્રકાશમાં દોરી જઈ શકવાને સમર્થ હોય અને ઉત્કટપણે કશુંક અસાધારણ સિદ્ધ કરવામાં જ પ્રવૃત્ત હોય તે જો ભાષાના સૌન્દર્યને વિકસાવવાને ઉદ્યત થાય તો? એ એની ભાષાથી આપણને વિવશ કરવા મથે, એના પ્રભાવ વડે આપણા અજ્ઞાનને ખેંચી લે; પણ આ દરમ્યાન જ ભાષા એના પર પ્રભુત્વ મેળવી લે અને એને પાછો આદિમ સમયની કપોલકલ્પિતતામાં ખેંચી જાય, શબ્દથી આંકેલી રેખાઓ સ્વપ્નની સાથે ભળી જાય, એણે મેળવેલી સૂઝ પુરાણકલ્પનોની અડાબીડ સૃષ્ટિમાં ખેંચી જાય અને કવિની બાલિશ દુ:સ્વપ્નોની દુનિયા આપણી વાસ્તવિકતા બની રહે તો? એ સર્જકે પ્રારમ્ભકાળમાં જે અનુભવેલું અને જેને એ ઉલ્લંઘી પણ ચૂકેલો, અને પછીથી એની પરિણત બુદ્ધિએ રચી આપેલા જગતમાં એ ગોઠવાઈ પણ ગયેલો. પણ હવે એ બધું ક્યારેક એકાદ સ્વપ્નમાં સ્ફુરી આવે કે એણે રચેલાં રૂપકમાં કે કોઈક દૃષ્ટાન્તકથામાં વણાઈ જઈને એના કથયિતવ્યને બહેલાવે, એટલું જ નહીં પણ એ એનું આગવું જીવન શરૂ કરે અને સાંસ્કૃતિક ઇતિહાસનું અંગ બની જાય.

કાફકા કે દોસ્તોએવ્સ્કી જેવા સર્જકોને વાંચતાં આવું લાગે છે. પ્લેટો કે નિત્શે વાંચતાં પણ આવો અનુભવ નથી થતો? એમનામાં અદ્વિતીય એવાં ઉત્કટતા અને ઊંડાણ છે અને એમાં ક્ષિતિજ પછી ક્ષિતિજો વિસ્તરતી જ આવે છે; એમનામાં વ્યાપકતા ઊંડાણની વિરોધી નથી હોતી. એમને પ્રતાપે જ આપણે થોડીક સૂક્ષ્મ સૂઝ પામતાં હોઈએ છીએ. પ્લેટો પુરાણકલ્પનોમાં ગળાબૂડ હતો, છતાં બુદ્ધિનો પુરસ્કર્તા હતો. નિત્શેને પણ બુદ્ધિ માટે એવો જ આદર હતો. છતાં બંનેએ, કદાચ અજાણતાં જ, એનો દ્રોહ કર્યો. બુદ્ધિનો ઝાઝો મહિમા કરવા માટે એમણે કવિઓને ધૂતકારી કાઢ્યા અને ભાષાની ભૂરકી સામે એઓ સાવધ રહીને ઝૂઝ્યા અને છતાં એમના વિરોધીઓના કરતાં વધુ સમર્થ પુરાણકલ્પનો એમણે રચ્યાં.

પ્લેટોએ કવિના ‘વિઝન’ને ખતરનાક લેખ્યું. એ બુદ્ધિને અભિભૂત કરી નાંખે અને ગેરવાજબી વિચારો અને લાગણીઓ જગાડે એવો એને ભય હતો. આ બાબતમાં એને મોટા ભાગના ચિન્તકો કરતાં કવિતાના પ્રભાવને બહુ ઊંચો આંક્યો. પણ એણે કવિતાનાં પરિણામ પરત્વે સેવેલા ભયમાં આપણને કશુંક અમાનુષી રહેલું લાગે છે. એ ‘રિપબ્લિક’ અને ‘લોઝ’માં ખાસ વરતાઈ આવે છે. મનુષ્યની રૂપસંવેદનશીલતાની સીમાને વિસ્તારવાની કવિતાની શક્તિ સામે જ એને ખાસ વાંધો હતો. વળી પ્લેટોના જેટલે અંશે બુદ્ધિને અભિભૂત કરવા માટે કવિતાનો ઉપયોગ ભાગ્યે જ કોઈએ કર્યો હશે. પ્લેટો હોરેસ વગેરેની કવિતા સામે સાવધ કરવા મથતો હતો, પણ આજે આપણને એવી કવિતાથી સાવધ રહેવાની કશી જરૂર લાગતી નથી. આપણને એ કવિઓ ગમે છે; પણ તે એ કવિતામાં ક્ષિતિજો વિસ્તારવાની શક્તિ છે તે કારણે. એ કવિતા આપણી માન્યતાઓને હચમચાવી મૂકતી નથી; આપણે જેને સત્ય કહીએ છીએ તેની સાથે એ સંઘર્ષમાં ઊતરતી નથી, એમનું દર્શન આપણી બુદ્ધિને પરાણે એને શરણે જવાની ફરજ પાડતું નથી.

આથી ઊલટું પ્લેટોનું દર્શન, ‘(કવિઓને આદર્શ નગરરાજ્યમાંથી બહિષ્કૃત કરવા જોઈએ, નહીં તો એમના પ્રભાવથી નાગરિકો વંઠી જશે.’) કોઈ જુલ્મગારના કરતાં પણ, પ્લેટોની પછીની પ્રજાના વિચારો પર હજી વર્ચસ્ ધરાવે છે. વાસ્તવમાં પ્લેટોએ પોતાની કારકિર્દીની શરૂઆત જ પોતાની કાવ્યરચનાઓને બાળીને જ કરેલી. ‘એપોલોજી’માં મુક્ત પરીક્ષણ વિશે એણે એક ગીત સુધ્ધાં લખ્યું છે. પાછળથી પણ એણે સોક્રેટિસ પ્રત્યે ભારે આદર કર્યો છે. તર્કપૂત વિચારણાને માટેના એના દૃઢ આગ્રહને કારણે જ આખરે એને મરણ સ્વીકારી લેવાનું આવ્યું હતું. યુવાનોના ચિત્તને ભ્રષ્ટ કરવાનો એના પર આરોપ હતો. આમ છતાં પ્લેટોએ ‘રિપબ્લિક’માં એ જ સોક્રેટિસનો ઉપયોગ એક એવા સમાજના સમર્થન માટે કર્યો જેમાં સેન્સરશીપનો ઉપયોગ અપવિત્રતાને અટકાવવા માટે કરવાનો હતો અને યુવાનોને ફિલસૂફીના સમ્પર્કમાં આવતા અટકાવવાના હતા. આ પછી વળી ‘લોઝ’માં એણે આરોપનામાની બ્લ્યુપ્રિન્ટ રચી આપી અને જાસૂસી તથા દણ્ડ વિશેની આખી પદ્ધતિ રચી આપી. એમાં શિક્ષા લેખે મરણનો પણ સમાવેશ થતો હતો.

સોક્રેટિસે જે કહ્યું તેનાથી દૂર જવામાં ભાષા માટેની આસક્તિ કે શબ્દની મોહિનીને કેટલે અંશે જવાબદાર ગણીશું? આવા પરિવર્તન માટે બીજાં ઘણાં કારણો હશે, પણ એમાં કવિનો મિજાજ તો કામ કરતો જ હતો. કવિની હેસિયતથી પ્લેટોએ જે જોયું તે ‘વિઝન’ને ભાષાને અધીન કરીને એના પર પ્રભુત્વ મેળવવું, એને ઉચિત ગદ્યમાં વ્યક્ત કરવું, એની નાનામાં નાની વિગતોને યોગ્ય ઘાટ આપવો – આ બધું પ્લેટોએ કવિના મિજાજથી કર્યું. આદર્શ નગરરાજ્યનું સ્થાપત્ય રચવામાં આ કળાકાર કવિનો પ્રતિસ્પર્ધી બની રહ્યો. સર્વાશ્લેષી દર્શન અને સંવાદની રચનામાં જે કૌશલ છે તે કવિનું છે. ઘણી વાર બૌદ્ધિક પૃથક્કરણને બાજુએ મુકીને પુરાણકલ્પનનું વર્ચસ્ એણે સ્વીકાર્યું છે. આ પુરાણકલ્પનો એણે ભૂતકાળની પરમ્પરામાંથી લીધાં હોય કે તે જ ક્ષણે તરત પોતાની કલ્પનામાંથી ઉપજાવી કાઢ્યાં હોય પણ એટલું નક્કી કે આની પાછળનું વિધાયક બળ બુદ્ધિ નહીં, સત્ય માટેની ઉત્કટ લાલસા નહીં, પણ કવિનો આગવો મિજાજ છે, પ્લેટો અને સોક્રેટિસમાં આ જ મુખ્ય ભેદ છે. સોક્રેટિસમાં આ કવિનો મિજાજ નહોતો. કવિતા એનું માધ્યમ નહોતી. એ માનવીના વ્યક્તિત્વને સ્પર્શતો હતો, અને તે પોતાના આગવા વ્યક્તિત્વથી. આને કારણે સોક્રેટિસે માત્ર પ્લેટોને જ નહીં પણ આલ્સિબિયાડિસ, ઝેનોફોન, એરિસ્ટિબસ અને એન્ટિસ્થેનિસ જેવાને પણ પ્રભાવિત કર્યા. એને કશું લખવાનું નહોતું.

પણ પ્લેટોને તો લખીને જ બધું કરવાનું હતું અને તે એણે શબ્દની ગજબની મોહિની ઊભી કરીને કર્યું છે. તમે શબ્દ સાથે સંડોવાતા હો ત્યારે જુદા જ વિશ્વમાં જઈ ચઢો છો. ફિલસૂફ સત્યની વ્યાખ્યા બાંધે છે, પણ એના શબ્દો તો જીવનમાં રજોટાઈને આવતા હોય છે. સર્જક સત્યની વ્યાખ્યા નહિ બાંધે. સર્જક તો જાણે છે કે વિચારણા કે વિભાવનાના ચોકઠામાં ફિલસૂફ ભલે જગતને ગોઠવવા જાય, જગત એને ગાંઠવાનું નથી. આથી જ સર્જક તો જગતને અનુભવીને શબ્દ દ્વારા મૂર્ત કરે છે. શબ્દની સાથે સાથે લય, મૂર્ત કલ્પનો, પ્રતીકો, રૂપકોની – આખી પ્રતિરૂપોની સૃષ્ટિ પણ આવે છે. આથી જગતનું ઐશ્વર્ય લુપ્ત થતું નથી પણ ખીલી ઊઠે છે. વૈજ્ઞાનિક અભિગમના ગૌરવને કારણે બુદ્ધિનું ગૌરવ થતું. બુદ્ધિએ ઘડેલી વિભાવનાઓ જગતની પ્રત્યક્ષતામાંથી ‘ડિસ્ટિલ’ કરેલી હોય છે. એમાં જગતનો સંસ્પર્શ થતો નથી. એ જગતની અવેજીમાં ચાલી શકે નહીં. આથી સર્જક અનુભવજન્ય પ્રત્યક્ષતાને મહત્ત્વ આપે છે. અનેક સાહચર્યો, વિરોધો અને સાદૃશ્યો યોજીને એ બધું સાંકળતો જાય છે. અનુભવ કશાની બાદબાકી કરતો નથી કે અમુક સૂત્રને જ અનુસરતો નથી. ચેતનાનાં પરિમાણો વિસ્તરે તે મહત્ત્વનું છે. જો સંવેદન જગતના પરિમાણનું નહિ થાય તો આપણે આપણી અલ્પતાના ભારથી કચડાઈ જઈએ.

શબ્દ આપણને ચેતનાનાં જુદાં જુદાં અનેક સ્તરમાં લઈ જાય છે. અન્ત:સ્ફુરણા અથવા સહજપ્રજ્ઞા પ્રત્યે અવિશ્વાસ રાખે છે, પણ વિજ્ઞાનીઓને કેટલાં સત્યો આ સહજ પ્રજ્ઞાથી લાધ્યાં છે તે તો આપણે જાણીએ છીએ. આ બધી ચૈતસિક શક્તિઓને ન ખીલવીએ અને કેવળ બુદ્ધિનું જ ગૌરવ કરીએ તો કુણ્ઠિતતાને આવકારવા જેવું થશે.

આથી આપણને તો સોક્રેટિસ અને પ્લેટો બન્ને ઇષ્ટ છે. એ બેનો સમન્વય ભલે એક આદર્શ સ્થિતિ હોય, આપણે એ દિશામાં પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. આપણો કહેવાતો બૌદ્ધિક વર્ગ આજે કવિતા અને કળાથી દૂર સરી ગયો છે. ટેકનોક્રસીને નામે ચેતનાના એક મોટા ખણ્ડને જતો કરવાનું આપણને પરવડે નહીં. સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે આજે જે બની રહ્યું છે તે પરત્વે ઉદાસીન રહીને અજ્ઞાન વધારીએ તે પણ ખતરનાક જ લેખાશે.

આગળ જોઈ ગયા તેમ શાસકોને માનવીના જીવનનાં બધાં જ પાસાંઓનું નિયમન કરવાનો અધિકાર છે એવી પ્લેટોની માન્યતા પર વધારે પડતો ભાર મૂકીને અને એની વિચારણાઓનાં બીજાં પાસાંઓને ઉવેખીને એને ભારે અન્યાય કરવામાં આવ્યો છે. સોક્રેટિસના વ્યંગનો પરિચય આપણને તો પ્લેટોના સંવાદથી જ થાય છે ને! ‘રિપબ્લિક’માં સુધ્ધાં એ નવી નવી સમસ્યાઓ પરત્વે બુદ્ધિને પ્રવૃત્ત કરતો દેખાય છે. પોતાની શિક્ષણ વિશેની માન્યતા જોડે મેળ ખાતો ન હોવા છતાં એ કશું નવું જોવાનો ઇન્કાર કરતો જણાતો નથી. જિજ્ઞાસા અને શોધવૃત્તિ જ્યાં દોરી જાય ત્યાં જઈને, સેન્સરશીપને અવગણીને, સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એણે ઘણાને સક્રિય બનાવ્યા છે.

વિચારપદ્ધતિનો ઇતિહાસ આલેખનાર પ્લેટોના પર સોક્રેટિસ અને પાયથાગોરાસના અનુયાયીઓની, પરસ્પરવિરોધી એવી, અસર પડેલી ચીંધી બતાવશે. ‘એપોલોજી’માં માત્ર સોક્રેટિસનો પ્રભાવ દેખાય છે, જ્યારે ‘રિપબ્લિક’ અને ‘ફિડો’માં પાયથાગોરાસના અનુયાયીઓનો પ્રભાવ દેખાય છે. આ બે વિરોધી પ્રભાવો એણે ઝીલ્યા તે પહેલાંય એનામાં કવિનો મિજાજ અને બુદ્ધિનિર્ભર અભિગમ – આ બે વિરોધી વલણો દેખાય છે. સોક્રેટિસની વધુ પડતી બુદ્ધિનિર્ભર આલોચનાત્મક વૃત્તિથી પ્લેટોને હંમેશાં સન્તોષ થયો હોય એવું લાગતું નથી. એનુ વલણ કંઈક રહસ્યવાદી અને નિદિધ્યાસનાત્મક હતું. ટૂંકમાં કહીએ તો એનામાં કવિનો મિજાજ હતો.

કાર્લ પોપરે પ્લેટોને સોક્રેટિસનો જુડાસ કહીને ભારે અન્યાય કર્યો છે. મનોવૈજ્ઞાનિક ખુલાસાઓ આપવા છતાં એઓ સંવાદોમાં પ્રકટ થતા પ્લેટોના ચૈતસિક વ્યક્તિત્વની સંકુલતાને ખૂબ ઓછી આંકતા હોય એવું લાગે છે. એને સોક્રેટિસ માટે ખૂબ જ આદર હતો છતાં કશીક ઐતિહાસિક વિપત્તિને કારણે એણે જાણે સોક્રેટિસનો દ્રોહ કર્યો હોય એવી છાપ પડે છે. પ્લેટોની કીર્તિ અમર છે તે તો જેના પર એણે પ્રથમ પ્રહારો કર્યા હતા તેમના શબ્દોને અવિનાશી બનાવવાને કારણે. ‘એપોલોજી’માં એણે સોક્રેટિસની એટલી તો પ્રશંસા કરી છે કે એના ટીકાકારો તો અવાક જ થઈ ગયા. એ જ પ્લેટોએ ‘રિપબ્લિક’માં અને ‘લોઝ’માં, કદાચ એની પાછળ રહેલા વ્યંગની કરુણતાનો ખ્યાલ કર્યા વિના, સોક્રેટિસને જવાબ વાળ્યો જે હજી આપણને પજવ્યા કરે છે.

સોક્રેટિસ માનવીમાં રહેલી બુદ્ધિને જગાડવા ઇચ્છતો હતો. આથી એ કોઈને જંપવા દેતો નહોતો. પણ પ્લેટો તો એનાં રુચિર કલ્પનોથી બુદ્ધિને મોહનિદ્રામાં જ નાંખી દે છે. ગ્રીક ઉદ્બોધનકાળની સામે પ્રતિક્રિયા રૂપે એણે મનુષ્યમાંની કલ્પનાવૃત્તિને પ્રોત્સાહિત કરી.

પ્લેટોની કવિતા તે ફિલસૂફીની કડવી ટીકડી પર ચોંટાડેલું ખાંડનું પડ નથી. લુક્રેટિયસે પોતાની ફિલસૂફી વધુ સહેલાઈથી ગળે ઊતરે તે માટે એવું કર્યું હોવાનો એકરાર કર્યો છે. સાચી કવિતાનો એવી રીતે ઉપલકિયો ઉપભોગ થઈ શકે નહિ. એ તો મનુષ્યની ચેતનાનો પૂરો કબજો લઈ લે. કવિઓ પોતે જ પોતાની કવિતાને સમજતા નથી એવું સોક્રેટિસે તીખા વ્યંગમાં કહેલું; પણ પ્લેટોએ તો, સોક્રેટિસના શિષ્યને ન છાજે એવા અભિનિવેશથી, કવિના ‘ઉન્માદ’ને બિરદાવ્યો છે. એમાં એની સ્વાનુભૂતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કવિતાનો એને ભય હતો કારણ કે એની શક્તિથી એ સુપરિચિત હતો. આમ છતાં કવિતા એને છેતરી ગઈ. પોતે કવિતાનો સાધન તરીકે માત્ર વિનિયોગ કરશે એવું એ ધારતો હતો. બુદ્ધિની સેન્સરશીપ એના પર રહેશે એવું પણ એણે ધાર્યું હતું. ‘રિપબ્લિક’માં એણે એવું કહ્યું પણ છે. પણ જે કવિએ સેન્સરશીપને વશ વર્તીને પોતાનાં ભાષા, કલ્પન અને લયને, વિચારના પર મિષ્ટ પડ ચઢાવવા પૂરતાં જ, વાપર્યા હોય તે કવિ મટી જાય છે. કવિતા ભાષા પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ છે. જે પ્રિય છે તેને સાધન તરીકે વાપરીએ એટલે પ્રેમનો અન્ત આવી જાય.

કવિ ભાષાને વાપરે ત્યારે એને ભાષા પણ વાપરે. એ જે કાંઈ લખે છે તે એનાં કલ્પનો, ધ્વનિઓ, પ્રાસ અને લયથી ક્રમશ: સૂચવાતું આવે છે. ધીમે ધીમે આવિષ્કૃત થતી આવતી એની રચના જ એનો પ્રેરણાસ્રોત બની રહે છે, એ અણધારી જ દિશામાં આગળ વધે છે; એમાં બુદ્ધિની દખલગીરી કે પૂર્વસંમતિ વિના કલ્પનો અને પ્રતીકો ગોઠવાતાં આવે છે. કેટલીક વાર કવિ પોતે એ સૂચનોને અનુસરે, અને એવા સંયોજનના સૂચિતાર્થને પ્રકટ કરવા મથે. ભવ્ય કે ધ્વન્યાત્મક દર્શનને કોઈ બીજાં કારણસર દાબી દેવામાં આવતું નથી. પ્લેટોએ માત્ર રોચક કથાઓ જ કહી છે એવું નથી; બુદ્ધિને છેડે પહોંચ્યા પછી જ એને દર્શન લાધ્યું હોય એવું પણ નથી.

પ્લેટો એક સાચો કવિ હતો અને સદા સાચો કવિ જ રહ્યો છે. સોક્રેટિસનો આદર્શ એની સામે હતો તે છતાં એનાં દર્શન અને પુરાણકલ્પનોની સમૃદ્ધિની અભિજ્ઞતાએ જ એને લખવા પ્રેર્યો. પણ જો વાર્તાઓ અને દૃષ્ટાન્તકથાઓ, દર્શન અને પુરાણકલ્પન એણે રજૂ કરેલા સન્દર્ભનાં પુરોગામી હોય કે લખતાં લખતાં સ્ફુર્યાં હોય તો પ્લેટોના સિદ્ધાન્તો, એના મહત્ત્વના તબક્કાઓમાં, કવિતા પર જ આધાર રાખતા હતા એમ જ કહેવાનું રહે. માત્ર પ્લેટોની જ નહિ પણ બીજાઓનીય ફિલસૂફી ઘણી વાર એકાદ કાવ્યખણ્ડ પર કરેલા ચિન્તનના સ્વરૂપની હોય છે. કાવ્યમાં રહેલા સૂચિતાર્થો અને ધ્વન્યર્થોને એ વિશદ રીતે સ્ફુટ કરી આપે છે.

જો ખાંડનું પડ જ એને મન મુખ્ય વસ્તુ હોય તો કવિએ પોતાની કડવી ટીકડી પોતાની પાસે જ રાખવી એવું આપણે કહ્યું હોત. જો સિદ્ધાન્તો સુન્દર પુરાણકલ્પનો અને રૂપકોનાં શબ્દશ: અર્થઘટનો જ હોય તો એ આપણા પર શા માટે લાદવાં જોઈએ? કાવ્યની પ્રેરણા હંમેશાં કોઈ ઊંચી ભૂમિકામાંથી આવતી નથી; એમાંનું ઘણું તો આપણા શૈશવમાં કે સંસ્કૃતિના શૈશવમાં મૂળ નાંખીને રહ્યું હોય છે. પ્રેરણાને આપણે દૈવી વાણી તરીકે સ્વીકારવી નહીં જોઈએ. આપણે એને ફિલસૂફીથી ભિન્ન એવી ભૂમિકા પર પણ ગ્રહી શકીએ અને એમાં કશા સિદ્ધાન્તને શોધ્યા વિના પણ આનન્દ મેળવી શકીએ. પણ જો એને ફિલસૂફીની ભૂમિકા પર રહીને આપણે સ્વીકારવા ઇચ્છતા હોઈએ તો તો બુદ્ધિના વર્ચસ્ને આપણે વશ વર્તવું જ રહ્યું. ચિન્તકની અભિનિવેશમુક્ત કઠોરતાથી એને લાગણીવેડા વગરની નરી આલોચનાની કસોટીએ જ ચઢાવવું જોઈએ.

પણ આવું દૃષ્ટિબિન્દુ કોઈ કાળે લોકપ્રિય હોવાનું જાણ્યામાં નથી. સોક્રેટિસે કવિઓની જે ટીકા કરી તેથી એ એથેન્સવાસીઓને વહાલો થઈ પડ્યો એવું નથી બન્યું. એથી તો ઊલટાનો એની સામેનો વિરોધ વધ્યો અને એનું પરિણામ મુકદ્દમામાં આવ્યું. એથી તો એણે ઘણા દુશ્મનો ઊભા કર્યા. આમ શાથી બન્યું? આનું કારણ એ છે કે માનવીઓ હંમેશાં સત્ય સુધી પહોંચવાનો ટૂંકો રસ્તો જ શોધતા રહ્યા છે. અહીં ઘણા આશયો એક સાથે ભેગા થતા હોય છે. એમાં સૌથી વિશેષ તો પ્રમાદ અને સલામતીની ઝંખના ભાગ ભજવતાં હોય છે. મોટા કે નાના ધર્મો, નાના નાના સમ્પ્રદાયો સહીસલામત અને ટૂંકો રસ્તો બતાવવાનો દાવો કરતા હોય છે અને તેથી જ મોટા ભાગના લોકો એ તરફ આકર્ષાય છે. આ ઉપરાંત ઇહલોકમાં અને પરલોકમાં લાભની લાલચ અથવા દણ્ડની ધમકી પણ આપવામાં આવે છે. જે લોકો આવા દાવાને સ્વીકારી લેતા નથી તેઓ પણ કોઈ હાથવગા શાસ્ત્રમાં સત્યને પામી લેવાની આશા સાવ છોડી દઈ શકતા નથી. કેટલાક પ્રાકૃતિક કે સમાજવિજ્ઞાન તરફ વળે છે, તો કેટલાક ‘સત્ય તે જ સુન્દર, સુન્દર તે જ સત્ય’ જેવા સૂત્ર તરફ વળે છે અને કવિકલ્પનાનું ગૌરવ કરે છે. પણ મહાન વિજ્ઞાનીઓ કે કવિઓ આવી કશી ભ્રાન્તિ સેવતા નથી.

જર્મન કવિ ગટેએ અકરમાનને કહ્યું હતું, ‘લોર્ડ બાયરન કવિ તરીકે જ મોટા છે; એ જેવો વિચારવા બેસે કે તરત બાળક જેવો બની જાય છે.’ પ્લેટોએ આ જ વાત ઘણા ભારપૂર્વક કહી છે. ફિલસૂફીના ક્ષેત્રમાં કવિના પર કોઈ વિશ્વાસ કરતું નથી. મોટો કવિ અનિવાર્યતયા મોટો ફિલસૂફ કે ચિન્તક હોય એમ માનવું મૂર્ખામીભર્યું છે. એવું બને તે અસમ્ભવિત જ હોય છે. રિલ્કેને વિશે પણ એના મિત્ર રૂડોલ્ફ કાસનરે કહેલું, ‘રિલ્કે કવિ તરીકે મહાન છે, પણ એની ફિલસૂફી નરી મૂર્ખામી છે.’

શૅક્સપિયરનું જગત વિશેનું અને માનવીની નિયતિ વિશેનું દર્શન દેકાર્ત, એક્વિનાસ, રાઇનહોલ્ડ નાઇબુહર કે જોહ્ન ડ્યુઇના કરતાં વધારે ઊડું હોય એમ બને; પણ એક પંક્તિ કે પરિચ્છેદનું સૌન્દર્ય એ જે કહે છે તેના સત્યની ગૅરંટી નથી. કોઈ દૃષ્ટિબિન્દુ સાચું છે કે નહિ તેના નિર્ણયમાં એમાં રહેલી ઇન્દ્રિયસમ્પર્કતાને અપ્રસ્તુત જ ગણવાની રહે. શૅક્સપિયરની કવિતા જ્યાં એ ચિન્તન નથી ડહોળતો ત્યાં જ વધારે ઊંડી અને સાચી લાગે છે. એને થયેલી નિર્ભ્રાન્તિને કારણે ચિન્તનના કશા ઘટાટોપ વિના, એણે કરેલાં સાદાંસીધાં નિરીક્ષણો વધારે સાચાં લાગે છે. કહેવાતા ફિલસૂફ કવિઓનો વાણીપ્રપંચ એવો પ્રભાવ પાડવાને સમર્થ હોતો નથી. પણ શૅક્સપિયરનાં કયાં વિધાનો સાચાં છે તેનો નિર્ણય કરવા માટે તો તર્કપૂત દલીલ અને સમીક્ષાત્મક ચિન્તનની જ અપેક્ષા રહે.

શૅક્સપિયરમાં ઘણુંખરું એવું બનતું હોય છે જે પરિચ્છેદમાં ધામિર્ક માન્યતાઓનું સમર્થન હોય છે તે કાવ્યત્વની દૃષ્ટિએ નબળી હોય છે, કારણ કે એમાં સાહજિકતાની માત્રા ઓછી હોય છે. જે પરિચ્છેદોમાં રૂઢિનો છેદ ઉડાડવામાં આવ્યો હોય છે, જેમાં શૅક્સપિયરની સ્વાનુભૂતિ મૂર્ત થઈ હોય છે તે આપણને એક જુદા જ ઊંચા સ્તરે લઈ જાય છે. પ્રોસ્પેરોની ઉક્તિ અત્યન્ત કાવ્યમય છે. એ સન્દર્ભની સાંકડી સીમાને તોડીફોડીને કથાનકની આવશ્યકતાને પણ ઉલ્લંઘી જાય છે. ‘(ધ ગ્રેટ ગ્લોબ ઇટસેલ્ફ વીલ લીવ નોટ અ રેક બિહાઇન્ડ’ કે ‘અવર લાઇફ ઇઝ રાઉન્ડેડ વીથ સ્લીપ’); પોશિર્યાનો ધર્મોપદેશ’(ધ ક્વોલિટી ઓવ મર્સી –’) નર્યો ગદ્યાળુ છે. એમાં મેકબેથની ઉક્તિમાં ‘(અ ટેઇલ ટોલ્ડ બાય એન ઇડિયટ –) જે પ્રગલ્ભતાનું બળ અને પ્રવાહિતા છે તે નથી. આથી કેટલાક એમ માનવાને પ્રેરાય કે સત્ય અને સુન્દર આપણે માનીએ છીએ તેટલાં અવિચ્છિન્ન નથી. આનો નિર્ણય કરવા માટે તો જે પંક્તિ સુન્દર લાગે છે તે સાચી છે કે નહિ તે વિશે આપણે આલોચનાત્મક ચિન્તન જ કરવાનું રહે.

પોતે કવિ પણ હોય એવો ફિલસૂફ આખરે તો ફિલસૂફી અને કવિતા અભિન્ન છે એવું પુરવાર કરવાને મથતો હોતો નથી. આપણે એમની ફિલસૂફીનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે એને એના કવિતા સાથેના ઘનિષ્ઠ સમ્બન્ધનો ચેપ લાગ્યો છે, એનાથી એ પ્રભાવિત થયો છે કે કેમ તે પ્રશ્ન વિચારણાનો રહે છે. કવિતા દીપડા જેવી છે. એ આંખને ગમે છે ખરી, પણ તમે જો એને દાસી બનાવવા જાઓ તો એ વેર લીધા વિના નહીં રહે.

કવિઓ દૈવવાણી ઉચ્ચારનારા ફિલસૂફો નથી. આમ છતાં એમનામાં કેવળ એકાદ લાગણી કે વલણને અભિવ્યક્ત કરવાની જ નહીં, પણ પાત્રનું સર્જન કરવાની અને માનવજીવનમાં જે અનુભવની સમ્ભવિતતા નહીં હોય તેવા અનુભવ ભાવકને કરાવવાની શક્તિ હોય છે. કવિતા આપણા જગતને વિસ્તારે છે; આપણી સહાનુભૂતિને વ્યાપક બનાવે છે અને માનવીય વાસ્તવિકતાની પણ ઊંડી સૂઝ ખીલવી આપે છે. આ સિદ્ધ કરવા માટે કવિતાને ઉપદેશાત્મક બનવાનું જરૂરી નથી. એક ઊમિર્કાવ્ય આપણામાં ઝંખનાને જગાડે, નવલકથા રાસ્કોલનિકોવ જેવા પાત્ર પ્રત્યે સહાનુભૂતિ પ્રેરે અને એ રીતે બીજા વિશેની જ નહીં પણ આપણા પોતાના વિશેની સાચી સમજ આપણે કેળવી શકીએ. કવિતા જ્યારે રહસ્યમય સત્યો આપવાનો પ્રયત્ન છોડી દઈને બુદ્ધિ જેને કદી પૂરેપૂરી સમજી શકે નહીં તેનો મુકાબલો કરવા પ્રેરે ત્યારે જ એ ફિલસૂફીની પૂરક બની શકે. માનવીની અખૂટ શક્યતાઓ અને અનુભવનાં અનેકવિધ પાસાંઓ જો ભાષાની પૂરેપૂરી ગુંજાયશને કામે લગાડીએ તો જ વ્યક્ત થઈ શકે. આપણી શક્તિને મર્યાદા હોય છે, અમુક હદથી આગળ જતાં આપણે ભાંગી પડીએ છીએ. પણ કોઈ એકાદ વીરલો એ મર્યાદાને ઉલ્લંઘી જઈ શકે; બાકીના તો સામાન્યતાનું રક્ષણ શોધીને સલામત રહે. કેટલાક માનવીને કૂવા રૂપે જુએ છે, તો કેટલાક ડોલ રૂપે. પણ આ વિરોધ, એક રીતે કહીએ તો, માત્ર દલીલ કરવા પૂરતો જ છે. વાસ્તવમાં આપણામાંના ઘણા સપાટી પર જ રહે છે ને બે-ચાર બિન્દુ પામે છે, ઝાઝા ઊંડાણમાં જતા નથી. સાચી રીતે કહીએ તો માનવી સરોવર છે.