ચૂંદડી ભાગ 1/ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા

હિન્દુ દેવમંડળમાં ગણપતિ કલ્યાણના અધિષ્ઠાતા છે; ભોળા અને ભદ્રિક છે. પેટનો ફાંદો મોટો, આહાર જબરો અને સૂંઢાળું હાથીનું માથું હોવાથી કૃષ્ણની જાનમાં એને બદસિકલ સમજી સાથે નહિ લીધા હોય. રસ્તે જાનને વાવાઝોડાં ને વરસાદનાં તોફાનો નડ્યાં ત્યારે ગણપતિને સહાયે લેવા પડ્યા. ત્યારથી હંમેશાં હરએક શુભ ક્રિયાનો આરંભ ગણેશની સ્થાપનાથી કરાય છે.

પરથમ ગણેશ બેસારો રે
મારા ગણેશ દુંદાળા!

ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા!
ગણેશજી! વરદાન દેજો રે
મારા ગણેશ દુંદાળા!

કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો
ઘોડલે પિત્તળિયાં પલાણ રે
મારા ગણેશ દુંદાળા!

કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો
હાથીડે લાલ અંબાડી રે
મારા ગણેશ દુંદાળા!

કૃષ્ણની જાને રૂડા જાનૈયા શણગારો
જાનડીઓ લાલ ગુલાલ રે
મારા ગણેશ દુંદાળા!

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો
ધોરીડે બબ્બે રાશું2 રે
મારા ગણેશ દુંદાળા!

કૃષ્ણની જાને રૂડા ધોરીડા શણગારો
વેલડીએ દસ આંટા રે
મારા ગણેશ દુંદાળા!

વાવલિયા વાયા ને મેહુલા ધડૂક્યા
રણ રે વગડામાં રથ થંભ્યા રે
મારા ગણેશ દુંદાળા!

તૂટ્યા તળાવ3 ને તૂટી પીંજણિયું4
ધોરીડે તૂટી બેવડ રાશું રે
મારા ગણેશ દુંદાળા!

ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ
તમે આવ્યે રંગ રે’શે રે
મારા ગણેશ દુંદાળા!

અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા!
અમ આવ્યે તમે લાજો રે!
મારા ગણેશ દુંદાળા!

અમારે જોશે સવા મણનો રે લાડુ,
અમ આવ્યે વેવાઈ ભડકે રે!
મારા ગણેશ દુંદાળા!

વીવા અઘરણી5 ને જગન6 ને જનોઈ,
પરથમ ગણેશ બેસારું રે
મારા ગણેશ દુંદાળા!