ચૂંદડી ભાગ 1/14.લીલાં છાણની ગાર કરાવો રે (મગ ભેળતી વખતે)


14

કન્યાના ગૃહ-મંદિરમાં હવે તો માનવ-મિલનના મંગલ ઉત્સવની કેવી કેવી ઝીણવટથી તૈયારી ચાલે છે! ઘરની સાફસૂફી અને શોભા આવા રમ્ય શબ્દે વર્ણવાય છે!

લીલાં છાણની ગાર કરાવો રે
ત્યાં કાંઈ કંકુના વાંટા દેવરાવો રે
ત્યાં કાંઈ મોતીના ચૉક પુરાવો રે
ત્યાં કાંઈ ઘીના દીવા અજવાળો રે
ત્યાં કાંઈ સોનાના બાજોઠ ઢાળો રે
ત્યાં કાંઈ જોશીડાને તેડાવો રે
લાડકડાનાં લગન લખાવો રે

લગ્ન લખાયાં. અને કન્યાની માતાએ હોંશે હોંશે પિયરમાંથી પોતાનાં ભાઈ–ભોજાઈ તેડાવ્યાં :

મારે પગરણ આવિયું પૅ’લું રે
મેં તો મૈયર કે’વરાવ્યું વૅ’લું રે
મારે ઊગમણું આવ્યું ધાઈ રે
મેં તો તેડાવ્યાં ભાઈ ભોજાઈ રે
મારા વીરોજી આવ્યા સીમે રે
મારા હૈડલાં ટાઢાં હીમે રે
મારા વીરોજી આવ્યા ઝાંપે રે
દુશ્મનિયાનાં હૈડાં કાંપે રે
મારા વીરોજી આવ્યા શેરી રે
વજડાવો ને ઢોલ ભેરી રે
મારા વીરોજી આવ્યા ખડકી રે
વાગી વાગી ઘોડીલાની પડઘી રે
મારા વીરોજી આવ્યા ડેલી રે
હું તો જોવાને થઈ છું ઘેલી રે
મારા વીરોજી આવ્યા ધાઈ રે
મેં તો ચરૂ ભરી સેવ ઓસાઈ રે
મેં તો ઢળક વાઢી ઘી રેડાઈ રે
મેં તો ખોબલે ખાંડ પિરસાઈ રે
મેં તો જમાડ્યાં ભાઈ ભોજાઈ રે
મારી નણદી તે રોષે ભરાઈ રે

કન્યાની માતા પોતાના વીરાની ઉપર ઓછી ઓછી થઈ જાય તે નણંદથી દીઠું જાતું નથી. ભરપૂર સહોદર-પ્રેમનાં ગાન વચ્ચેથી નણંદના રોષનો બસૂરો તાર બોલે છે. કવિ અત્યંત દયાર્દ્ર રીતે ટીખળ માણે છે! ભાઈ–બહેનનો અહીં આલેખ્યો ભાવ હૂબહૂ છે :

નણદલ, આવડો રોષ ન કીજે રે
મારું અંતર એથી સીજે2 રે!
નણદલ, આવડું જાણ્યું ન બાઈ રે
ન તેડાવત ભાઈ ભોજાઈ રે!
નણદલ, આવડું ન જાણ્યું ન પૅ’લું રે
ન કે’વરાવત મૈયર વૅ’લું રે3