ચૂંદડી ભાગ 1/22.પીઠી ચોળે રે પિતરાણી (પીઠી સમયે)
22
એમાં વળી કોઈ ટીખળી ભોજાઈને યાદ આવી જાય છે કે વેવાઈને ઘેર તો કન્યા પણ સૌંદર્ય વધારવા માટે પીઠી ચોળાવતી હશે! એટલે ભાભીએ પોતાના દેવરને વિશિષ્ટતા જાળવવા માટે વિનોદભરી દુવા દીધી :
પીઠી ચોળે પીઠી ચોળે પિતરાણી
હાથપગ ચોળે રે વરની ભાભી
મુખડાં નિહાળે રે વરની માતા!
પે’લી પીઠી ચડશે રે મારા જિયાવરને
ઊતરતી ચડશે રે પૅ’લી છોડીને!
પાકાં તેલ ચડશે મારા જિયાવરને
કાચાં તેલ ચડશે રે પૅ’લી છોડીને!
પડતી કેરી ખાશે રે મારા જિયાવર ને
ગોટલા તો ચૂસશે પૅ’લી છોડી રે!