ચૂંદડી ભાગ 1/26.લીલુડો વાંસ ઢળુકડે ઢળિયો (પ્રભાતિયું)
દરમિયાન રોજ રોજ બંને ઘરો પ્રભાતિયાને મંગલ સૂરે ગૂંજતાં રહે છે. જાણે કે પ્રત્યેક પંક્તિએ મંગલ ભાવનાઓના ધૂપ દેવાઈ રહ્યા છે. ઘરમાં જાણે શબ્દો વડે દેવ-આરતીના ડંકા પડે છે. ઊગતા સૂર્યનાં તેજનાં રાંદલ-આદિત્યની પ્રેમલીલાનાં અને લગ્નજીવનના જે કાંઈ આદર્શો હોય તેનાં સ્તવનો વડે એક બાજુથી પ્રભાતને સ્વાગત દેવાય છે, ને બીજી બાજુ સૂતા સ્વજનોની નિદ્રા ઉડાડાય છે.
લીલુડો વાંસ ઢળુકડે ઢળિયો
ઇ રે વાંસલિયાનો વીંઝણો ઘડિયો
હરતો ને ફરતો હીરલે જડિયો!
માણું મોતી ને પાલી પરવાળે જડિયો
ઇ રે વીંઝલણો રાંદલ-વરસું જડિયો
ઊઠો, રાંદલના વર, સપનાં નિહાળો!
લ્યો રે લોટી ને સીંચો તુળસીનો ક્યારો!
જેમ જેમ તુળસી લેરડે જાય રે
તેમ રે રાંદલના વર નીંદરે ઘેરાય રે!
જેમ જેમ તુળસી ફાલે ને ફૂલે
તેમ રે રાંદલના વરને નીંદરડી ઊડે!
વર–કન્યાનું નામ લઈ ફરી ફરી ગવાય છે, શી સુંદર કલ્પના કરી છે! મીઠે પરોઢિયે જાણે સૂર્યદેવને ઘેર રાંદલ રાણી પોતાના પોઢેલા પ્રભાકરને મોતીપરવાળે જડ્યો વીંઝણો ઢોળે છે. તુળસીની મંજરીઓ એના આંગણામાં વાયુને હિલોળે હિલોળે ઝૂલી રહી છે અને એમાંથી છૂટતા શીળા વાયરા વડે આદિત્ય દેવ નીંદરે ઘેરાયા છે. ને તુળસી ઊઘડે છે તેમ તેમ સૂર્યની નીંદ ઊડે છે.