ચૂંદડી ભાગ 1/29.સિંદૂરી વરણીના રે સૂરજ ઊગિયા (પ્રભાતિયું)


29.

લગ્ન મહાલવા આવેલી સ્ત્રીઓ આટલો પરિહાસ કર્યા વગર રહી શકતી નથી. પરંતુ એ ટીખળ લાંબું નથી ચાલતું. પ્રભાતનું સૌંદર્ય તેઓને વધારે આકર્ષે છે. સૂર્યોદયના ભવ્ય દર્શનમાંથી કેવી વાચા મળે છે! કેવી કલ્પના પ્રગટ થાય છે!

સિંદૂરી વરણીના રે સૂરજ ઊગિયા રે
ચાંપલિયાવરણી કાંઈ ચાંદલિયે પ્રે વાસી રે
વેલ્ય પરવાળડે ચાંપલિયો મોરિયો રે
વેલ્ય વેડાવો ને કળિયું ચૂંટાવો રે
હાર ગુંથાવો ને રાણી રન્નાદેનો રે
રાણી રન્નાદે તમે હાર સોવરાવો રે
તમ પિયુડો લાલ છડે રમે રે
લાલ છડે રમે પાસલા ઢાળે રે
રતન કચોળડે દીવા બળે રે

સૂર્યોદય એટલે સિંદૂરવરણી ને ચંપાવરણી બંને પ્રભાના છંટકાવ : આકાશની ફૂલવાડીમાં જાણે કિરણોરૂપી વેલડીઓના ફૂલખિલાવ : રત્નકચોળે ઝળહળતા જાણે આદિત્ય-આવાસના દીવા : એ દીવાને અજવાળે જાણે રન્નાદે રાણીનો પિયુડો પાસા ઢાળી લાલ લાલ સોગઠે રમે છે. ને સપ્તરંગી પુષ્પો વીણીને પ્રિયતમા રાંદલ એ સ્વામીના ગળાનો હાર ગૂંથે છે : આવી કલ્પનાઓ એ ગાનાર સ્ત્રીમંડળની આંખોમાં રમી હશે.