ચૂંદડી ભાગ 1/31.રાજ પેલડા પોરની નીંદરડી (પાપડ વણતાં)


31


તોયે જાણે કે ભાઈ નથી જાગ્યો. પ્રભાતના પહેલા પહોરની મીઠી નિદ્રામાં એની આંખો લહેરાઈ રહી છે. થાક્યો-પાક્યો એ પોઢ્યો છે. નાનાં વહુ જઈને કંથને કોકિલસ્વરે જગાડે છે :

રાજ પેલડા પોરની નીંદરડી,
નીંદર જાજે રે… ભાઈની સેજ!
નીંદરડી નેણાં ઘેરી રહી.
ગોરાં… વહુ જગાડે જાગે નહિ,
પોઢ્યા જાગો રે… બાઈના વીરા!
નીંદરડી નેણાં ઘેર રહી.
તમે કાં, કંથ, પીધા કસુંબલા,
તમે આરોગી કાં તો લીલુડી ભાંગ!
નીંદરડી નેણાં ઘેરી રહી.
અમે નથી રે પીધા કસુંબલા,
અમે આરોગી નથી લીલુડી ભાંગ;
નીંદરડી નેણાં ઘેરી રહી.
અમે દરબારેથી મોડા આવિયા,
આપણે ઘેરે રે… ભાઈના વીવા;
નીંદરડી નેણાં ઘેરી રહી.
ત્યાં તો મંગલમુખી માલણ આવી.