ચૂંદડી ભાગ 1/33.ઊઠો ને ભોળી વીછળોને ગોળી (પ્રભાતિયું)


33

સૂર્યનો ઉદય થયો. અને જાણે ઉગમણી દિશામાં કોઈ મંગલમય દેવતાનાં કંકુવરણાં પગલાં દેખાયાં. એ રીતે અંતરીક્ષમાં ચાલ્યાં આવતાં દેવયુગલ કોણ છે? એ તો છે લાશ અને લક્ષ્મી : ઉદ્યમ અને સંપત્તિ : એ બંને શી વાતો કરે છે? પરસ્પર મસલત કરે છે કે આપણે કોને ઘેર જશું? કયા ઘરને આંગણે આપણે પગ મેલવા જેવી પુનિત ભૂમિ છે? ગીત ગાનારીઓ એ દેવબેલડીની વાતો પોતાનાં ગીતમાં ઉતારે છે :

ઊઠોને ભોળી, વીંછળોને ગોળી;
મહીડાં વલોવો ઝોટ્યું3 તણાં રે.
મહીડાં વલોવશે મારી… ભાઈની માડી રે
પેરણ પટોળી ઓઢણ ચૂંદડી રે.
લાશ ભણે રે લખમી કિયા ભાઈ ઘેર જાશું રે
જે ભાઈ ઘેર પરભાતે પાણી ગળે.
લાશ ભણે રે લખમી કિયા ભાઈ ઘેર જાશું રે
જે ઘર સાસુ વહુ સુવાસણા.
લાશ ભણે રે લખમી કિયા ભાઈ ઘેર જાશું રે
જે ઘર બાપ દીકરો લેખાં કરે.
લાશ ભણે રે લખમી કિયા ભાઈ ઘેર જાશું રે
જે ઘેર પુતર કેરાં પારણાં.
લાશ ભણે રે લખમી કિયા ભાઈ ઘેર જાશું રે
જે ઘેર વરધ ઉતાવળી.
લાશ ભણે રે લખમી કિયા ભાઈ ઘેર જાશું રે
જે ઘેર સમી સાંજ દીવો બળે.
લાશ ભણે રે લખમી કિયા ભાઈ ઘેર જાશું રે
જે ઘેર સામી ભીંતે સાથિયા.
લાશ ભણે રે લખમી કિયા ભાઈ ઘેર જાશું રે
જે ઘેર પોપટ કેરાં પાંજરાં.

જેને ઘેર પ્રભાતમાં જ વહેલાં પાણી ગળાય, સમી સાંજના જ દીવા પ્રગટ થાય, ને પિતાપુત્ર સંપીજંપીને ચોપડા લખે, એવા ઉદ્યમશીલ ઘરમાં જ લક્ષ્મીના વાસા સંભવે : જેના ઘરમાં સાસુ-વહુ બંને સૌભાગ્યવતીઓ હોય, પારણે પુત્ર રમતો હોય, ભીંતે સાથિયાનાં મંગલ ચિહ્નો અંકાયાં હોય, ને પ્રભુનામ ભણતો રૂપાળો પોપટ પાંજરે બેઠો હોય, એ જ ઘર સુખી હોઈ શકે. લક્ષ્મી અને ઉદ્યમનાં એ જ મનમાન્યાં મુકામ છે. આવું મંગલ ગૃહજીવન પ્રભાતને પહોરે ગીતોમાં સરજીને ગાનારીઓ સહુ કુટુંબીજનોને જાગૃત કરે છે અને પ્રમાદ ઉડાડી ઉદ્યમમાં પ્રેરે છે.