ચૂંદડી ભાગ 1/38.વણજારો આવ્યો (પ્રભાતિયું)


38

ભાતભાતનાં ધાન્યની તેમજ વસ્ત્રોની પોઠ્યો ભરીને દેશાવરથી વણજારો ને વણજારી આવી પહોંચ્યાં : વણજારી કેવી! અવળા અંબોડાવાળી :

વણજારો આવ્યો ને વણજારી લાવ્યો,
ભાઈ રે, વણજારીનો અવળો અંબોડો!
ભાઈ રે …ભાઈ, મારે માંડવે પધારો,
માંડવે પધારીને પોઠ્યું મુલવાવો.
ભાઈ રે વણજારા, તારી શી શી રે પોઠ્યું,
ભાઈ રે ભાઈ, અમારી નવલખી પોઠ્યું.
પેલી તે પોઠમાં મગ રે મંડોળિયા,
મગ રે મંડોળિયાની પીઠી રે નીપજે.
બીજી તે પોઠમાં જાર જગોતરી,
જાર જગોતરીની ઘેંસવ નીપજે.
ત્રીજી તે પોઠમાં ચોળા ડોલરિયા,
ચોળા ડોલરિયાની વડી3 રે નીપજે.
ચોથી તે પોઠમાં અડદ ઇંદોરિયા,
અડદ ઇંદોરિયાના પાપડ4 નીપજે.
પાંચમી તે પોઠમાં ચોખા કમોદિયા,
ચોખા કમોદિયાનો ખેરો5 રે નીપજે.
છઠી તે પોઠમાં ઘઉં રે ગોરડિયા,
ઘઉં રે ગોરડિયાનો પકવાન નીપજે.
સાતમી તે પોઠમાં કન્યા પાનેતર,6
કન્યા-પાનેતર મારે …બાને સોહે.
આઠમી તે પોઠમાં સૂતર ઘરચોળું,
સૂતર ઘરચોળું મારે …વહુને સોહે.
નવમી તે પોઠમાં વરરાજા મોળિયાં,2
વરરાજા મોળિયાં …જમાઈને સોહે.