ચૂંદડી ભાગ 1/4.દૂધે તે ભરી રે તળાવડી (માયરાનું)
4.દૂધે તે ભરી રે તળાવડી (માયરાનું)
જાણે મોતીજડ્યા હોય એવી ઝગમગતી, કોઈ દૂધ-શા મીઠા નીરના સરોવરની પાળે, કોઈ એક સુંદર જળાશયને તીરે, યુવાન–યુવતીનું પહેલું મિલન થતું કલ્પાય છે. ઈશ્વર અને પાર્વતીનો જ પરિશુદ્ધ ભાવ અખંડિત રાખીને અહીં વર-કન્યાના આચરણની સરસ મર્યાદા બંધાય છે. મળ્યાં, ઓચિંતો વિનોદ થયો, વૈશાખ માસની ભભકતી ઋતુમાં પરણવાના કોલ પણ દેવાયા :
દૂધે તે ભરી રે તળાવડી, મોતીડે બાંધી પાળ,
ઈશવર ધોવે ધોતિયાં! પારવતી પાણીની હાર.
હળવાં તે ધોજો, ઈશવર, ધોતિયાં! છંટાશે મારાં ચીર,
અમ ઘેર દાદોજી રિસાળવા, માતા મારી દેશે ગાળ.
નહિ તારો દાદોજી રિસાળવા, નહિ દેશે માતા તારી ગાળ,
આપણ બેય મળી પરણશું વૈશાખ મહિના માંય.