ચૂંદડી ભાગ 1/42.ગાગર ઉપર બેઠો લીલો હંસ રે (માળા નાખતી વેળા)


42.

પરણવા જવા માટેનો ગંભીર દિવસ પાસે ને પાસે આવતો જાય છે, તેમ તેમ વરરાજા જાણે કે પોતાના જીવનના એ ચાલ્યા આવતા અગમ્ય પલટા વિશે કંઈક નિગૂઢ વેદનાની, ચિંતાની ને પ્રીતિની લાગણીઓ અનુભવતો હશે. દાંપત્યના રસની એને ગમ નહિ પડતી હોય. એનું અંતઃકરણ થડક થડક થતું હશે. તેવા સમયમાં એને અંતરે હિંમત પૂરવી, સૌંદર્યનું સિંચન કરવું, મનોરમ કલ્પના માંહેથી એના મનને પસાર કરાવી મૂંઝવણો છોડાવી દેવી, એ જરૂરનું હતું. જે સરળતાથી દિવસ પીગળી જઈ રાત્રિના પ્રદેશમાં ઊતરી પડે છે. વચ્ચે રહેલી જબરદસ્ત અસંગતતા જે રીતે પોતાને કળાવા દીધા સિવાય દિન-રજનીનું ઓતપ્રોત મિલન સધાવી લે છે, તેવી જ કોઈ કોમળ પરિવર્તનની રીતિ વડે આ ગીતો આપણા તરુણ પતિરાજને જુગલ જીવનની નવી અજાણી દુનિયામાં, કંઈ જ આંચકો ખવરાવ્યા વિના ઉપાડી જાય છે. હંસરાજનું એ સંબોધન મીઠું ને અર્થભર્યું છે! નીરક્ષીરનો વિવેકી વરરાજ સાંભળે છે :

ગાગર ઉપર બેઠો લીલો હંસ રે
આ હંસ કેણે ઉડાડિયો રે?

કહો, હંસ રાણા! કિયાં તમારા વાસ રે
આ કિયાં તમારાં બેસણાં રે?

આંબા ડાળે હુવા અમારા વાસ રે!
આ સરોવર પાળે બેસણાં રે!

કહો, હંસ રાણા! કેમ જાશો પરદેશ રે
આ કેમ કરી દરિયો ડૉળશો રે?

પાંખે ઊડી જાશું રે પરદેશ રે
આ ચાંચે દરિયો ડૉળશું રે
ગાગર ઉપર બેઠો લીલો હંસ રે
આ હંસ કેણે ઉડાડિયો રે?

કહો…ભાઈ કિયાં તમારા વાસ રે
આ કિયાં તમારાં બેસણાં રે?

2… શહેરમાં હુવા અમારા વાસ રે
3…ભાઈ ઘેરે બેસણાં રે.

કહો…ભાઈ, કેમ જાશો પરદેશ રે
આ કેમ કરી લાડડી લાવશો રે?

રૂપિયાની થેલીએ જાશું પરદેશ રે
આ ગરથે લાડડી લાવશું રે!