ચૂંદડી ભાગ 1/51.મેઘવરણા વાઘા વરરાજા (જાનમાં)


51.

ઉઘલતી — વિદાય થતી — સાજન મંડળીની વચ્ચે વરરાજા શા શા રંગે શોભે છે!

મેઘવરણા વાઘા વરરાજા
કેસરભીનાં વરને છાંટણાં

મેઘલ રંગના વાઘા : લોકકવિને રંગ પારખવાની સાચી રસદૃષ્ટિ હતી. ઘનશ્યામ રંગ : રામ અને કૃષ્ણના દેહનો વર્ણ : તે પર કેસરનાં છાંટણાં : અને ખુલ્લાં અંગો તે બધાં પીઠી થકી ઉઘડેલાં, ચમકતાં ને સુંવાળાં સફેદ : પરણવા જતા એ વરને યાદ કરાવે છે કે તમને તો સાસરવાસી ગામને સીમાડેથી જ નિરનિરાળા રખેવાળો વધામણીની ભેટસોગાદો માગી માગી સતાવશે, તે વખતે તમે શું કરશો? એ ચોકીદારો આડા ફરશે તો ‘લાખેણી લાડી’ શી રીતે લાવશો? માટે તમામને ‘રૂડી રીત’ દેજો — સરપાવ દેજો! કેમ કે તમે રાજા છો :

મેઘવરણા વાઘા વરરાજા
કેસરભીનાં વરને છાંટણાં
સીમડીએ કેમ જાશો, વરરાજા
સીમડીએ ગોવાળીડો રાકશે.
ગોવાળીડાને રૂડી રીત જ દેજો
પછે રે મોટાનાં છોરું પરણશે
પછે રે લાખેણી લાડી લાવશે.
વાડીએ કેમ જાશો, વરરાજા
વાડીએ માળીડો રોકશે.

સીમડીનો ગાયો ચારતો ગોવાળ : પાદરની ફૂલવાડીએ ફૂલો ઉઝેરતો માળી : બજારે રાજ કરતું મહાજન : અને માંડવે મંત્રોચ્ચાર કરતો પુરોહિત : એ બધાં તો ગામનાં આભૂષણો હતાં. સૌંદર્ય, સમૃદ્ધિ, સુગંધ, સત્તા અને શાસ્ત્ર વગેરેના સદા જાગ્રત પહેરેગીરો હતા. એના લાગા તો સહર્ષ ચૂકવવામાં આવતા. એ વરરાજા — એટલે કે એ રાજરાજેન્દ્રને — પણ આ ગ્રામ્ય-જીવનના ચારપાંચ ચમરબંધીઓની ખંડણી ચૂકવવી જ પડતી.