ચૂંદડી ભાગ 1/63.બારે પધારો સોરંગ સુંદરી (પોંખતી વેળા)


63.

આંગણે ઊભો ઊભો અલબેલો જાણે એ સુરંગી સુંદરીને બહાર આવવા સાદ પાડે છે, પરંતુ પોતાના લાડકાને શાણપણનું સ્મરણ કરાવતી કન્યા વડીલોની મર્યાદા લોપવાની મીઠી ના કહે છે :

બારે પધારો સોરંગ સુંદરી!
આંગણે અલબેલો ઊભા રિયા

હું કેમ આવું, શાણા હો લાડડા!
અમને અમારો દાદો દેખશે.

તમારા દાદાને રીત જ દેશું,
પછી રે મોટાને માંડવ મ્હાલશું

પછી રે ધીંગાની ધેડી પરણશું!
પછી રે કુંવારી કન્યા પરણશું!