ચૂંદડી ભાગ 1/64.મારા નખના પરવાળા જેવી ચૂંદડી


64

વરરાજાએ કન્યાને ઓઢવા માટે ચૂંદડી મોકલી. કન્યા એ ચૂંદડી ઓઢતાં અચકાય છે. એને ભય છે કે કદાચ આ નવી ચૂંદડી દેખીને સ્વજનો પૂછપરછ કરશે તો? ગુપ્ત રીતે મોકલેલી ચૂંદડી સહુના દેખતાં શી રીતે પહેરાય? વરરાજા કહાવે છે કે ઓ લાડી! હું ગુપ્ત ભેટ દેવા નથી આવ્યો, સહુ જાણે તેમ આવ્યો છું; માટે નિર્ભય બનીને પહેરો.

મારા નખના પરવાળા જેવી ચૂંદડી
મારી ચૂંદડીનો રંગ રાતો હો લાડડી
ઓઢોને, સાહેબજાદી, ચૂંદડી,
હું તો કેમ કરી ઓઢું રે, સાયબા, ચૂંદડી,
મારો દાદોજી દેખે માતાજી દેખે.
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી!
તમારા દાદાના તેડ્યા અમે આવશું,
તમારી માતાના મન મો’શે, હો લાડડી
ઓઢોને લાડકવાયી ચૂંદડી!

હું તો કેમ કરી ઓઢું રે, સાયબા, ચૂંદડી,
મારો વીરોજી દેખે ભાભીજી દેખે
કેમ રે ઓઢું સોરંગ ચૂંદડી!

તમારા વીરાનાં તેડ્યાં અમે આવશું
તમારી ભાભીના ગુણ ગાશું હો લાડડી
ઓઢોને, સાહેબજાદી, ચૂંદડી!